News of Sunday, 8th November 2026
અંડર ૧૯ એશિયા કપમાં પાકિસ્તાને ભારતને ત્રણ વિકેટે હરાવ્યું, હમઝા જહૂરે વિસ્ફોટક સદી ફટકારીને રચ્યો નવો ઇતિહાસ
ઓમાનના અલ અમેરત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ શાનદાર વિજય મેળવ્યો, મેચ બાદ હમઝા જહૂરે પોતાની અગાઉની ભવિષ્યવાણીવાળી ચિઠ્ઠી પણ બતાવી.

મસ્કટ : અંડર ૧૯ એશિયા કપ ૨૦૨૬માં રવિવારે રમાયેલા અત્યંત રોમાંચક અને હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાની યુવા ક્રિકેટરોએ ભારત સામે યાદગાર વિજય મેળવ્યા બાદ મેદાન પર જબરદસ્ત ઉજવણી કરી હતી. ઓમાનના અલ અમેરત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ગ્રુપ એ ની આ મેચમાં પાકિસ્તાને પોતાના કટ્ટર હરીફ ભારતને ત્રણ વિકેટે હરાવીને ઉત્તેજના ફેલાવી દીધી હતી. ભારતે આપેલા ૨૦૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી અને માત્ર ૬૧ રનમાં તેના પાંચ ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
પરંતુ વિકેટકીપર બેટ્સમેન હમઝા જહૂરના મનમાં કંઈક અલગ જ રણનીતિ ચાલી રહી હતી. આ યુવા ખેલાડીએ ભારતીય હુમલાનો સામનો કરીને ૧૦૮ બોલમાં અણનમ ૧૦૦ રનની અત્યંત શાનદાર સદી ફટકારી હતી અને ૧૧ બોલ બાકી રહેતા પાકિસ્તાનને વિજય અપાવ્યો હતો. જેવો હમઝાએ બાઉન્ડ્રી ફટકારીને પોતાની સદી પૂરી કરી કે તે વીજળીના કરંટની જેમ ઉત્સાહથી ભરાઈ ગયો હતો. દબાણભરી સ્થિતિમાં ભારત સામે આ પ્રકારની મેચ વિનિંગ ઇનિંગ રમ્યા બાદ તેણે ખુશીમાં ગેલમાં આવીને જશ્ન મતાવ્યો હતો.
તેના સાથી ખેલાડી નિકાબ શફીકે પણ પોતાની ખુશી પર કાબૂ ન રાખી શકતા બેટ ફેંકી દીધું અને દોડીને હમઝાને ભેટી પડ્યો હતો. આ બે યુવા ખેલાડીઓની ખુશીનો કોઈ પાર નહોતો. આશ્ચર્યની વાત એ છે કે હમઝા જહૂરે આ મેચ પહેલા જ પોતાની શાનદાર ઇનિંગની ભવિષ્યવાણી કરી દીધી હતી. વિજય બાદ આ યુવા ખેલાડીએ ગર્વથી કેમેરા સામે એક હાથથી લખેલી નોટ બતાવી હતી જેમાં લખ્યું હતું કે આવતીકાલની મેચમાં ૫૦ રન ઇન્શા અલ્લાહ હમઝા જહૂર હું શ્રેષ્ઠ છું. આ નોંધ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે અને ચારેય તરફ તેની પ્રશંસા થઈ રહી છે.
મેચની વાત કરીએ તો અર્જુન રાજપૂતના ૮૫ બોલમાં શાનદાર ૧૦૭ રન છતાં ભારતીય ટીમ ૪૬.૩ ઓવરમાં ૨૦૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાની બોલરો અલી રઝા, રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીકે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને ભારતની કમર તોડી નાખી હતી. જ્યારે ભારતીય બોલરોએ પાકિસ્તાનને ૬૧ રનમાં પાંચ ઝટકા આપીને સંકટમાં મૂકી દીધું ત્યારે મેચ ભારત તરફી જતી દેખાતી હતી.
પરંતુ તે પછી હમઝા જહૂર અને હસનૈન અબ્બાસ ડારે છઠ્ઠી વિકેટ માટે ૧૦૭ રનની અત્યંત મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. ડારે ૩૮ રનનું યોગદાન આપ્યું જ્યારે જહૂર છેલ્લે સુધી અણનમ રહીને કામ પૂરું કર્યું હતું. પાકિસ્તાને ૪૮.૧ ઓવરમાં ૭ વિકેટે ૨૦૯ રન બનાવીને મેચ ત્રણ વિકેટે જીતી લીધી હતી. હમઝા જહૂરની આ સદી બંને ટીમો વચ્ચે નિર્ણાયક સાબિત થઈ અને પાકિસ્તાને શાનદાર પુનરાગમન કર્યું.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
