News of Thursday, 16th July 2026
જાપાન ઓપનમાં પીવી સિંધુની ગર્જના: ચીનની વર્લ્ડ નંબર-5 ખેલાડી હાન યુને ધૂળ ચટાવી ક્વાર્ટર ફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી!
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય સ્ટારે માત્ર 35 મિનિટમાં મેળવી એકતરફી જીત; તનિષા-ધ્રુવની જોડી હારતા હવે સિંધુ પર દેશની આશા ટકી

ટોક્યો, તા. ૧૬: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે શા માટે તેને કોર્ટની રાણી કહેવામાં આવે છે. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પોતાની સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશી મેળવી લીધો છે. બીજા રાઉન્ડની રોમાંચક મેચમાં સિંધુએ ચીનની મજબૂત ખેલાડી અને વિશ્વની પાંચમી ક્રમાંકિત (વર્લ્ડ નંબર-5) હાન યુને સીધી રમતોમાં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે.
મેચની શરૂઆતથી જ પીવી સિંધુ અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી હતી. ચીની ખેલાડીને કોર્ટ પર બરાબરની દોડાવીને સિંધુએ માત્ર ૩૫ મિનિટ ચાલેલી આ એકતરફી મેચમાં ૨૧-૧૬ અને ૨૧-૧૪ થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ પ્રચંડ જીત સાથે સિંધુએ હાન યુ સામે પોતાની જીતનો રેકોર્ડ વધુ મજબૂત કરીને ૮-૧ નો કરી દીધો છે.
**ભારતની એકમાત્ર આશા હવે સિંધુ પર**
આ જીત ભારત માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે હવે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પીવી સિંધુ એકમાત્ર ભારતીય ખેલાડી બચી છે. મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં ભારતની આશા સમાન તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાની જોડી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. ભારતીય જોડીએ રાઉન્ડ ઓફ 16 માં ચીનની મજબૂત જોડી ફેંગ યાન ઝે અને હુઆંગ ડોંગ પિંગ સામે ૪૭ મિનિટ સુધી સખત લડત આપી હતી, પરંતુ આખરે તેઓ ૨૦-૨૨, ૧૭-૨૧ થી પરાજિત થયા હતા.
હવે આખા દેશની નજર પીવી સિંધુ પર ટકેલી છે. ક્વાર્ટર ફાઇનલમાં તેના આ પ્રચંડ ફોર્મને જોતા ચાહકોને આશા છે કે સિંધુ આ વખતે જાપાનની ધરતી પર ભારતનો તિરંગો લહેરાવીને જ પરત ફરશે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
