News of Tuesday, 25th June 2024
સબ કા સાથ, ખુદ કા વિનાશ
ગુજરાતનું ભયાવહ સ્થિતિ સામે લડવાને બદલે ભાજપીઓની અંદરો-અંદર બઘડાટીઃ પક્ષમાં ઘુસેલા ભારે પડયા
ગેમઝોન અગ્નિકાંડ બાદ ઉપલેટા પંથકમાં કોલેરાકાંડ થયો. ચાર દિવસ ઘટના દબાયેલી રહી, અધિકારીઓ અંધારામાં રહ્યા. સૌરાષ્ટ્રભરમાં કૃર હત્યાઓ સહિતના ઘાતકી ગુન્હા બેફામ વધી રહ્યા છે. આ સિવાય પણ મહાકાય પડકારો જડબા ફાડોને અટ્ટહાસ્ય કરે છે.
પડકારોનો નાશ કરવા લોકોએ ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક બહુમતી આપી અને લોકસભાની સૌરાષ્ટ્રની તમામ બેઠકો આપી. આ નેતાઓ પડકારો સામે લડવાને બદલે અંદરો અંદર બઘડાટી બોલાવે છે.
જુનાગઢમાં ચૂંટણી જીતીને સાંસદે કહ્યું કે, ‘મને નડનારાને હું જોઇ લઇશ.' અંગત લાભ માટે લોકોએ મત આપ્યા છે? સમાજને નડનારા ગુંડા-ભ્રષ્ટ તત્વો સામે કોણ લડશે...?
સૌરાષ્ટ્રમાં સામાન્ય સમસ્યા નીવારવાની પણ ભાજપની ત્રેવડ નથી અને રોજેરોજ નેતાઓ આંતરિક હાકલા-પડકારા કરે છે. લાડાણી-ચાવડા તો એક-બીજાને ભરી પીવા તૈયાર થયા છે. આ ઉપરાંત અમરેલી-રાજકોટ-પોરબંદર બધે જ ભાજપીઓ પક્ષના નેતાઓને પાડી દેવા સક્રિય છે. ગુજરાતમાં પણ ઘણાં સ્થાને આવી સ્થિતિ છે.
ગુજરાતમાં ભાજપીઓ જ ભાજપને હાસ્યાસ્પદ બનાવી રહ્યા છે, પણ તાકાતવર સરકાર કે પક્ષ તેને બ્રેક મારવા પણ સક્ષમ નથી. ગુજરાતમાં સાવ બેભાન કોંગ્રેસ સ્ફૂર્તિમાં આવી ગઇ અને ભાજપ હાસ્યાસ્પદ બનવા લાગ્યો છે. મોટા ઉપાડે કોંગ્રેસમાંથી આયાત કરેલા નેતાઓ ભાજપને જ ભારે પડી રહ્યા છે.
કોંગ્રેસને તોડીને અટ્ટહાસ્ય કરનારા બહાદુર ભાજપીઓ હાલમાં રાજકીય ડાગલા જેવા સાબિત થઇ રહ્યા છે. આヘર્ય એ છે કે, મોદી-શાહના ગુજરાતમાં પક્ષ બરબાદી તરફ દોડવા લાગ્યો. રાજયમાં શાસન જેવું કંઇ રહ્યું નથી. ભ્રષ્ટાચાર વગરના અધિકારીઓ ને સેટિંગ વગરના નેતાઓ શોધવા અઘરા થઇ ગયા છે.
ગેમઝોનથી માંડીને કોલેરામાં નિર્દોષ લોકોના જીવ ગયા, પણ ભાજપીઓ અંદરો-અંદર લડવામાંથી ઊંચા નથી આવ્યા. ભાજપે સૂત્ર આપ્યું હતું કે, સબ કા સાથ સબ કા વિકાસ... સત્તા મળ્યા બાદ ભાજપે દરેકનો સાથ લઇને ખુદનો વિનાશ આદર્યો છે.
લોકો ત્રાહીમામ છે. ભાજપના આક્રમક મોવડી ગણાતા નેતાઓ કેન્દ્રિયસ્તરે ખુદના જ ચકરડામાં ગુંચવાઇ ગયા છે. પાતળી બહુમતીમાં વટ ગાયબ થવા લાગ્યો છે. ગુજરાત તરફ આ નેતાઓની નજર પણ જતી નથી. રાજયમાં ગુન્હાખોરીએ જબ્બર ભરડો લીધો છે. ગૃહપ્રધાન નિવેદનોથી વિશેષ કંઇ કરી શકતા નથી.
ગુજરાતીઓની સહન શકિતની કસોટી ચાલતી હોય તેમ નથી લાગતું ? ગુજરાતીઓએ પ્રશ્નો ઉકેલવા જેમને મત આપ્યા હતા એ ટોળા જ મોટો પ્રશ્ન બની ગયા છે. ભાજપીઓ ગુજરાતના પ્રશ્નો ઉકેલવા ભલે સક્ષમ ન હોય, પણ પક્ષના પ્રશ્ન તો ઉકેલો.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
