<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ટીમ ઇન્‍ડીયાની શ્રીલંકા વિરૂધ્‍ધ શ્રેણી કોચ ગંભીર માટે અગ્‍નિ પરીક્ષાઃ જીત જરૂરી

ગિલની કેપ્ટન્સી પર પણ નજર: ન્‍યુઝીલેન્‍ડ-દ. આફ્રિકા સામે ઘર આંગણે ગુમાવેલ સીરીઝથી ભારતીય ટીમ દબાણ હેઠળ

મુંબઇઃ શ્રીલંકા વિરુદ્ધ રમાનારી 2 ટેસ્ટ મેચની સિરીઝ હેડ કોચ ગૌતમ ગંભીરના ભવિષ્યની દ્રષ્ટિ એ ઘણી મહત્ત્વપૂર્ણ મનાય છે. ગંભરની કોચિંગ હેઠળ ભારતીય ટીમે પોતાના જ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ અને દ.આફ્રિકા વિરુદ્ધ કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જો આ વખતે પરિણામમાં કોઈ ફેરફાર ના થાય તો ગંભીર અને સંપૂર્ણ ટીમ પર સવાલ ઉઠશે એ નિશ્ચિત છે. તેથી 15 ઓગસ્ટથી શરૂ થનારી સિરીઝમાં ભારત પર જીતનું દબાણ રહેવાની સાથે સિરીઝ એ નક્કી કરશે કે- ટીમનો પરિવર્તનનો તબક્કો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે કે નહીં.

 

પૂર્વ ભારતીય કીપર-બેટર દીપ દાસગુપ્તાનું માનવું છે કે- ‘જો ભારતનું ખરાબ પ્રદર્શન યથાવત્ રહે તો સૌથી વધુ સવાલ ગૌતમ ગંભીર સામે જ ઉઠશે. તે કોચ હોવાને કારણે જવાબદારીઓમાંથી છટકી શકે નહીં. ગત અમુક મહિનાઓનાં પરિણામને જોતા દબાણની સ્થિતિ એ અપેક્ષિત છે. ગંભીર પર દબાણ રહેવાની સાથે જ કેપ્ટન ગિલ અને સંપૂર્ણ ટીમ પર પણ પરિણામની જવાબદારી રહેશે. હાલ પરિવર્તનનો તબક્કો ચાલી રહ્યો છે. પરંતુ હવે ફેરફારોની અસર મેદાન પર જોવા મળવી જોઈએ.’

 

દીપ દાસગુપ્તા એ ભારતના ટ્રાન્ઝિશન પર સવાલ ઉઠાવતા કહ્યું કે,‘સતત આપણે પરિવર્તનનો તબક્કો ચાલી રહ્યો છે તેવી વાતો કરી રહ્યાં છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે- આ મુદ્દે કોઈ સ્પષ્ટ દિશા પણ દેખાય તે જરૂરી છે. હાલ મને એ નથી સમજમાં આવી રહ્યું કે- ભારતીય ટેસ્ટ ટીમ કઈ દિશામાં આગળ વધી રહી છે. જો ટીમ સતત હારી રહી હોય તો તમામ સામે સવાલ ઉઠશે. ઘરઆંગણે હાર બાદ હવે દરેક મેચ મહત્ત્વપૂર્ણ બની છે.WTC સાયકલમાં હવે માત્ર 9 ટેસ્ટ બાકી છે. શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડમાં 2-2 તથા ભારતમાં 5 રમીશું. 9 માંથી 7 જીતવા પર જ WTC ફાઈનલની શક્યતા રહેશે. જે  હાલના ફોર્મને જોતા નાનો પડકાર નથી.’

(2:27 PM IST)