<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ઇતિહાસ રચવા તરફ ‘યંગ ટાઇગ્રેસીસ’ના કદમ! લેબનોન સામે કરો યા મરોનો જંગ, ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવા ભારત પાસે સુવર્ણ તક

21 વર્ષ બાદ એશિયન કપ રમી રહેલી ભારતીય દીકરીઓ જો આજે જીતશે તો પહેલીવાર નોકઆઉટ સ્ટેજમાં પહોંચીને રચશે નવો કીર્તિમાન

સુઝોઉ (ચાઇના): ભારતની અંડર-17 મહિલા ફૂટબોલ ટીમ આજે એક ઐતિહાસિક વળાંક પર ઉભી છે. AFC અંડર-17 વિમેન્સ એશિયન કપમાં ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવી દિગ્ગજ ટીમો સામે હાર્યા બાદ પણ ભારત માટે ક્વાર્ટર ફાઈનલના દરવાજા હજુ ખુલ્લા છે. આવતીકાલે શુક્રવારે લેબનોન સામે રમાનારી ગ્રુપ-બીની અંતિમ મેચમાં જો ભારત વિજય મેળવશે, તો તે પ્રથમ વખત આ સ્પર્ધાના નોકઆઉટ સ્ટેજમાં પહોંચીને નવો ઇતિહાસ લખશે.
ક્વાર્ટર ફાઈનલનું ગણિત: ભારત કેવી રીતે ક્વોલિફાય થશે?
ઓસ્ટ્રેલિયા સામે 0-2 અને જાપાન સામે 0-3 થી હારવા છતાં, ભારતનો ગોલ ડિફરન્સ અન્ય ગ્રુપની તુલનામાં ઘણો સારો છે. અત્યારે ભારત -5 ના ગોલ ડિફરન્સ સાથે ત્રીજા સ્થાને રહેલી ટીમોમાં મજબૂત સ્થિતિમાં છે. જો ભારત લેબનોનને હરાવે અને અન્ય ગ્રુપના પરિણામો સાનુકૂળ રહે, તો ભારત 'બેસ્ટ થર્ડ પ્લેસ્ડ ટીમ' તરીકે અંતિમ આઠમાં સ્થાન મેળવી લેશે.
ગોલકીપર મુન્નીનો આત્મવિશ્વાસ બુલંદ
રાજસ્થાનની 16 વર્ષીય ગોલકીપર મુન્ની, જેણે જાપાન સામેની મેચમાં શાનદાર બચાવ કર્યા હતા, તેણે જણાવ્યું કે, "લેબનોન અમારી હરીફાઈની ટીમ છે. અમે તેમનો આદર કરીએ છીએ પણ અમને વિશ્વાસ છે કે અમે તેમને હરાવી શકીશું. અમારે દેશ માટે સર્વસ્વ આપી દેવું છે. આ મેચ જીતીને અમે આખા દેશને ખુશીની ભેટ આપવા માંગીએ છીએ."
કોચ પામેલા કોન્ટીની રણનીતિ
ભારતીય ટીમના હેડ કોચ પામેલા કોન્ટીએ જણાવ્યું કે લેબનોન સામેની રમત અગાઉની મેચો કરતા તદ્દન અલગ હશે. અહીં અમારે રક્ષણાત્મક નહીં પણ આક્રમક ફૂટબોલ રમવું પડશે. લેબનોને ઓસ્ટ્રેલિયા સામે ડ્રો રમીને પોતાની તાકાત બતાવી છે, તેથી અમે સાવધ છીએ. અમારું લક્ષ્ય સ્પષ્ટ છે - જીતો અથવા ઘરે જાવ. ટીમમાં અત્યારે જબરદસ્ત ઉત્સાહ છે અને દીકરીઓ મેદાન પર જીતવા માટે જ ઉતરશે.

(9:19 PM IST)