News of Monday, 3rd August 2026
શ્રીલંકા વિમેન્સ ટીમે પાકિસ્તાનને ધૂળ ચાટતી કરી T20I શ્રેણી પર કબ્જો કર્યો: સતત ચોથી હાર આપી વ્હાઇટ-બોલ શ્રેણીમાં પાકિસ્તાનનો સંપૂર્ણ સફાયો કર્યો
વનડે શ્રેણી બાદ T20I માં પણ શ્રીલંકાનું એકચક્રી શાસન: ૧૭૬ રનનો વિશાળ લક્ષ્યાંક ૧૪ બોલ બાકી રહેતાં જ કાવિંદી અને અથાપથુના વિસ્ફોટક પ્રદર્શનથી સર કર્યો.

કોલંબો — તા.૦૩ શ્રીલંકા વિમેન્સ ક્રિકેટ ટીમે પોતાના ક્લિનિકલ અને શાનદાર પ્રદર્શનને જાળવી રાખતાં પાકિસ્તાન સામેની વ્હાઇટ-બોલ શ્રેણીમાં સતત ચોથી જીત નોંધાવી છે. વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ, શ્રીલંકન મહિલા ટીમે હવે T20I શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે. રોમાંચક મેચમાં પાકિસ્તાને આપેલા ૧૭૬ રનના પડકારજનક ટાર્ગેટને શ્રીલંકાએ માત્ર ૪ વિકેટ ગુમાવીને ૧૭.૪ ઓવરમાં જ ખૂબ જ આસાનીથી હાંસલ કરી લીધો હતો.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમે પાવરપ્લેમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. પાકિસ્તાની ઓપનર શવાલ ઝુલ્ફીકાર (૪૮) અને મુનીબા અલી (૪૫) એ પ્રથમ ૫ ઓવરમાં જ ૬૩ રન ખડકી દીધા હતા. જોકે, શ્રીલંકન બોલર ચામોદી પ્રબોદાએ (૨-૨૭) શાનદાર વાપસી કરાવતા પાકિસ્તાની મધ્યક્રમને ઝટકા આપ્યા હતા. અયમાન ફાતિમાના અણનમ ૩૦ રનની મદદથી પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૭૫ રન બનાવ્યા હતા, જે એક સમયે ૨૦૦ રન સુધી પહોંચે તેવું લાગતું હતું.
૧૭૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી અને વિસ્ફોટક ઓપનર ઇમેશા દુલાની બીજી જ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. પરંતુ તે પછી કપ્તાન ચમારી અથાપથુ અને સંજના કાવિંદીએ પાકિસ્તાની બોલરોની ધમધોખતી ધોલાઈ કરી હતી. અથાપથુએ માત્ર ૧૪ બોલમાં ૪૦ રન ઝૂડી કાઢીને પાવરપ્લેમાં જ મેચનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું હતું.
ત્યારબાદ સંજના કાવિંદીએ (૪૬) મોરચો સંભાળીને પાકિસ્તાની સ્પિનર નાશરા સંધુને સતત સિક્સરો ફટકારી મેચ સંપૂર્ણપણે શ્રીલંકાના પક્ષમાં કરી દીધી હતી. અંતમાં હર્ષિતા સમરવિક્રમાએ માત્ર ૧૧ બોલમાં ૨૪ રનની ઝડપી ઇનિંગ રમીને ૧૪ બોલ બાકી હતા ત્યારે જ ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
