<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

આઈપીએલ ૨૦૨૬માં રાજસ્થાન રોયલ્સની ધમાકેદાર જીત : 'કરો યા મરો'ના મુકાબલામાં વૈભવ સૂર્યવંશીના તોફાન સામે ઋષભ પંતની બ્રિગેડ ધરાશાયી થઈ

લખનૌ સુપર જાયન્ટ્સે આપેલા ૨૨૧ રનના વિશાળ લક્ષ્યાંકને રાજસ્થાનની ટીમે ૫ બોલ બાકી રાખીને આંબી લીધો : ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલની શાનદાર બેટિંગથી પ્લેઓફની આશા જીવંત રહી

જયપુર: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ ૨૦૨૬ની ૬૪મી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ૭ વિકેટે શાનદાર અને ધમાકેદાર જીત મેળવી છે. રાજસ્થાન માટે આ મેચ 'કરો યા મરો' સમાન હતી, જેમાં જીત મેળવીને ટીમે પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. નિયમિત કેપ્ટન રિયાન પરાગ ઈજાગ્રસ્ત હોવાના કારણે આ મેચમાં રમી શક્યા ન હતા, જેથી તેમની ગેરહાજરીમાં યશસ્વી જયસ્વાલે ટીમની કમાન સંભાળી હતી. રાજસ્થાનની ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કરીને સંદીપ શર્મા, સુશાંત મિશ્રા અને લુહાન-ડ્રે પ્રિટોરિયસને સામેલ કર્યા હતા, જ્યારે લખનૌની ટીમે મોહમ્મદ શમીના સ્થાને મોહસિન ખાન અને આયુષ બદોનીના સ્થાને એડન માર્કરામને તક આપી હતી.

 લખનૌનો વિશાળ સ્કોરઃ મિચેલ માર્શ સદી ચૂક્યો

આ મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૨૦ રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ઓપનર જોશ ઈંગ્લિશ અને મિચેલ માર્શે પ્રથમ વિકેટ માટે ૧૦૯ રનની મજબૂત ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. ઈંગ્લિશે ૨૯ બોલમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૬૦ રનની આક્રમક અર્ધસદી ફટકારી હતી, જેને યશરાજ પુંજાએ બોલ્ડ કરીને આઉટ કર્યો હતો. નિકોલસ પૂરન ૧૧ બોલમાં ૧૬ રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો, તેને પણ પુંજાએ ૧૩મી ઓવરમાં પેવેલિયન ભેગો કર્યો હતો. મિચેલ માર્શ શાનદાર બેટિંગ કરતા ૫૭ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૯૬ રન બનાવી રનઆઉટ થયો હતો અને માત્ર ૪ રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. માર્શે કેપ્ટન ઋષભ પંત સાથે ત્રીજી વિકેટ માટે ૬૪ રન જોડ્યા હતા. પંતે ૨૩ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૩5 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચર દ્વારા ફેંકવામાં આવેલી અંતિમ ઓવરમાં પંત, માર્શ અને આયુષ બદોની (૦) એ પોતાની વિકેટો ગુમાવી હતી.

 વૈભવ સૂર્યવંશીનું તોફાન અને રાજસ્થાનનો વળતો પ્રહાર

૨૨૧ રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રચંડ શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે વૈભવ સૂર્યવંશી સાથે મળીને પ્રથમ વિકેટ માટે ૭૫ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલે ૨૩ બોલમાં ૮ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૩ રન બનાવ્યા હતા, તેને આકાશ સિંહે સાતમી ઓવરમાં આઉટ કર્યો હતો. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીએ ધ્રુવ જુરેલ સાથે મળીને ૧૦૫ રનની અત્યંત મહત્વપૂર્ણ ભાગીદારી કરીને મેચ રાજસ્થાન તરફ નમાવી દીધી હતી. સૂર્યવંશી ૧૪મી ઓવરમાં મોહસિન ખાનનો શિકાર બન્યો હતો. લુહાન-ડ્રે પ્રિટોરિયસ ૬ બોલમાં ૭ રન બનાવીને ૧૭મી ઓવરમાં રનઆઉટ થયો હતો.

 ધ્રુવ જુરેલે અણનમ રહીને મેચ જીતાડી

અંતિમ ઓવરોમાં ધ્રુવ જુરેલ અને ડોનોવન ફરેરાએ બાજી સંભાળી હતી. રાજસ્થાને ૧૯.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૨૫ રન બનાવી મેચ જીતી લીધી હતી. ધ્રુવ જુરેલ ૫૩ રન અને ડોનોવન ફરેરા ૧૬ રન બનાવીને અણનમ રહ્યા હતા. આ હાર સાથે લખનૌ સુપર જાન્યટ્સ, જે પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, તે ૧૨ મેચમાં માત્ર ૪ જીત સાથે પોઇન્ટ ટેબલમાં દસમા સ્થાને છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ૧3 મેચમાં ૧૪ પોઇન્ટ મેળવીને પ્લેઓફની રેસમાં મજબૂતાઈથી આગળ વધી રહી છે.

બંને ટીમોની પ્લેઈંગ XI:

  રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), લુહાન-ડ્રે પ્રિટોરિયસ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), ડોનોવન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, સુશાંત મિશ્રા, સંદીપ શર્મા, બ્રિજેશ શર્મા, યશરાજ પુંજા.

  લખનૌ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, જોશ ઈંગ્લિશ, નિકોલસ પૂરન, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, મોહસિન ખાન, મયંક યાદવ, આકાશ મહારાજ સિંહ, પ્રિન્સ યાદવ.

(11:32 PM IST)