<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

બમારીને પ્રોત્‍સાહ્‌ન મળવું ન જોઇએ

મફત ઇલાજ આવકાર્ય, પણ તંદુરસ્‍ત જીવનને પ્રાથમિકતા મળવી જોઇએ

  ભારતીય-સનાતન સંસ્‍કૃતિનું બ્રહ્મવાકય છે, ‘‘ પહેલુ સુખ જાતે નર્યા...'' શરીર તંદુરસ્‍ત હશે તો સુખ  માણવાથી માંડીને સંઘર્ષ કરવા સુધીના કાર્યો શકય બને. બિમાર શરીરથી લાંબુ આયુષ્‍ય મળે તો પણ શ્વાસ લેવાથી વિશેષ કોઇ કાર્યો સંભવ બનતા નથી.  આ કારણે આપણે સર્વે સન્‍તુ નિરામયા.. ની  પ્રાર્થના કરીએ છીએ.

 જો કે વર્તમાન ભારતમાં આરોગ્‍યને બદલે બિમારીને પ્રાધાન્‍ય અપાતુ હોય તેમ લાગે છે. આરોગ્‍ય જાળવવા માટે માણસ પાસે સમય નથી. આરોગ્‍ય બગડે તો પાંચ-પંદર દિવસ આરામ કરવા સમય છે. !

બદલાયેલી જીવનશૈલીના કારણે તન-મન-ભાવનાત્‍મક બિમારી ખૂબ વધી ગઇ છે. જીવલેણ રોગચાળા પણ ઘેર-ઘેર ફેલાય છે. આ સ્‍થિતિમાં તંદુરસ્‍ત રહેવાનો પ્રચાર અને માહોલ બનવો જોઇએ. દેશમાં મોટાભાગની વસ્‍તી પાસે બિમારીના ઇલાજ માટે પૈસા નથી મોદી સરકારે આ સ્‍થિતિમાં માનવતાને પ્રાધાન્‍ય આપીને મોંઘાદાટ અનેક ઇલાજો વિનામૂલ્‍યે પ્રાપ્‍ત થાય તેવી યોજનાઓ અમલમાં મૂકી છે.

આયુષ્‍યમાન ભારત યોજનામાં ફેરફારો કરીને રૂા. ૧૦/૧૫ લાખ સુધીના ઇલાજો મફત કરવાની વિચારણા ચાલી રહી છે. આ યોજનાઓ આવકાર્ય છે જ મોદી સરકારને માનવતાલક્ષી અભિગમથી અસંખ્‍ય લોકોને નવું જીવન પ્રાપ્‍ત થઇ શકે છે. જો કે આવી યોજનાથી બિમારીને પ્રોત્‍સાહન આપતો  માહોલ બનવો ન જોઇએ.

ભારતમાં આરોગ્‍ય પ્રત્‍યે લોકોમાં વ્‍યાપક જાગૃતિ નથી. બિમારી અને ઇલાજના ખર્ચનો ભય હતો. આ કારણે આરોગ્‍ય તરફ દૃષ્‍ટિ રાખવી ફરજિયાત હતી. આયુષ્‍માન યોજનાથી ઇલાજ-ખર્ચની ચિંતા ટળતા સામાન્‍ય નાગરિકોને બિમાર થવા પ્રોત્‍સાહન મળ્‍યા જેવું બનવું ન જોઇએ.

જો કે વર્તમાન ભારતમાં તંદુરસ્‍ત રહેવું સામાન્‍ય નાગરિક માટે મોટો પડકાર છે. આરોગ્‍ય પ્રત્‍યે જાગૃત હોય તો પણ માણસ લાચાર બને છે. ઝેરી-ભેળસેળ વગરની  ખાદ્ય સામ્રગી શોધવી  કઠીન છે. શુધ્‍ધ પાણી-શુધ્‍ધ હવા પણ નસીબ સારા હોય તો જ મળે વધારે પૈસા આપતા પણ શુધ્‍ધતાની કોઇ ગેરન્‍ટી નથી. ખોરાક તો ઠીક, દવા અને ડોકટર પણ નકલી જ હોય છે. ફાસ્‍ટ જીવનશૈલીમાં સામાન્‍ય નાગરિકે અનિવાર્યપણે ઢસડાવું પડે છે. આખા દેશમાં સમજદારી અને વિશ્વાસની કટોકટી  પ્રવર્તે છે. આ કારણે બિમારી વ્‍યાપક બની છે.

સમાજ અને સરકારના સંયુકત પ્રયાસોથી આ પ્રકારનો માહોલ જ દુર થવો જરૂરી છે. આરોગ્‍યને પ્રાધાન્‍ય  અને પ્રોત્‍સાહન આપવામાં કેન્‍દ્ર સરકારે અનિવાર્યપણે કામ કરી દેખાડવું જરૂરી છે. વિકાસના કામો થોડા ઓછા થશે તો ચાલશે વિકાસ સુખના સાધનો છે, સુખ નથી. સામાન્‍ય જીવનને સુખાકારી તરફ લઇ જવામાં જ શકિતનો ઉપયોગ થવો જોઇએ.

(11:05 AM IST)