<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

૭૦/૫થી ૨૪૩/૫... કિવીઝે ભારતના હાથમાંથી મેચની પકડ છીનવી

બુમરાહના ૩ ઝટકા બાદ નિકોલ્‍સ-ફિલિપ્‍સની દીવાલ બની અડચણ : ૧૭૩ રનની અણનમ ભાગીદારીથી ન્‍યૂઝીલેન્‍ડે પ્રથમ દિવસ પોતાના નામે કર્યો

વેલિંગ્‍ટન : ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે વેલિંગ્‍ટનના બેસિન રિઝર્વ મેદાન પર શરૂ થયેલી પ્રથમ ટેસ્‍ટના પ્રથમ દિવસે ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી, પરંતુ દિવસના અંત સુધીમાં ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. એક સમયે ન્‍યૂઝીલેન્‍ડની અડધી ટીમ માત્ર ૭૦ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, ત્‍યારે ભારતીય બોલરોનું પ્રભુત્‍વ જોવા મળતું હતું. જોકે ત્‍યારબાદ હેનરી નિકોલ્‍સ અને ગ્‍લેન ફિલિપ્‍સે ભારતીય બોલરોની તમામ રણનીતિ નિષ્‍ફળ બનાવતાં ન્‍યૂઝીલેન્‍ડને ૮૨ ઓવરના અંતે ૫ વિકેટે ૨૪૩ રન સુધી પહોંચાડી દીધું હતું.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્‍ટન શુભમન ગિલનો આ નિર્ણય શરૂઆતમાં સાચો સાબિત થયો હતો. જસપ્રીત બુમરાહે પ્રથમ જ ઓવરમાં ટોમ લાથમને ખાતું ખોલાવ્‍યા વિના બોલ્‍ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્‍યારબાદ એન્‍શુલ કંબોજે ડેવોન કોનવેને માત્ર ૪ રને પેવેલિયન મોકલ્‍યો હતો. આકાશ દીપે રાચિન રવિન્‍દ્રને ૧૫ રને આઉટ કરતાં ન્‍યૂઝીલેન્‍ડની મુશ્‍કેલી વધી હતી.

બુમરાહે ડેરીલ મિચેલ અને ટોમ બ્‍લંડેલને પણ પેવેલિયનનો રસ્‍તો બતાવ્‍યો હતો. પરિણામે ન્‍યૂઝીલેન્‍ડનો સ્‍કોર ૭૦ રનમાં પાંચ વિકેટ થઈ ગયો હતો. ભારતીય ટીમ મેચ પર સંપૂર્ણપણે હાવી થવાની સ્‍થિતિમાં હતી.

પરંતુ અહીંથી મેચની દિશા બદલાઈ ગઈ હતી. હેનરી નિકોલ્‍સ અને ગ્‍લેન ફિલિપ્‍સે સંયમ અને આક્રમકતાનો સુંદર સમન્‍વય કરીને ભારતીય બોલરોને વિકેટ માટે તરસાવ્‍યા હતા. બંને વચ્‍ચે છઠ્ઠી વિકેટ માટે ૧૭૩ રનની અણનમ ભાગીદારી નોંધાઈ હતી. નિકોલ્‍સે ૨૨૧ બોલમાં ૧૧૩ રન ફટકારી પોતાની સદી પૂરી કરી હતી, જેમાં ૧૪ ચોગ્‍ગાનો સમાવેશ થાય છે. બીજી તરફ ગ્‍લેન ફિલિપ્‍સે ૧૮૨ બોલમાં ૯૪ રન બનાવી અણનમ રહ્યો હતો. તેની સદી માત્ર છ રન દૂર રહી ગઈ હતી.

ભારત તરફથી બુમરાહે ૫૨ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્‍યારે એન્‍શુલ કંબોજ અને આકાશ દીપને એક-એક વિકેટ મળી હતી. પ્રસિદ્ધ કળષ્‍ણા અને વોશિંગ્‍ટન સુંદરને કોઈ સફળતા મળી નહોતી.

(2:42 PM IST)