<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

શ્રીલંકાના આંગણે જૂન માસમાં જામશે યુવા ખેલાડીઓનો જંગ : ઈન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચે રમાશે વન-ડે ત્રિકોણીય શ્રેણી

IPL 2026 માં ધમાકેદાર પ્રદર્શન કરનારા વૈભવ સૂર્યવંશી સહિતના યુવા તારલાઓનો ભારતીય ટીમમાં સમાવેશ : તિલક વર્માને ટીમની કમાન સોંપાઈ જ્યારે રિયાન પરાગ ઉપકાપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે

નવી દિલ્હી : IPL 2026 ના રોમાંચક જંગ બાદ હવે ભારતીય ક્રિકેટના યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત બતાવવા માટે સજ્જ થયા છે. BCCI દ્વારા આગામી શ્રીલંકા પ્રવાસ માટે ઈન્ડિયા A ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન ઈન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચે વન-ડે (ODI) ત્રિકોણીય શ્રેણી રમાશે. આ મહત્વની શ્રેણી માટે પસંદગીકારોએ તિલક વર્મા પર ભરોસો મૂકી તેમને કેપ્ટન પદ સોંપ્યું છે, જ્યારે તાજેતરના સમયમાં શાનદાર ફોર્મમાં રહેલા રિયાન પરાગને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

 

આ શ્રેણીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં IPL માં પોતાની બેટિંગથી તરખાટ મચાવનાર યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વૈભવ ઉપરાંત ઘરેલું ક્રિકેટ અને IPL માં સતત સારું પ્રદર્શન કરી રહેલા પ્રિયાંશ આર્ય, આયુષ બદોની અને પ્રભસિમરન સિંહ જેવા પ્રતિભાશાળી બેટ્સમેનોને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. બોલિંગ વિભાગમાં ભારતની નવી પેઢી તૈયાર કરવાના હેતુથી યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ અને અરશદ ખાન જેવા યુવા બોલરોને મોટી તક આપવામાં આવી છે.

 

શ્રેણીનું માળખું અને ટેસ્ટ મેચો:

આ ત્રિકોણીય શ્રેણી 9 જૂનથી શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 21 જૂને રમાશે. ટુર્નામેન્ટના નિયમ મુજબ બધી ટીમો એકબીજા સામે બબ્બે વાર ટકરાશે અને પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે ખિતાબી જંગ રમાશે. વન-ડે શ્રેણી પૂર્ણ થયા બાદ ઈન્ડિયા A ટીમ શ્રીલંકા A સામે બે મલ્ટી-ડે (રેડ-બોલ) ટેસ્ટ મેચો પણ રમવાની છે, જેના માટેની ટીમની જાહેરાત BCCI દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે.

 

ત્રિકોણીય શ્રેણી માટે જાહેર કરાયેલી ઈન્ડિયા A ટીમ:

તિલક વર્મા (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (વાઈસ-કેપ્ટન), આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપ્રાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન.

 

વન-ડે શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક:

  9 જૂન: ઈન્ડિયા A વિરુદ્ધ શ્રીલંકા A

  11 જૂન: ઈન્ડિયા A વિરુદ્ધ અફઘાનિસ્તાન A

  13 જૂન: અફઘાનિસ્તાન A વિરુદ્ધ શ્રીલંકા A

  15 જૂન: ઈન્ડિયા A વિરુદ્ધ શ્રીલંકા A

  17 જૂન: ઈન્ડિયા A વિરુદ્ધ અફઘાનિસ્તાન A

  19 જૂન: અફઘાનિસ્તાન A વિરુદ્ધ શ્રીલંકા A

  21 જૂન: ફાઈનલ મેચ (ટોચની બે ટીમો વચ્ચે)

(6:15 PM IST)