<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મહિલા ટી૨૦ વર્લ્‍ડકપ : બાંગ્‍લાદેશ સામે વિજય સાથે ભારતીય ટીમ સેમિફાઇનલની સાવ નજીક : હવે ઓસ્‍ટ્રેલિયા સામે જામશે મહામુકાબલો

કાંગારૂઓને હરાવવું જ પડશે નહિં તો સેમીફાઇનલની સફર માટે આફ્રિકાના પરિણામો અને નેટ રનરેટ પર આધાર રાખવો પડશે

નવી દિલ્‍હી : મહિલા ટી૨૦ વર્લ્‍ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા બાંગ્‍લાદેશને ૫ વિકેટે પરાજય આપ્‍યો છે. આ મહત્‍વપૂર્ણ જીત સાથે જ ભારતીય ટીમે સેમિફાઇનલની રેસમાં પોતાની સ્‍થિતિ અત્‍યંત મજબૂત કરી લીધી છે.

ટૂર્નામેન્‍ટમાં ભારતની આ ત્રીજી જીત છે. ભારતીય ટીમની આ જીતની મુખ્‍ય સૂત્રધાર ઓપનર શેફાલી વર્મા રહી હતી, જેણે આક્રમક બેટિંગ કરતા શાનદાર અડધી સદી ફટકારીને બાંગ્‍લાદેશી બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. શેફાલીની આ તોફાની ઇનિંગના કારણે ભારતે મેચ પર શરૂઆતથી જ પકડ જમાવી લીધી હતી અને જીત આસાન બની ગઈ હતી.

બાંગ્‍લાદેશને ધૂળ ચટાવ્‍યા બાદ હવે ભારતીય ટીમનો આગામી મુકાબલો ક્રિકેટ જગતની સૌથી મજબૂત ગણાતી ઓસ્‍ટ્રેલિયન ટીમ સામે થવાનો છે. સેમિફાઇનલમાં સીધા (ડાયરેક્‍ટ) ક્‍વોલિફાય કરવા માટે ભારતે પોતાની આ છેલ્લી લીગ મેચમાં કાંગારૂઓને હરાવવું જ પડશે. જો ભારતીય ટીમ આ મેચમાં ઓસ્‍ટ્રેલિયા સામે હારી જશે, તો સેમિફાઇનલની સફર માટે તેણે દક્ષિણ આફ્રિકાની મેચોના પરિણામો અને નેટ રન રેટ પર આધાર રાખવો પડશે. આ સંજોગોમાં ઓસ્‍ટ્રેલિયા સામેની આગામી મેચ ભારત માટે ‘કરો યા મરો' સમાન બની રહેશે, જેના પર હવે આખા દેશની નજર ટકેલી છે.

(10:51 AM IST)