<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

શિવજી, રાજનીતિમાં તાંડવ જરૂરી

સનાતન સામે વિશ્વાસઘાત અને સનાતનને તોડવાની પ્રવૃતિ ધમધોકારઃ ધર્મના ઠેકેદારોની બોલતી બંધ ાા ૐ નમઃ શિવાય ાા

શિવજીની સાધનાના મહાપર્વનો મંગલારંભ થઇ ગયો છે. શ્રાવણ શિવાલયોમાં ભીડ ઉમટવા લાગી છે. બમ બમ ભોલેના નાદથી ભાવિકો મહાદેવને રીઝવી રહ્યા છે. શિવજી જેટલા ભોળા છે તેટલા જ વિનાશકારી પણ છે. એક બિલીપત્રમાં પ્રસન્‍ન થઇ જનારા મહાદેવ રૂઠે તો ક્ષણવારમાં સર્વનાશ કરી શકે છે.

સનાતન પરંપરામાં અનેક સ્‍વરૂપે દિવ્‍ય ઉર્જાઓ સ્‍થાપિત છે. દેવી-દેવતાઓનો પાર નથી. જો કે દિવ્‍યશકિત એક જ છે, જેના નામ અલગ-અલગ છે શિવજી નારાયણના આરાધ્‍ય છે અને નારાયણ શિવના આરાધ્‍ય છે. ઉર્જા સ્‍તર પર જાવ તો સ્‍વરૂપોમાં વિવાદોને કોઇ અવકાશ નથી. નીચલાસ્‍તરે આધ્‍યાત્‍મિકતાને બદલે ધાર્મિકતા ફેલાયેલી છે, જેમાં ધર્મ કરતા વિખવાદો વધારે જોવા મળે છે.

ગેરસમજોનો ગેરલાભ સૌથી વધારે રાજનીતિમાં લેવાઇ રહ્યો છે. રાજનીતિમાં સનાતનનો આડેધડ ઉપયોગ થાય છે. ધર્મને શષા તરીકે અથવા ઢાલ તરીકે લેવામાં આવે છે. ઉપયોગ થયા બાદ સનાતનને ફગાવી દેવાય છે.

રાજકીય ગમા-અણગમાને દૂર રાખીને ધર્મના દૃષ્‍ટિકોણથી રાજનીતિના દર્શન કરીએ તો સ્‍પષ્‍ટ નજરે પડે છે કે, સનાતન સામે વિશ્વાસઘાત અને બીજી બાજુ સનાતનને તોડી પાડવાની પ્રવૃત્તિ ચાલે છે. ભાજપ પોતાને સનાતન તરફી પક્ષ ગણાવે છે. હિન્‍દુત્‍વના નામે મત લઇને સત્તા મળ્‍યા બાદ અહમના ભાગરૂપે અંદરો અંદર બાખડીને સનાતનનો વિશ્વાસઘાત પણ કરે છે.યોગીજી જેવા એકાદ આક્રમક નેતા છે, તેને પાડી દેવા પણ ભાજપમાં જ અમુક લોકો સક્રિય છે. ગુજરાતમાં હિન્‍દુત્‍વના નામે ચૂંટાયેલા ભાજપીઓ વિધર્મી અસામાજિક તાકાતો સાથે સેટિંગ કરીને રીતસર સનાતનનો દ્રોહ કરે છે.  તેવી ચર્ચા હવે સામાન્‍ય બની છે. એકંદરે ભાજપનું સનાતની પાસુ પ્રસંશનીય રહ્યું નથી. તેવું લોકો અનુભવી રહ્યા છે.

બીજી તરફ વિપક્ષ બેફામ છે. સંસદ ગૃહમાં દેવી-દેવતાઓના ફોટા દેખાડીને રાહુલ ગાંધી કોંગ્રેસ પોતાને સનાતનના તરફદાર ગણાવી રહ્યા છે. પડદા પાછળ જુઓ તો કોંગ્રેસ પાસે સનાતનની પથારી ફેરવવાનો એજન્‍ડા છે. વર્ષો બાદ સનાતની મતદારો રાજકીય દૃષ્‍ટિકોણથી થોડા સંગઠિત થયા છે. કોંગ્રેસે આ સંગઠનને તોડવાની દિશા પકડી છે. દલિત અને સવર્ણો વચ્‍ચે ખાઇ સર્જીને સનાતનીઓની શકિત છિન્‍નભિન્‍ન કરવાની વૃત્તિથી રાહુલ - કોંગ્રેસ આગળ વધે છે તેવી વાત પણ ચર્ચામાં છે જ.

એકંદરે વર્તમાન યુગમાં સનાતનને પારાવાર નુકશાન થઇ રહ્યું છે. સનાતનીઓમાં ધર્મ અંગે પૂરું જ્ઞાન-સમજ નથી અને રાજકીય શકિતઓ સનાતનીઓને અંદરો-અંદર ભીડવી દેવા મથે છે.

સંભવા મિ યુગે-યુગે- ધર્મની હાની થાય ત્‍યારે પ્રગટ થવાનું વચન આપ્‍યું હતું. હાલ તાત્‍કાલીક તો રાજનીતિમાં અને ધર્મના ઠેકેદાર બની બેઠેલાઓને ‘સમજાવવા' ની જરૂર છે. શિવજીને પ્રાર્થના કે રાજનીતિમાં તાંડવની ઝલક દેખાડીને એ ક્ષેત્રના લોકોને તાકાતનો  પરચાનો અનુભવ કરાવો.

(12:24 PM IST)