News of Sunday, 24th May 2026
કરો યા મરો જંગ પર આકાશી આફત: મુંબઈ અને રાજસ્થાન વચ્ચેના મહામુકાબલામાં વિલન બનશે વરસાદ? જો મેચ ધોવાઈ ગઈ તો પ્લેઓફનું આખું સમીકરણ બદલાઈ જશે
વાનખેડેમાં હાઈ-વોલ્ટેજ મેચ પહેલાં વાવાઝોડાની આશંકાથી ક્રિકેટપ્રેમીઓ ચિંતિત: રાજસ્થાન રોયલ્સ માટે સહેજ પણ ભૂલ એટલે ટુર્નામેન્ટમાંથી સીધી એક્ઝિટ નક્કી

મુંબઈ: આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) નો રોમાંચ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, જ્યાં આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (MI vs RR) વચ્ચે લીગ સ્ટેજની ૬૯મી હાઈ-પ્રોફાઈલ મેચ રમાવાની છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વર્ષે ખરાબ પ્રદર્શનના કારણે પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ સત્તાવાર રીતે બહાર થઈ ચૂકી છે, પરંતુ રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ ‘કરો યા મરો’ સમાન છે. રાજસ્થાન જો આ મેચ જીતશે તો પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લેશે, પરંતુ જો હારશે તો વટભેર બહાર થઈ જશે. આ દરમિયાન સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે મુંબઈમાં સવારથી જ આકાશ વાદળછાયું છે અને મેચ દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા હોવાથી રાજસ્થાનની રમત બગડવાનું મોટું જોખમ ઊભું થયું છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, બપોરે ૩:૩૦ વાગ્યે શરૂ થનારી આ મેચના ટોસ સમયે વરસાદની શક્યતા માત્ર ૫ ટકા છે, પરંતુ સાંજે ૫ વાગ્યાની આસપાસ તે વધીને ૩૫ ટકા થઈ જશે. આઈપીએલના નિયમો અનુસાર લીગ સ્ટેજની મેચો માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી, જેથી જો વરસાદને કારણે મેચ રદ થાય તો બંને ટીમોને ૧-૧ પોઈન્ટ વહેંચી દેવામાં આવશે. આ સમીકરણ રાજસ્થાન માટે ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે પોઈન્ટ ટેબલમાં પ્લેઓફની ચારમાંથી ત્રણ જગ્યાઓ પર આરસીબી (RCB), ગુજરાત (GT) અને સનરાઈઝર્સ (SRH) કબજો કરી ચૂકી છે, જ્યારે દિલ્હી, મુંબઈ અને લખનૌ રેસમાંથી બહાર છે. હવે બાકી બચેલી એકમાત્ર જગ્યા માટે રાજસ્થાન, પંજાબ અને કોલકાતા વચ્ચે કાંટાની ટક્કર છે.
જો આજની મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો રાજસ્થાન રોયલ્સના ૧૫ પોઈન્ટ થશે અને તે પંજાબ કિંગ્સના ૧૫ પોઈન્ટની બરાબરી કરી લેશે, પરંતુ નબળા નેટ રન રેટના કારણે રાજસ્થાન ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. હાલમાં પંજાબનો નેટ રન રેટ (+૦.૩૦૯) રાજસ્થાન (+૦.૦૮૩) કરતા ઘણો સારો છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પાસે અત્યારે ૧૩ પોઈન્ટ છે અને તેમની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે છે. જો મુંબઈની મેચ રદ થાય, તો કોલકાતા મોટી જીત મેળવીને પંજાબ કરતા સારો રન રેટ હાંસલ કરી પ્લેઓફમાં એન્ટ્રી મારી શકે છે. આ સ્થિતિમાં, જો કોલકાતા પહેલા બેટિંગ કરીને ૨૦૦ રન બનાવે તો તેમને ૭૭ રનથી જીતવું પડશે અથવા ૧૮૦ રનનો પીછો ૧૨ ઓવરમાં જ પૂરો કરવો પડશે. આમ, મુંબઈનો વરસાદ અન્ય ટીમોના કિસ્મત ખોલી શકે છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
