<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

આઇસીસી રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના બોલરનો ૩૬ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: ટેસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને મેટ હેનરી સંયુક્ત રીતે નંબર-૧, બેટિંગમાં જો રૂટ ફરી ટોચ પર

​અફઘાનિસ્તાન સામે ધમાકેદાર પ્રદર્શન બાદ વનડે રેન્કિંગમાં મોટો ઉલટફેર: ઇશાન કિશને ૨૧ સ્થાનની લાંબી છલાંગ લગાવી, વિરાટ કોહલીને પછાડીને સુકાની શુભમન ગિલ નંબર-૨ પર પહોંચ્યો

​દુબઈ, : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે તાજેતરની પ્લેયર્સ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. આ નવીનતમ અપડેટમાં ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરે એક નવો ઇતિહાસ રચીને ૩૬ વર્ષ જૂનો દુષ્કાળ સમાપ્ત કર્યો છે. ઇંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં ૧૧ વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કરનાર કીવી ફાસ્ટ બોલર મેટ હેનરી ૬ સ્થાનની છલાંગ લગાવીને આઇસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. હેનરી હવે ભારતના ઘાતક બોલર જસપ્રીત બુમરાહ સાથે ૮૭0 રેટિંગ પોઇન્ટ્સ સાથે સંયુક્ત રીતે વિશ્વનો નંબર-૧ ટેસ્ટ બોલર બની ગયો છે.

​ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઇતિહાસમાં વર્ષ ૧૯૯0 પછી આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ કીવી બોલરે ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોય. આ યાદીમાં મેટ હેનરી નંબર-૧ બનનાર ન્યૂઝીલેન્ડનો માત્ર ત્રીજો બોલર છે. આ અગાઉ વર્ષ ૧૯૪૭માં જેક કાઉઈ અને ૧૯૮૪ થી ૧૯૯0 દરમિયાન મહાન બોલર રિચર્ડ હેડલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

​બીજી તરફ, ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પણ મોટો ફેરફાર થયો છે. ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટે શાનદાર વાપસી કરતા બે સ્થાન આગળ વધીને ફરી એકવાર વિશ્વના નંબર-૧ ટેસ્ટ બેટ્સમેનનું સ્થાન કબજે કર્યું છે. જો રૂટ ૮૭૧ રેટિંગ પોઇન્ટ સાથે ટોચ પર છે, જ્યારે તેના જ સાથી ખેલાડી હેરી બ્રુક બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ત્રીજા સ્થાને સરકી ગયો છે.

​વનડે રેન્કિંગની વાત કરીએ તો અફઘાનિસ્તાન સામેની શ્રેણી પૂરી થયા બાદ ભારતીય બેટ્સમેનોને મોટો ફાયદો થયો છે. તાજેતરની વનડે શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને બીજા નંબરે સ્થાન મેળવ્યું છે. ગિલના હવે ૭૯૧ રેટિંગ પોઇન્ટ છે અને તેણે વિરાટ કોહલીને ત્રીજા સ્થાને ધકેલી દીધો છે. વનડે બેટિંગ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો ડેરીલ મિશેલ ૮૧૫ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. આ સિવાય ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા બાદ રેન્કિંગમાં ૨૧ સ્થાનની વિરાટ છલાંગ લગાવી છે અને તે હવે ૫૧૬ રેટિંગ પોઇન્ટ સાથે વિશ્વમાં ૪૩મા ક્રમે પહોંચી ગયો છે.

(8:34 PM IST)