News of Sunday, 12th April 2026
સીએસકેની જીત બાદ સંજુ સેમસનનો મોટો ખુલાસો: ‘ફક્ત 50 સેકન્ડની હતી મીટિંગ’
દિલ્હી સામે 115 રનની વિસ્ફોટક ઇનિંગ રમી ચેન્નાઈને સિઝનની પ્રથમ જીત અપાવનાર સેમસને ફ્રેન્ચાઇઝીના ‘કૂલ’ કલ્ચર પરથી ઉઠાવ્યો પડદો: સદી કોચ સ્ટીફન ફ્લેમિંગને સમર્પિત કરી

ચેન્નાઈ:આઈપીએલ 2026ની 18મી મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 56 બોલમાં 115 રનની આક્રમક અણનમ ઇનિંગ રમીને ચેન્નાઈ સુપર કિંગ્સને વિજયી બનાવનાર સંજુ સેમસને મેચ બાદ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સતત ત્રણ હાર બાદ દબાણ હેઠળ રમી રહેલી ટીમની માનસિકતા અંગે વાત કરતા સેમસને જણાવ્યું કે, આટલી મહત્વની મેચ પહેલા ટીમ મીટિંગ માત્ર 50 સેકન્ડની જ હતી. સીએસકેના આ શાંત અને તણાવમુક્ત વાતાવરણની પ્રશંસા કરતા તેણે કહ્યું કે, આ ફ્રેન્ચાઇઝીમાં તેને ક્યારેય નવા હોવાનો અહેસાસ થયો નથી, પણ તેને લાગે છે કે તે પોતાના ઘરે પરત ફર્યો છે.
પોતાની ઇનિંગ વિશે વાત કરતા પ્લેયર ઓફ ધ મેચ બનેલા સંજુએ જણાવ્યું કે, વારંવાર મળતી નિષ્ફળતાઓ માણસને ઘણું શીખવે છે અને તેને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે. 31 વર્ષની ઉંમરે તેણે પોતાની મૂળભૂત બાબતો (બેઝિક્સ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને શારીરિક તેમજ માનસિક રીતે અલગ ‘ઝોન’માં રહીને આ સદી ફટકારી છે. તેણે આ શાનદાર સદી પોતાના કોચ સ્ટીફન ફ્લેમિંગને સમર્પિત કરી હતી. સેમસનના મતે, વર્ષો સુધી કેપ્ટન્સી કર્યા બાદ કોચિંગની ભૂમિકા ભજવવી પડકારજનક હોય છે અને આ જીત કોચના વિશ્વાસનું પરિણામ છે.
મેચમાં યુવા ખેલાડી આયુષ મ્હાત્રે સાથેની 113 રનની ભાગીદારીને પણ સેમસને જીતનો પાયો ગણાવ્યો હતો. તેણે આયુષની પરિપક્વતાના વખાણ કરતા કહ્યું કે, અંડર-19માંથી સીધા આ મોટા મંચ પર આવીને આટલી સ્પષ્ટતા સાથે બેટિંગ કરવી એ અદભૂત છે. સીએસકેએ આપેલા 213 રનના લક્ષ્ય સામે દિલ્હીની ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભલે ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને હોય, પરંતુ સેમસનની આ ફોર્મમાં વાપસી અન્ય ટીમો માટે ખતરાની ઘંટડી સમાન માનવામાં આવી રહી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
