News of Saturday, 10th October 2026
રોમાંચક અને હાઈ-સ્કોરિંગ ટી-20 મુકાબલામાં મયંક યાદવની ખતરનાક બોલિંગ: ૧૪૯.૫ કિમીની ઝડપે ઉડાવી દીધા વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોના ઓફ-સ્ટમ્પ
ગૌતમ ગંભીરની ખાસ સલાહથી ફાસ્ટ બોલરે પોતાની ઝડપ પર જ કેન્દ્રિત કર્યું ધ્યાન; જોકે રોમાંચક મેચમાં ભારતનો પરાજય અને શ્રેણી ૧-૧ ની બરાબરી પર

રાંચી : રાંચી ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી પાંચ મેચોની T-20 સિરીઝના બીજા અત્યંત રોમાંચક અને હાઈ-સ્કોરિંગ મુકાબલામાં ભલે ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ યુવા ફાસ્ટ બોલર મયંક યાદવે પોતાની ઘાતક બોલિંગથી આખી મેચનું પાસું પલટી નાખ્યું હતું. અગાઉ ઈજાઓ અને પીઠના દુખાવાથી પરેશાન રહેલા મયંક યાદવે આ મેચમાં સતત ૧૪૦ થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને શાનદાર પુનરાગમન કર્યું છે.
મેચ દરમિયાન મયંક યાદવે ૩ ઓવરમાં ૩૬ રન આપીને ૩ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેણે એક જ ઓવરમાં બે બોલમાં બે ખેલાડીઓને ક્લીન બોલ્ડ કરીને વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ખળભળાટ મચાવી દીધો હતો. શિમરોન હેટમાયર (૦) તેની ૧૪૪ કીમીની ઝડપના બોલને સમજી જ ન શક્યો અને તેની બેલ્સ ઉડી ગઈ હતી, જ્યારે વિસ્ફોટક બેટ્સમેન રોવમેન પોવેલ (૨૪) નું તો ૧૪૯.૫ કિમી (લગભગ ૧૫૦ કીમી) ની ભયાનક ઝડપવાળા બોલે ઓફ-સ્ટમ્પ ઉડાડીને હવામાં ફંગોળી દીધું હતું.
આ શાનદાર પ્રદર્શન પાછળ ટીમ ઈન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીરની મહત્વપૂર્ણ સલાહ કામ કરી હોવાનું મયંકે જણાવ્યું હતું. મેચ બાદ ગંભીરે સ્પષ્ટ કર્યું હતું કે મયંક કુદરતી ફાસ્ટ બોલર છે, તેથી તેણે ધીમી ગતિ કે અન્ય વેરીએશનના ચક્કરમાં પડવા કરતાં પોતાની અસલી ગતિ (પેસ) પર જ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો મયંક ૧૫૦ કિમીની આસપાસની ઝડપે બોલ ફેંકી શકતો હોય તો તેણે એ જ ગતિ જાળવી રાખવી જોઈએ, અને મયંકે મેદાન પર બિલકુલ એવું જ કરીને બતાવ્યું.
આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં ભારતે નિર્ધારિત ઓવરોમાં ૫ વિકેટે ૨૪૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાઈ હોપના અણનમ ૧૦૨ રન, શેરફેન રુધરફર્ડના ૮૪ રન અને રોમારિયો શેફર્ડના અણનમ ૩૪ રનની મદદથી વિન્ડિઝે ૪ વિકેટે ૨૫૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી અને પાંચ મેચોની આ શાનદાર શ્રેણી હાલ ૧-૧ ની બરાબરી પર આવી ગઈ છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
