<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

બર્મિંગહામ વનડેમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત : પ્રથમ મુકાબલામાં ઇંગ્લેન્ડને ૬ વિકેટે કચડીને ભારતે સિરીઝમાં વિજયી પ્રારંભ કર્યો

અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની અણનમ અર્ધસદીઓ તેમજ શુભમન ગિલની ૮૦ રનની કેપ્ટનશીપ ઇનિંગ : બોલિંગમાં પણ અક્ષરની ફિરકી કમાલ, ૪ વિકેટ ઝડપી ઇંગ્લેન્ડને ૨૫૮ રનમાં સમેટી લીધું

બર્મિંગહામ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝના પ્રથમ મુકાબલામાં પ્રવાસી ભારતીય ટીમે યજમાન ઇંગ્લેન્ડ સામે ૬ વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો છે. મંગળવારે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા આ મેચમાં ઇંગ્લેન્ડે આપેલા ૨૫૯ રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે ૪૫.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૨૬૨ રન બનાવી મેચ જીતી લીધો હતો. ભારત તરફથી ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરીને ટીમને વિજય અપાવ્યો હતો. અક્ષર પટેલ ૫૭ રન અને વોશિંગ્ટન સુંદર ૫૨ રન બનાવીને અણનમ રહ્યા હતા.

 

 રોહિત-વિરાટ ફ્લોપ રહ્યા બાદ કેપ્ટન ગિલ અને અય્યરે બાજી સંભાળી:

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મધ્યમ રહી હતી. કેપ્ટન શુભમન ગિલ અને રોહિત ભાઈ શર્માએ ઓપનિંગમાં ૪૩ રનની ભાગીદારી કરી હતી. રોહિત ભાઈએ ૨૧ બોલમાં એક ચોગ્ગા સાથે ૨૧ રન બનાવ્યા હતા અને તેઓ આઠમી ઓવરમાં સેમ કરનનો શિકાર બન્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી પણ માત્ર ૫ રન (૬ બોલ) બનાવી જોફ્રા આર્ચરની ઓવરમાં એલબીડબલ્યુ (LBW) આઉટ થતાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે, ત્યારબાદ કેપ્ટન ગિલે શ્રેયસ અય્યર સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૧૦૧ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ગિલ ૨૬મી ઓવરમાં ૭૫ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૮૦ રન બનાવી રિટાયર્ડ હર્ટ થયા હતા. શ્રેયસ અય્યર ૫૩ બોલમાં ૩૫ રન બનાવી રનઆઉટ થયો હતો અને કેએલ રાહુલ પણ માત્ર ૧ રન બનાવી જોશ ટંગની ઓવરમાં બોલ્ડ થયો હતો.

 

 બોલિંગમાં અક્ષર પટેલની ચાર વિકેટ: ઇંગ્લેન્ડ ૨૫૮ રનમાં ઓલઆઉટ:

આ પૂર્વે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ૪૭.૫ ઓવરમાં આખી ટીમ ૨૫૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટ (૪૩ રન) અને જેકબ બેથેલ (૧૪ રન) વચ્ચે ૬૧ રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. પરંતુ ગુરનૂર બ્રારે ૧૩મી ઓવરમાં બંને ઓપનરોને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકને માત્ર ૧ રને આઉટ કર્યો હતો. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૭મી ઓવરમાં જોસ બટલર (૫ રન) અને સેમ કરન (૦ રન)ને આઉટ કરતા ઇંગ્લેન્ડની અડધી ટીમ ૮૦ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. શિવમ દુબેએ વિલ જેક્સને ૨૦ રને આઉટ કર્યો હતો.

 

ઇંગ્લેન્ડ તરફથી જો રૂટ અને લિયામ ડોસને સાતમી વિકેટ માટે ૧૨૧ રનની મજબૂત ભાગીદારી કરીને ટીમની લાજ બચાવી હતી. ડોસને ૮૩ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૬૮ રન બનાવ્યા હતા, જેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. અક્ષરે આર્ચર (૧૨ રન), આદિલ રાશિદ (૧ રન) અને જોશ ટંગ (૦ રન)ને આઉટ કરીને ઇંગ્લેન્ડની ઇનિંગનો અંત આણ્યો હતો. જો રૂટ ૭૬ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૭૬ રન બનાવી અણનમ રહ્યો હતો.

 

 બંને દેશોની પ્લેઇંગ ઇલેવન આ મુજબ હતી:

  ભારત: રોહિત ભાઈ શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

  ઇંગ્લેન્ડ: જેકબ બેથેલ, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડોસને, જોશ ટંગ, આદિલ રાશિદ.

(11:22 PM IST)