<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ઓસ્ટ્રેલિયામાં વધુ એક ક્રિકેટરે ભાંડો ફોડ્યો :હવે ખુદ બૅન્ક્રોફ્ટે મોઢું ખોલીને સનસનાટી મચાવી દીધી

2018ની કેપ ટાઉનની ટેસ્ટમાં બૉલ સાથે ચેડાં થતા સ્મિથ, વૉર્નર અને બૅન્ક્રોફ્ટના રમવા પર નવ મહિનાથી માંડીને બાર મહિના સુધીના પ્રતિબંધ મુકાયો હતો

સિડની: 2018માં સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડી સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર અને કૅમેરન બૅન્ક્રોફ્ટે બૉલ સાથે ચેડાં કર્યા હોવાની જે ઘટના બની હતી અને તેમના રમવા પર છ વર્ષ પહેલાં જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ આખો કિસ્સો એ સમયની ટીમના ખેલાડી ઉસમાન ખ્વાજાના તાજેતરના નિવેદનને પગલે ફરી ઉખેડાયો છે અને એમાં હવે ખુદ બૅન્ક્રોફ્ટે મોઢું ખોલીને સનસનાટી મચાવી દીધી છે.

ઉસમાન ખ્વાજાએ તાજેતરમાં આત્મકથામાં જણાવ્યું એમ બૅન્ક્રોફ્ટે પણ જાહેરમાં કહ્યું છે કે 2018ની ટેસ્ટ વખતે બૉલ પર સૅન્ડપેપર (કાચનો કાગળ) વાપરવામાં આવ્યો ઘટના વિશે એ સમયની આખી ઑસ્ટ્રેલિયન ટીમ વાકેફ હતી.

 

ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ બૂન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના વચગાળાના અધ્યક્ષ છે. ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે બુધવારે જાહેર કર્યું હતું કે ક્રિકેટ બોર્ડ એક એવા સ્વતંત્ર ફૉરમની રચના કરી રહ્યું છે જેમાં 2018ની ટેસ્ટ સાથે સંકળાયેલા તમામ ખેલાડીઓ તેમ જ અન્ય સંબંધિત વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવશે અને તેમના મંતવ્યો આ સંવેદનશીલ ઘટના બાબતમાં લેવામાં આવશે.

2018ની કેપ ટાઉનની ટેસ્ટમાં બૉલ સાથે ચેડાં થયા હોવાની ઘટના બહાર આવતાં સ્મિથ, વૉર્નર અને બૅન્ક્રોફ્ટના રમવા પર નવ મહિનાથી માંડીને બાર મહિના સુધીના પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. ખુદ ઉસમાન ખ્વાજા એ સમયની ટેસ્ટ ટીમમાં હતો. તેણે આત્મકથામાં જણાવ્યું છે કે માત્ર ત્રણ ખેલાડી નહીં, પરંતુ સ્ટીવ સ્મિથના નેતૃત્વ હેઠળની આખી ટીમને બૉલ સાથે ચેડાં થઈ રહ્યા હોવાની જાણ હતી. જોકે મને ત્યારે સત્તાધીશો તરફથી એ ઘટના વિશે કંઈ સવાલ જ નહોતો પૂછવામાં આવ્યો. મારી ઈચ્છા બધું કહી દેવાની હતી, પરંતુ મને કોઈએ કંઈ પૂછ્યું જ નહોતું.'

 

ડેવિડ વૉર્નરે એ સમયના સાથી ખેલાડી ઉસમાન ખ્વાજાની વાત સાથે સહમતિ બતાવી છે અને હવે બૅન્ક્રોફ્ટે પણ મોઢું ખોલીને આખી ટીમ એ ઘટનાથી વાકેફ હતી એ વાત બહાર લાવી દીધી છે. બૅન્ક્રોફ્ટે કહ્યું છે કે ‘માત્ર આક્ષેપ હેઠળના મારા સહિતના ત્રણ ખેલાડી નહીં, પણ ઑસ્ટ્રેલિયન ટીમના તમામ ખેલાડીઓ બૉલ પર સૅન્ડપેપર વાપરવા વિશે જાણતા હતા. હું આ સત્યનો ભાર આઠ વર્ષથી માથે લઈને ફરું છું.'

જોકે કેપ્ટન પૅટ કમિન્સ અને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ઉસમાન ખ્વાજાના મંતવ્યને ખોટું ગણાવ્યું છે.

 

2018માં કેપ ટાઉન શહેરમાં રમાયેલી ટેસ્ટ મૅચ ફાફ ડુ પ્લેસીની કેપ્ટન્સીમાં યજમાન સાઉથ આફ્રિકાએ 322 રનથી જીતી લીધી હતી. એ ટેસ્ટમાં રમનાર ઑસ્ટ્રેલિયન ખેલાડીઓમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ ઉપરાંત ઓપનર કૅમેરન બૅન્ક્રોફ્ટ તેમ જ ડેવિડ વોર્નર, ઉસમાન ખ્વાજા, વિકેટકીપર ટિમ પેઈન, શૉન માર્શ, મિચલ માર્શ, પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક, નેથન લાયન અને જૉશ હૅઝલવૂડનો સમાવેશ હતો

 

(8:03 PM IST)