News of Thursday, 30th April 2026
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને વેપિંગ (Vaping) કરવું પડ્યું ભારે; મેચ ફીના 25% કપાયા અને ડિમેરિટ પોઈન્ટ સાથે મળી કડક ચેતવણી
IPL 2026: મેદાનમાં બેટિંગથી નહીં પણ ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમાડા’ કાઢીને વિવાદમાં ફસાયો રિયાન પરાગ, BCCI એ ફટકાર્યો આકરો દંડ

નવી દિલ્હી, તા.30: આઈપીએલ 2026ની સિઝન અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે, પરંતુ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ એક એવી હરકત કરી બેઠા છે જેના કારણે ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે. પંજાબ કિંગ્સ સામેની રોમાંચક મેચ દરમિયાન, જ્યારે આખી ટીમ જીતવા માટે મેદાનમાં પરસેવો પાડી રહી હતી, ત્યારે કેપ્ટન પરાગ ડ્રેસિંગ રૂમમાં 'વેપ' (ઈલેક્ટ્રોનિક સિગારેટ) પીતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન આ દ્રશ્યો દેખાતા જ સોશિયલ મીડિયા પર ટીકાઓનું ઘોડાપૂર આવ્યું છે.
નિયમોનું ઉલ્લંઘન અને આકરી કાર્યવાહી
IPL ના સત્તાવાર નિવેદન અનુસાર, રિયાન પરાગ પર IPL આચાર સંહિતાની કલમ 2.21 હેઠળ 'રમતને બદનામ કરવા' બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ લેવલ-1 નો ગુનો હોવાથી, મેચ રેફરી અમિત શર્માએ પરાગની મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. રિયાન પરાગે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, તેથી કોઈ પણ પ્રકારની ઔપચારિક સુનાવણી કરવામાં આવી નથી.
શું હતો સમગ્ર મામલો?
મુલ્લાનપુર ખાતે રમાયેલી મેચની બીજી ઇનિંગ દરમિયાન આ ઘટના બની હતી. ઓન-ફિલ્ડ અમ્પાયર તન્મય શ્રીવાસ્તવ અને નીતિન મેનનને વીડિયો પુરાવા મળ્યા બાદ આ મામલે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા 2019 થી ઈલેક્ટ્રોનિક સિગારેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, એક જવાબદાર કેપ્ટન દ્વારા સ્ટેડિયમમાં આવી પ્રવૃત્તિ થતા BCCI પણ આકરા પાણીએ છે.
ટીમ પર પણ લટકતી તલવાર
BCCI ના મીડિયા એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, બોર્ડ આ મામલે વધુ કડક પગલાં લેવા અંગે વિચારી રહ્યું છે. માત્ર ખેલાડી જ નહીં, પરંતુ રાજસ્થાન રોયલ્સની ટીમ અને તેના મેનેજમેન્ટ સામે પણ તપાસ થઈ શકે છે જેથી ભવિષ્યમાં કોઈ ખેલાડી IPL ની ગરિમાને ઠેસ ન પહોંચાડે. રિયાન પરાગ તેની આક્રમક બેટિંગ અને અંદાજ માટે જાણીતો છે, પરંતુ આ વખતે તે ખોટા કારણોસર હેડલાઈન્સમાં આવી ગયો છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
