News of Tuesday, 29th September 2026
દીપક ચહરની ક્રિકેટ એકેડેમીમાંથી દોઢ લાખ રૂપિયાના મોંઘા બૅટ ચોરાતા ખેલાડીનો રોષ ભભૂક્યો: ગુસ્સામાં આવીને કહ્યું કે 'મારે આ મામલે યોગીજી કે મોદીજી પાસે જવું કે શું?'
આગ્રા સ્થિત ઍકેડેમીમાંથી ખાસ તૈયાર કરાવેલા ત્રણ બૅટ ચોરાતા ભારતીય ઓલરાઉન્ડર ભારે હતાશ: ચોરને અપીલ કરતા કહ્યું- જો પૈસાની જરૂર હોય તો બૅટ પાછા આપી દો, હું રકમ આપવા તૈયાર છું

આગ્રા : ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના પ્રખ્યાત પેસ બોલિંગ ઓલરાઉન્ડર દીપક ચાહરની આગ્રા સ્થિત ક્રિકેટ એકેડેમીમાંથી તેના ખાસ બનાવડાવેલા અને અત્યંત મૂલ્યવાન ત્રણ બૅટ ચોરાઈ ગયા છે. આ ઘટનાને કારણે દીપક ચાહર ખૂબ જ ગુસ્સામાં અને હતાશ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની વેદના વ્યક્ત કરતા કટાક્ષમાં કહ્યું હતું કે, "મને વિચાર આવ્યો છે કે મારે ચોરીના આ ગંભીર બનાવની ફરિયાદ લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી પાસે જવું કે પછી વડાપ્રધાન મોદીજી પાસે પહોંચી જવું કે શું?"
દોઢ લાખ રૂપિયાની કિંમતના ત્રણ ખાસ બૅટ થયા ચોરી
મળતી માહિતી મુજબ, દીપક ચાહરના આ ત્રણ બૅટની કુલ કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા (એટલે કે એક બૅટની કિંમત આશરે ૫૦,૦૦૦ રૂપિયા) છે. આ ત્રણેય બૅટ તાજેતરમાં આગ્રામાં આવેલા તેની ચાહર ક્રિકેટ એકેડેમીના મેદાન પરથી ગાયબ થઈ ગયા હતા. આ એકેડેમીની સ્થાપના દીપક ચાહરના પિતા લોકેન્દ્રસિંહ ચાહરે કરી છે, જ્યાં ખુદ દીપક પ્રૅક્ટિસ કરે છે અને યુવા ક્રિકેટરોને તાલીમ પણ આપવામાં આવે છે. આગામી ૧૧ ઓક્ટોબરે શરૂ થનારી રણજી ટ્રોફીની નવી સીઝન માટે પ્રૅક્ટિસ કરવા પહોંચેલા દીપકને જ્યારે પોતાના ફેવરિટ બૅટ ચોરાયા હોવાની ખબર પડી, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો.
ચોરને અપીલ કરતા દીપકે કહ્યું- જો પૈસાની જરૂર હોય તો હું આપવા તૈયાર છું
પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કરીને દીપક ચાહરે દિલની વાત રજૂ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ બૅટ તેના માટે ખૂબ જ કિંમતી હતા અને કદાચ ચોરને તેની વાસ્તવિક કિંમતની ખબર પણ નહીં હોય. ચોર કદાચ આ બૅટ વેચી નાખશે અથવા ટેનિસ બોલથી રમવામાં તેનો ઉપયોગ કરશે. દીપકે ભાવુક થઈને એમ પણ કહ્યું કે તેની પાસે હવે ત્રણ વિકલ્પ બચ્યા છે - કાં તો પોલીસમાં ફરિયાદ કરવી, કાં તો યોગીજી કે મોદીજી સુધી પહોંચવું અથવા ભગવાનને પ્રાર્થના કરવી. તેણે ચોરને ઉદ્દેશીને કહ્યું હતું કે જો તેને ખરેખર પૈસાની જરૂર હોય તો તે બૅટ પરત કરી દે, તે બદલામાં તેને પૂરતા પૈસા આપવા તૈયાર છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
