તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 7th September 2024
હવે આ લોકો શ્રાપથી પણ ડરતા નથી...
ધાર્મિક હોવું અને ધર્મને અનુસરવું બંનેમાં તફાવત છેઃ સરકાર ધાર્મિક છે, પણ....
આજથી ગણેશોત્સવનો મંગલારંભ થઇ રહ્યો છે. રિધ્ધિ-સિધ્ધિના દેવ ગજાનન મહારાજ ગુજરાતમાં - ભારતમાં સુખ-શાંતિ-સમૃધ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરીને આગળ વધીએ.
ગુજરાતભરમાં ચોમેર ગણેશ પંડાલો ગોઠવાયા છે અનેક સ્થાનો પર ભાજપ દ્વારા પણ ગણેશોત્સવના આયોજનો થયા છે. ભાજપ હિન્દુત્વનો ચહેરો ગણાય છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તામાં રહેલા ભાજપના વર્તમાન મુખ્યમંત્રી ધાર્મિક વૃત્તિના ગણાય છે. ત્રિ-મંદિર તથા અન્ય મંદિરોમાં તેઓ વારંવાર નજરે પડે છે.
ધાર્મિક હોવું અને ધર્મનું પાલન કરવું આ બંને અલગ બાબત છે. ધર્મ માત્ર મંદિરો પૂરતો જ મર્યાદિત હોતો નથી. જીવનના દરેક પગલે ધર્મનો અમલ થવો જોઇએ. જે પદ પર હોય એ પદેથી પણ ધર્મ બજાવવા જોઇએ. મુખ્યમંત્રીએ માત્ર ખુદ શુધ્ધ રહેવું એ સારી બાબત છે, પણ આ પદ ગુજરાતની જવાબદારી આપનારું છે. ગુજરાતભરમાં શુધ્ધિકરણના નિષ્ઠા અને તાકાતથી પ્રયત્નો કરીને પરિણામ દેખાડવું પડે. આને ધર્મનો અમલ કહેવાય. માત્ર મંદિરોમાં દર્શન કરવાથી કે ગણેશોત્સવના આયોજન કરીને ધાર્મિક ગણાવું એ ધર્મનું અપમાન ગણાય.
પોતાને ધાર્મિક ગણાવતો ભાજપ ગુજરાતમાં જે કંઇ કરે છે એ આપણી નજર સામે છે. ભાજપ ધાર્મિક હોવાની વાત તો દૂર, હવે તો સંતોના શ્રાપથી પણ પક્ષ ડરતો નથી.
ત્રણ દાયકાની વન-વે રાજનીતિના કારણે ભાજપ બિન્દાસ અને બેજવાબદાર બની ગયો છે. સેટિંગબાજો, ભ્રષ્ટ-ગુંડાતત્વો મોજમાં છે અને સામાન્ય નાગરિક પરેશાન - ગુજરાતની ભયાવહ અવદશા જોઇને હાલોલ ગામમાં ચાતુર્માસ બિરાજમાન જૈન મુનિ સૂર્યસાગર મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભાજપ ખુદના પાપે જ ઇ. સ. ર૦ર૯ માં સત્તા ગુમાવશે.
પોતાને ધાર્મિક-હિન્દુવાદી ગણાવતા ભાજપીઓ હવે સાધુ-મહાત્માઓના શ્રાપને પણ મહત્વ નથી આપતા. શ્રાપની વાત જવા દો, એ કદાચ અંધશ્રધ્ધામાં ખપાવી દેવાય, પણ મુનિ સુખસાગરજીએ આગાહી શ્રાપ તરીકે નથી કરી, એમણે વાસ્તવિકતાનો ચીતાર આપીને અનુમાન રજૂ કર્યુ છે.
મુનિશ્રીએ વીડિયોમાં કહયું છે કે, વડોદરામાં બિલ્ડરોએ ભાજપીઓને પૈસા ખવડાવીને તળાવો ખતમ કરી દીધા છે. આ કારણે શહેરમાં વારંવાર પૂર આવે છે. લોકો મરે છે. લોકો કંઇ બોલે તો તેને હેરાન કરાય છે, આવા નેતાઓને જીવડા પડશે. ર૦ર૯ માં સત્તા ગુમાવશે.
માત્ર વડોદરાની જ નહિ, રાજકોટ અને ગુજરાતભરની દશા આવી ખતરનાક છે. જૈન મુનિજીએ લોકોની મુશ્કેલીને વાચા આપી અને વાસ્તવિકતા ઉજાગર કરી એ પ્રેરક બાબત છે. અન્ય સંતોએ પણ સત્તાની ખુશામત કરવાને બદલે...
મુખ્યમંત્રી બે-પાંચ મંદિરોમાં દર્શન નહિ કરે તો ચાલશે, પણ પદનો ધર્મ બજાવે તો ભગવાન વધારે રાજી થશે. મોટાભાગનો જૈન સમુદાય ભાજપમાં છે. જૈન મુનિ ખુશ થાય તેવા શાસનનો આગ્રહ પોતાના નેતાઓ પ્રત્યે રાખવો જોઇએ. ધર્મના નામે અધર્મના ખેલ સૌથી મોટું પાપ છે, માત્ર ભાજપે નહિ, દરેક લોકોએ આ સમજવા જેવું છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
