News of Sunday, 26th July 2026
કોમનવેલ્થ ગેમ્સમાં મોટો અકસ્માત : ઈંગ્લેન્ડના ૧૯ વર્ષીય જીમનાસ્ટ ગેબ્રિયલ લેંગટન હાઈ બાર પરથી પટકાતાં ગંભીર ઈજા : સ્ટ્રેચર પર સારવાર અર્થે ખસેડાયા : જુઓ વિડીયો
કેનેડાએ ૨૪૧.૪૦૦ પોઈન્ટ સાથે ૨૦૦૬ પછી પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો : ઈંગ્લેન્ડને સિલ્વર અને ઓસ્ટ્રેલિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો : દુર્ઘટના બાદ લ્યુક વ્હાઈટહાઉસનું મનોબળ અને રમતગમતની ક્ષણો વાયરલ

🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF
— Basil the Great (@BasilTheGreat) July 25, 2026
બર્મિંગહામ : કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની આર્ટિસ્ટિક જીમનાસ્ટિક્સ ટીમ ફાઇનલ દરમિયાન એક અત્યંત ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ઈંગ્લેન્ડના ૧૯ વર્ષીય જીમનાસ્ટ ગેબ્રિયલ લેંગટન હાઈ બાર પરથી નીચે પડતાં તેમના માથા અને ગરદનના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ સ્પર્ધાને તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી હતી અને તબીબી ટીમે આવીને તેમની સારવાર શરૂ કરી હતી.
૧૧ મિનિટની તબીબી સારવાર બાદ સ્ટ્રેચર પર ખસેડાયા:
અકસ્માત સર્જાતાં જ સમગ્ર એરેનામાં શાંતિ છવાઈ ગઈ હતી અને સહ-જીમનાસ્ટો ચિંતાતુર મોઢે જોઈ રહ્યા હતા. પ્રાથમિક તબક્કે હલનચલન ન કરી શકેલા લેંગટને બાદમાં પોતાના પગ અને હાથ હલાવતા તબીબોને રાહત થઈ હતી. લગભગ ૧૨ જેટલા મેડિકલ સ્ટાફે તેમની સ્થિતિ સ્થિર કર્યા બાદ ૧૧ મિનિટ પછી તેમને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યા હતા. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
કેનેડાનો સુવર્ણ વિજય અને ઈંગ્લેન્ડનો સિલ્વર મેડલ:
આ ઘટના સમયે ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે સુવર્ણ પદક માટે કડક ટક્કર ચાલી રહી હતી. અકસ્માતની આઘાતજનક ક્ષણો બાદ ઈંગ્લેન્ડના લ્યુક વ્હાઈટહાઉસે જટિલ પરિસ્થિતિઓ વચ્ચે પોતાનું પ્રદર્શન પૂર્ણ કર્યું હતું. ઈંગ્લેન્ડે ૨૩૮.૨૫૦ ના સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. કેનેડાએ ૨૪૧.૪૦૦ પોઈન્ટ મેળવીને ૨૦૦૬ પછી પ્રથમ વખત કોમનવેલ્થ પુરુષ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ૨૩૫.૬૫૦ પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
સ્કોટલેન્ડ ચોથા સ્થાને, સાયપ્રસ પાંચમા અને વેલ્સ છઠ્ઠા ક્રમે:
આ સ્પર્ધામાં સ્કોટલેન્ડે પણ બ્રોન્ઝ મેડલ માટે આખરી ક્ષણો સુધી કડક ફાઈટ આપી હતી પરંતુ તે ૨૩૪.૩૦૦ પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યું હતું. આ ઉપરાંત સાયપ્રસ ૨૨૮.૩૫૦ પોઈન્ટ સાથે પાંચમા અને વેલ્સ ૨૨૭.૦૦૦ પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે રહ્યું હતું. જીમનાસ્ટ લ્યુક વ્હાઈટહાઉસે જણાવ્યું હતું કે જીમનાસ્ટિક્સ એ અત્યંત જોખમી રમત છે અને આવી ઘટનાઓ તેની યાદ અપાવે છે, જોકે મળતી માહિતી મુજબ લેંગટનની તબિયત હાલ સુધારા પર છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
