<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

નિકોલ્‍સ-ફિલિપ્‍સની સદીથી ન્‍યૂઝીલેન્‍ડનો ૩૬૮ રનનો પહાડઃ ભારતે પણ પકડયો જોરદાર પાયો

નિકોલ્‍સ ૧૭૫ અને ફિલિપ્‍સ ૧૧૮ રન સાથે અડીખમ રહ્યા બાદ કિવીઓનો દાવ ૩૬૮માં સમેટાયોઃ બુમરાહની ચાર વિકેટ યશસ્‍વી જયસ્‍વાલની ૮૫ રનની આક્રમક ઈનિંગ્‍સ, રાહુલની અડધી સદીથી ૩૩ ઓવરમાં ૧૪૩ રન

નવી દિલ્‍હી ,તા.૨૦: ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્‍ટ મેચના બીજા દિવસે બેટ્‍સમેનોનો દબદબો જોવા મળ્‍યો હતો. પ્રથમ દાવમાં ન્‍યૂઝીલેન્‍ડની ટીમે ૧૨૧ ઓવરમાં ૩૬૮ રન બનાવી ઓલઆઉટ થતાં ભારત સામે મજબૂત સ્‍કોર ખડક્‍યો હતો. ન્‍યૂઝીલેન્‍ડ તરફથી હેનરી નિકોલ્‍સે અણનમ ૧૭૫ રનની શાનદાર ઈનિગ્‍સ રમી હતી, જ્‍યારે ગ્‍લેન ફિલિપ્‍સે ૧૧૮ રન ફટકારી ભારતીય બોલરોની મુશ્‍કેલી વધારી હતી. બંને બેટ્‍સમેનની સદીના જોરે ન્‍યૂઝીલેન્‍ડની ટીમ એક સમયે મોટા સ્‍કોર તરફ આગળ વધી હતી.

ભારત તરફથી જસપ્રીત બુમરાહે અસરકારક બોલિગ કરતાં ચાર વિકેટ ઝડપી હતી. અક્ષદીપે ત્રણ, કમ્‍બોજે બે અને કૃષ્‍ણાએ એક વિકેટ મેળવી હતી. ભારતીય બોલરોએ શરૂઆતમાં સારી પકડ બનાવી હોવા છતાં નિકોલ્‍સ અને ફિલિપ્‍સની લાંબી ભાગીદારીએ ન્‍યૂઝીલેન્‍ડને મજબૂત સ્‍થિતિમાં પહોંચાડ્‍યું હતું.

૩૬૮ રનના જવાબમાં ભારતીય ટીમે પણ શાનદાર શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે ૩૩ ઓવરમાં એક વિકેટ ગુમાવી ૧૪૩ રન બનાવી લીધા હતા. ભારત તરફથી યશસ્‍વી જયસ્‍વાલે આક્રમક બેટિગ કરતાં ૮૫ રન બનાવ્‍યા હતા, જોકે તે સદીથી માત્ર ૧૫ રન દૂર હતો ત્‍યારે આઉટ થયો હતો.

બીજી તરફ લોકેશ રાહુલે જવાબદારીભરી બેટિગ કરતાં અણનમ ૫૦ રન નોંધાવી અડધી સદી પૂરી કરી હતી. દેવદત્ત પડિક્કલ પાંચ રન સાથે ક્રિઝ પર હતો. આમ ભારતે પ્રથમ દાવમાં સાવચેતી અને આક્રમકતાનો સમન્‍વય સાધીને મજબૂત શરૂઆત કરી છે.

ન્‍યૂઝીલેન્‍ડના ૩૬૮ રન સામે ભારત હજુ ૨૨૫ રન પાછળ છે અને તેની નવ વિકેટ હાથમાં છે. હવે ત્રીજા દિવસની રમત ભારત માટે અત્‍યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે. રાહુલ અને પડિક્કલની ભાગીદારી કેટલી લાંબી ચાલે છે તથા ભારતીય ટીમ ન્‍યૂઝીલેન્‍ડના સ્‍કોરની નજીક પહોંચીને લીડ મેળવવામાં સફળ થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

(12:06 PM IST)