News of Wednesday, 9th September 2026
ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ: સીરીઝ શરૂ થવાના દોઢ મહિના પહેલાં જ ૫૦,૦૦૦ ટિકિટો ચપટીમાં વેચાઈ ગઈ, ક્રિકેટ ફેન્સમાં ભારે ક્રેઝ!
ઑકલેન્ડના પ્રખ્યાત ઈડન પાર્કમાં દર્શકોના અભૂતપૂર્વ ધસારાને પગલે ૭ વર્ષ બાદ છઠ્ઠા સ્તરનું સ્ટેન્ડ ખોલવાની નોબત આવી; T20, વન-ડે અને ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ

ઑકલેન્ડ : ભારતીય ક્રિકેટ ટીમ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચાહકો ધરાવતી ટીમ છે અને ટીમ ઇન્ડિયા જ્યારે પણ વિદેશી પ્રવાસે જાય છે ત્યારે સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો જોવા મળે છે. આગામી સમયમાં ન્યૂઝીલેન્ડ ખાતે રમાનારી ભારતની દ્વિપક્ષીય સીરીઝ માટે અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીરીઝ શરૂ થવાને હજુ દોઢ મહિનાથી વધુ સમય બાકી છે, તેમ છતાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે.
ટી-૨૦, વન-ડે અને ટેસ્ટ સીરીઝનો ધમાકેદાર રોડમેપ:
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના આ પ્રવાસ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં મેચો રમશે. આ પ્રવાસ હેઠળ ૨૨મી ઓક્ટોબરથી ૧લી નવેમ્બર દરમિયાન ૫ મેચોની T20 સીરીઝ, ૪થી નવેમ્બરથી ૧૫મી નવેમ્બર સુધી ૫ વન-ડે મેચો અને ૧૯મી નવેમ્બરથી ૧લી ડિસેમ્બર દરમિયાન ૨ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. ટિકિટનું વેચાણ માત્ર બે અઠવાડિયા પહેલાં જ શરૂ થયું હતું, પરંતુ ભારતીય ટીમને લાઈવ રમતા જોવા માટે ચાહકોમાં અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ઈડન પાર્કમાં ૭ વર્ષ પછી ખાસ વ્યવસ્થા:
આ પ્રવાસમાં ખાસ કરીને ઑકલેન્ડના ઐતિહાસિક ‘ઈડન પાર્ક’ ખાતે રમાનારી મેચને લઈને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. શુક્રવાર, ૩૦મી ઓક્ટોબરે રમાનારી T20 મેચ માટે ચાહકોનો જંગી ધસારો જોતાં સ્ટેડિયમ સત્તાવાળાઓએ ૭ વર્ષ બાદ ફરી એકવાર 'લેવલ-૬' (છઠ્ઠા સ્તરનું) સ્ટેન્ડ પ્રેક્ષકો માટે ખુલ્લું મુકવાની ખાસ તૈયારીઓ કરવી પડી રહી છે.
ફેન્સ માટે વિશેષ ઈવેન્ટ્સનું આયોજન:
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના માર્કેટિંગ ચીફ ટિમ એલિસે જણાવ્યા અનુસાર, ભારતીય ટીમનો આ પ્રવાસ તેમના માટે ખૂબ મહત્વનો છે. ભારતીય ચાહકોના જોશ અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા સ્ટેડિયમમાં બાળકોથી લઈને મોટેરાંઓ સુધીના તમામ દર્શકો માટે ખાસ મનોરંજક ઈવેન્ટ્સ અને ફેન એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
