રોમાંચક રાજનીતિઃ મહારાષ્ટ્રનો જંગ
કોણ કોની સાથે છે તેની ખબર લોકોને નથીઃ નેતાઓ-કાર્યકરો પણ ખીચડામાં ગોટે ચડ્યા
જમ્મુ - કાશ્મીરમાં ઓમાર સરકાર ગોઠવાઇ ગઇ છે. શપથવિધિ સાથે જ રહસ્યમય રાજકીય માહોલ બન્યો છે. કોંગ્રેસ સરકારમાં જોડાઇ નથી. શપથવિધિમાં કોંગ્રેસના માથાં હાજર રહ્યા, પણ સરકારથી દુરી રાખી. બીજી તરફ ઓમાર-ભાજપ વચ્ચે કંઇક સેટિંગ થઇ રહ્યાનું ઘણાં સમીક્ષકો માને છે. નજીકના ભવિષ્યમાં કાશ્મીરમાં મોટો રાજકીય બદલાવ સંભવ છે.
કોંગ્રેસ કાશ્મીરમાં સરકારથી દુર રહી, પરંતુ ભવિષ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો ઓમાર સાથે ગોઠવાઇ શકે છે. દેશનો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ હજુ દિશા નકકી કરી શકતો નથી. પક્ષમાં જ રાહુલ સમાંતર તંત્ર ઉભરવા લાગ્યું છે. એક જૂથ રાહુલને બદલે પ્રિયંકાને ચાર વર્ષથી અપ કરી રહ્યું હતું. હવે પ્રિયંકા વાઇનાઇડથી ઉમેદવાર બની ગયા છે. કોંગ્રેસ કંઇક જુદી જ વેતરણમાં હોય તેમ નથી લાગતું?
જો કે મહારાષ્ટ્રના જંગમાં લગભગ દરેક પક્ષની કસોટી થઇ જશે. મહારાષ્ટ્રનો રાજકીય ખીચડો સમજાય નહિ તેવો છે. મુખ્ય પ્રાદેશિક પક્ષો શિવસેના-એનસીપીમાં બળવા થઇ ચુકયા છે શિંદે-અજિત પવાર જૂથો ભાજપ સાથે છે. ઉધ્ધવ-શરદ પવાર જૂથે કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે, પણ પવાર-ઉધ્ધવ તેને ભારે પડી રહ્યા છે. અન્ય પક્ષો-અપક્ષોના પણ મહારાષ્ટ્રમાં રાફડા છે.
સામાન્ય મતદારોને ખ્યાલ જ નથી આવતો કે કોણ કોની સાથે છે. ઉધ્ધવ ઠાકરે શરદ પવાર સામે બળવા કરીને શિંદે-અજિતે પોતાના જૂથને ભાજપ સાથે રહીને સત્તા પ્રાપ્ત કરી છે. આ બંને બળવાખોરો પાસે શિવસેના - એનસીપીના મુખ્ય સિમ્બોલ - નામ બંને બળવાખોરો પાસે છે અને શરદભાઇ તથા ઉધ્ધવભાઇ બેનર-સિમ્બોલ નવા બનાવવા મજબૂર બન્યા છે.
બંને પ્રાદેશિક પક્ષોના ચારેય જૂથોમાં નેતાઓ અને કાર્યકરોનું આગમન સતત થઇ રહ્યું છે. સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રમાં ફટકો પડયા બાદ ભાજપ નબળો પડી ગયો હતો, પરંતુ તાજેતરમાં હરિયાણામાં ભાજપનો વિજય થતા પક્ષ ફરીથી ફોર્મમાં આવી ગયો છે.
મહારાષ્ટ્રમાં ટિકીટ વિતરણ બાદ દરેક પક્ષો - જૂથોમાં બળવા થશે. ચૂંટણીમાં પણ કયો નેતા કોની સાથે છે એ ખ્યાલ નહી આવે. ખરી મજા પરિણામ બાદ આવશે. પરિણામો બાદ મહારાષ્ટ્રમાં મોટી અને નિર્ણાયક રાજકીય ઉથલપાથલ થવાની સંભાવના છે. આ ચૂંટણી ખરેખર રોમાંચક બની છે. ફડણવીસ, ઉધ્ધવ ઠાકરે, શરદ પવાર, અજિત પવાર, શિંદે વગેરેના પાણી મપાઇ જશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
