News of Saturday, 19th October 2024
ઝેરના પારખાઃ પેકેજ્ડ ફુડ્સ
આકસ્મિક સંજોગોમાં જેનો ઉપયોગ કરવાનો છે તે ફુડ રૂટીન બની ગયું: પ્રિઝર્વેટિવ, કલર, મસાલા ખતરનાક
કહેવતો અનુભવોમાંથી બની હોય છે. ઘણી કહેવતોમાં તો બ્રહ્મજ્ઞાન જેવી વાત કહી દેવાઇ હોય છે. ગુજરાતી ભાષામાં એક કહેવત છે, ‘ઝેરના પારખા ન હોય'. ઝેર વિવિધ પ્રકારના હોય છે. કયું ઝેર કેટલું સ્ટ્રોંગ છે, કેટલા સમયમાં કેટલી હદે અસર કરે છે, તેવો પ્રશ્ન જરૂર થાય, પણ તેના પારખા ન કરાય. ઝેરના પારખા કરો તો જિંદગી સમાપ્ત પણ થઇ શકે છે. પારખા કરવા જ હોય તો મહાદેવ અથવા મીરાબાઇ જેવું સ્તર પાર કરવું પડે. આપણે આ સ્તરે પહોચ્યા વગર જ ઝેરના પારખા કરવા લાગ્યા છીએ.
અમેરિકાની ઇન્ટરનેશનલ ફુડ પોલીસી રિસર્ચ ઇન્સ્ટીટયુટના જાહેર થયેલા અહેવાલ પ્રમાણે ભારતમાં ૩૮ ટકા લોકો પેકેજ્ડ ફુડ પર નિર્ભર થઇ ગયા છે. નાસ્તાથી માંડીને ભોજનમાં પેકેજ્ડ ફુડ્સનો વપરાશ ચિંતાજનક હદે વધ્યો છે. આવા તારણ પર આવવા માટે અમેરિકાના અહેવાલની જરૂર ન હતી. માત્ર ભારતની ફુડ માર્કેટ પર નજર કરો તો પણ ખ્યાલ આવી જાય કે લોકો પેકેજ્ડ ફુડના દીવાના બની ગયા છે.
પેકેજ્ડ ફુડ નકામું નથી, ખૂબ કામનું છે. આકસ્મિક સંજોગોમાં આવી પ્રોડકટસ જીવનનું અસ્તિત્વ ટકાવવા સુધીનું કામ કરી શકે છે. અંતરિયાળ એરિયામાં જવાનું હોય, જયાં કોઇ પ્રકારનું ફુડ ઉપલબ્ધ ન હોય ત્યાં પેકેજ્ડ ફુડ કામ કરી જાય છે. જો કે ભારતમાં લોકો સામાન્ય સંજોગોમાં પણ પેકેજ્ડ ફુડ પર નિર્ભર થઇ ગયા છે.
તાજું - ગરમા ગરમ ફુડ જોઇએ તેટલું જોઇએ ત્યાં ઉપલબ્ધ હોવા છતાં છેલ્લા સવા દાયકામાં પેકેજ્ડ ફુડ અધધધ વધી ગયું છે. ફુડ માર્કેટ પર નજર કરી તેમ આરોગ્ય માર્કેટ પર પણ નજર કરો. નવી પેઢી મોટાભાગે તન-મન-ભાવનાત્મકતાથી નમાલા જેવી બની રહી છે. નાની ઉંમરે મોટા રોગ વધવા લાગ્યા છે. આ બધાં પાછળ ફૂડશૈલી અને જીવન-શૈલી કારણભૂત છે.
પેકેજ્ડ ફુડ પ્રોડકટની સેલ્ફ લાઇફ વધારવા તેમાં પ્રિઝર્વેટીવ્સ નાખવામાં આવે છે. પ્રિઝર્વેટિવ્સ ઘણી પ્રકારના હોય છે, પણ તમામનું કામ એ છે કે, લાંબા સમય સુધી તે ફુડ પ્રોડકટ્સને બગડવા દેતા નથી. એટલે કે, એ ફુડમાં ફુગ લાગતી નથી. બીજો અર્થ એ પણ છે કે, ફુગને ખ્યાલ છે, આ ઝેરથી દૂર રહેવાય. તેથી ત્યાં ચોટતી નથી. આ ઝેર બુધ્ધિશાળી પ્રાણી-માણસ હોજરી સુધી પહોંચાડી દે છે.
બીજી તરફ બજારુ ફુડ પેકેજ્ડ ફુડને આકર્ષક બનાવવા તેમાં કલર્સના ઉપયોગ થાય છે. સ્વાદિસ્ટ બનાવવા મસાલા તથા રસાયણોનો ઉપયોગ થાય છે. જોખમી પેકિંગમાં હોય છે. આ બધું આરોગ્ય માટે ખતરનાક બને છે. ફુડના પ્રોડકશન માટે આકરા નિયમો છે, નિયમોનો અમલ થતો હોય તો પણ સ્પષ્ટ બાબત છે કે, તાજું - ગરમા ગરમ ફુડ જ આરોગ્યપ્રદ ગણાય. ફરજિયાત પેકેજ્ડ ફુડ ખાવું તેવો કોઇ નિયમ નથી.
પેકેજ્ડ ફુડને બ્રેક મારવી અતિ કઠીન કાર્ય છે. જીવલેણ આડ-અસરો છતાં પડીકાની જ બોલબાલા છે. જિંદગીનું પડીકું વળી રહ્યું છે, પરંતુ વ્યકિતગત બ્રેક મારવી કઠીન નથી.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
