<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ભારત સામે આક્રમક વર્તન પાકિસ્તાની કેપ્ટનને પડ્યું ભારે: શેફાલી વર્માને આઉટ કરી ખોટો ઈશારો કરવા બદલ ICC એ ફાતિમા સનાને ફટકાર્યો દંડ!

ટીમ માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈ છતાં ગ્રાઉન્ડ પર ગરમી બતાવવી પડી મોંઘી; મેચ ફીના ૧૦ ટકા દંડ સાથે ખાતામાં ઉમેરાયો ડિમેરિટ પોઈન્ટ

દુબઈ, તા.૦૭: મહિલા એશિયા કપ ૨૦૨૬ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના ખાનનું આક્રમક અને અણછાજતું વર્તન તેને ભારે પડી ગયું છે. ભારતીય વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માને આઉટ કર્યા બાદ પેવેલિયન તરફ ઉગ્ર ઈશારો કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાનની કેપ્ટન સામે શિસ્તભંગના પગલાં ભરતાં આકરો દંડ ફટકાર્યો છે.

 

આ ઘટના ભારતની ઈનિંગ્સની બીજી ઓવર દરમિયાન બની હતી જ્યારે ફાતિમાએ શેફાલી વર્માને પાવરપ્લેમાં આઉટ કરી હતી. વિકેટ ઝડપ્યા બાદ ફાતિમાએ અતિ ઉત્સાહમાં આવીને શેફાલીને પેવેલિયન તરફ જવાનો અપમાનજનક અને આક્રમક ઈશારો કર્યો હતો. ICC એ તેને ખેલાડીઓ માટેની આચાર સંહિતાની કલમ ૨.૫ નું ઉલ્લંઘન ગણાવ્યું છે, જે બેટ્સમેન આઉટ થયા પછી તેને ઉશ્કેરે તેવી ભાષા કે હાવભાવ કરવા પર રોક લગાવે છે. આ ગુના બદલ ફાતિમાને તેની મેચ ફીના ૧૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરી દેવાયો છે.

 

સોશિયલ મીડિયા પર પણ પાકિસ્તાની કેપ્ટનની આ હરકતની ભારે ટીકા થઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે માત્ર ૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે મહિલા T20I ઈતિહાસમાં તેમનો સૌથી ઓછો સ્કોર છે. પોતે શૂન્ય રને આઉટ થયા બાદ અને ટીમની આવી શરમજનક હાર છતાં ફાતિમાના આ પ્રકારના ઉજવણીના વિડીયો વાયરલ થતાં નેટીઝન્સે પણ તેને બરાબરની ટ્રોલ કરી હતી. છેલ્લા ૨૪ મહિનામાં ફાતિમાનો આ બીજો ગુનો છે, જેથી હવે તેના ખાતામાં કુલ બે ડિમેરિટ પોઈન્ટ થઈ ગયા છે.

(5:08 PM IST)