News of Tuesday, 30th June 2026
ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં ચોંકાવનારો ઉલટફેર :ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મની બહાર: પેરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવ્યું
પેરાગ્વેએ આ ઐતિહાસિક જીત સાથે પ્રથમ વખત જર્મનીને નોકઆઉટ તબક્કામાં પેનલ્ટી દ્વારા હરાવ્યું અને અંતિમ-16માં પોતાનું સ્થાન પાકું કર્યું.

ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં ફૂટબોલ ચાહકોને ચોંકાવી દે તેવો મોટો ઉલટફેર જોવા મળ્યો. ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીને પેરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું. નિર્ધારિત સમય અને વધારાના સમય બાદ બંને ટીમો 1-1ની બરાબરી પર રહી હતી. જેના કારણે મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી લેવાયો.
ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે જર્મની પેનલ્ટી શૂટઆઉટમાં પરાજિત થયું છે. આ પહેલાં જર્મનીએ વર્લ્ડ કપમાં રમેલા તમામ પેનલ્ટી શૂટઆઉટ જીત્યા હતા. પેરાગ્વેએ આ ઐતિહાસિક જીત સાથે પ્રથમ વખત જર્મનીને નોકઆઉટ તબક્કામાં પેનલ્ટી દ્વારા હરાવ્યું અને અંતિમ-16માં પોતાનું સ્થાન પાકું કર્યું.
મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી હતી. 42મી મિનિટે જુલિયો એન્સિસોએ ગોલ કરીને પેરાગ્વેને 1-0ની સરસાઈ અપાવી હતી. જોકે બીજા હાફમાં જર્મનીએ વાપસી કરતાં ફ્લોરિયન વિર્ટ્ઝના ક્રોસ પર કાઈ હેવર્ટ્ઝે હેડર દ્વારા ગોલ ફટકારીને સ્કોર 1-1 કર્યો હતો. ત્યારબાદ જોનાથન ટાહનો એક ગોલ VAR તપાસ બાદ અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. વધારાના સમયમાં પણ કોઈ ગોલ ન થતાં મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી.
શૂટઆઉટની શરૂઆત જર્મની માટે નિરાશાજનક રહી હતી. કાઈ હેવર્ટ્ઝ પોતાની પ્રથમ પેનલ્ટી ગોલમાં ફેરવી શક્યા નહોતા. ત્યારબાદ નિક વોલ્ટેમાડે અને જોનાથન ટાહ પણ મહત્વપૂર્ણ પેનલ્ટી ચૂકી ગયા હતા. જર્મનીના અનુભવી ગોલકીપર મેન્યુઅલ નોયરે બે પેનલ્ટી બચાવીને ટીમને આશા અપાવી હતી, પરંતુ અંતે જોસે કનાલેએ નિર્ણાયક પેનલ્ટી ગોલ કરીને પેરાગ્વેને 4-3થી ઐતિહાસિક જીત અપાવી હતી.
આ જીત પેરાગ્વેના વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી યાદગાર જીતોમાંની એક બની છે. કોચ ગુસ્તાવો અલ્ફારોના માર્ગદર્શન હેઠળ ટીમે પ્રથમ વખત ચાર વખતની વિશ્વ ચેમ્પિયન જર્મનીને નોકઆઉટ મેચમાં હરાવીને અંતિમ-16માં પ્રવેશ કર્યો છે. ટૂર્નામેન્ટ જીતવાની દાવેદાર માનવામાં આવતી જર્મનીની ટીમ માટે આ હાર ખૂબ જ નિરાશાજનક રહી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
