News of Saturday, 12th October 2024
રાવણ વૃત્તિને ભસ્મિભૂત કરો
રાવણના પૂતળા સળગાવવાથી કંઇ નહી વળેઃ ગુજરાતના રાક્ષસી તત્વોને ઝેર કરો
કચ્છના આદિપુર વિસ્તારમાંથી રોડ પરથી માથાભારે તત્વોએ એક દીકરીનું અપહરણ કર્યુ. પીછો કરનાર માતાને મોટરકાર હેઠળ ઘસડીને મારી નાખવાનો પ્રયાસ થયો. આ ન્યુઝ ગઇકાલના છે. આ પૂર્વે વડોદરા પંથકમાં પર પ્રાંતીય વિધર્મીઓએ સગીરા પર દુષ્કર્મ કરીને પતાવી દીધી હતી. બાદમાં સુરત પંથકમાં પણ આવી ઘટના બની હતી. આવી અસંખ્ય ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. દુષ્કર્મીઓ પર કોઇ ધાક રહી નથી.
આજે ગુજરાતભરમાં દશેરા - રાવણ દહન કાર્યક્રમમો યોજાઇ રહ્યા છે. નૈતિકતાના દૃષ્ટિકોણથી સવાલ ઉઠે છે કે, આજના ગુજરાતને રાવણ દહન કરવાનો અધિકાર છે. ? એક સ્ત્રીના અપહરણ માટે રાવણનો શ્રીરામે વધ કર્યો હતો. રાવણે સીતાજીનું અપહરણ જરૂર કર્યુ હતું. પરંતુ તેની માન - મર્યાદા પૂરેપૂરા જાળવ્યા હતા. છતાં સજાએ મોત પરમાત્માએ આપેલું.
ગુજરાતે વર્તમાન શાસકોને રામના નામે મત આપ્યા છે, હિન્દુત્વ - સનાતનના નામે મત આપ્યા છે. નિર્દોષ મહિલાઓ પર રાક્ષસીતત્વો હાવી થાય છે અને ગુજરાત રાવણના પૂતળાનું દહન કરીને બહાદુરીની વાતો કરતુ રહે છે. આવી ઉજવણીનો કોઇ મતલબ ખરો?
માત્ર મહિલાઓ પર જ અત્યાચાર નથી. ગુજરાતમાં લગભગ દરેક ક્ષેત્રમાં અસામાજિક રાક્ષસી તત્વો હાવી છે. સવાલ એ થાય છે કે, ગુજરાત પોલીસ આ તત્વોને કાબૂ કરવા સક્ષમ નથી? સક્ષમ હોય છતા કાબુ ન કરવાનું કારણ શું? રાજકીય ઇચ્છાશકિતનો અભાવ છે? ગુજરાતીઓ લૂટાવાથી માંડીને કપાઇ રહ્યા છે, છતાં કોઇનું લોહી ઉકળતું નથી એ ગજબ ન કહેવાય ?
રાક્ષસી તત્વો રાજય પર હાવી થઇ જાય એ ગુજરાતની શરમ ગણાય, શરમ રાખવાને બદલે ગુજરાતના નેતાઓ બહાદુરીની વાતો કરતા રહે છે, એ ઘટના પણ ગુજરાત સહન કરતું રહે છે. આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ?
રાવણનો વધ સામાન્ય ઘટના ન હતી. રાવણ અસામાન્ય સાધક હતા. મહાશકિતશાળી હતા. એમના અંત માટે નવ દિવસ નવદુર્ગાની સાધના બાદ ખુદ વિષ્ણુ અવતારે વધ કરવો પડયો હતો. ફરીથી ઉલ્લેખ કરીએ કે રાવણે લંકામાં સીતાજીના માન - મર્યાદા પુરેપૂરા જાળવ્યા હતા.
ગુજરાતના વર્તમાન રાક્ષસી તત્વો શકિતશાળી નથી જ. ફાલતુ તત્વો ધાકના અભાવથી તાંડવ કરવા લાગ્યા છે. આવા તત્વોને ઝેર કરવા સરળ છે. છતાં ગુજરાત સહન કરતું રહે છે. લાગે છે કે, નિર્ણાયક સ્થાન પર કોઇક રાક્ષસી તાકાત ગોઠવાઇ ગઇ હશે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
