News of Saturday, 21st December 2024
ધ્યાન બેધ્યાન અંત ર્ધ્યાન...
ધ્યાન જીવનની શ્રેષ્ઠત્તમ અવસ્થાઃ વિશ્વને તેનો પરિચય આપનાર ભારત ખુદ વિચારવા યુપી પીડિત...
આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી થશે. દેશભરમાં ધ્યાન કાર્યક્રમો - પ્રવચનો યોજાશે. ધ્યાન માનવજાત માટે દિવ્ય ગિફટ છે. ધ્યાન ક્રિયાથી શારીરિક-માનસિક-ભાવનાત્મક સ્વાસ્થ, સુધરવા સાથે અલૌકિક અનુભૂતિઓથી માંડીને વિવિધ સિધ્ધિઓ પ્રાપ્ત થાય. પરમની પ્રાપ્તિ પણ ધ્યાન માર્ગે થઇ શકે છે. આ સનાતનની માનવ જાતને અકલ્પનીય ગિફટ છે.
ધ્યાન સંપૂર્ણપણે આંતરિક પ્રક્રિયા છે. વિશ્વ ધ્યાન દિને ભારતમાં મોટાભાગે ઉજવણીના બહાને બ્રાહ્ય દેખાડો જ થશે. સામાન્ય લોકો તો ઠીક ધર્મના ઠેકેદાર જેવા બની ગયેલા બાબાઓથી માંડીને સ્વામીઓ - કથાકારો પણ ધ્યાન કરવા - કરાવવાને બદલે પ્રવચનો ફટકારીને લોકોને બેધ્યાન કરશે.
ભારતમાં ધર્મના નામે ગજબનું વિચિત્ર ચાલે છે. પ્રભુની પ્રાપ્તિ માટે પરિવાર-મિત્રોને છોડી દેનામાં મહાત્માઓ ત્યાગના ભાષણો આપીને સુખ-સમૃધ્ધિમાં આળોટે છે. સંસાર તેઓને મગજમારી લાગતો હતો, સન્યાસ લીધા બાદ ગાદી-પદ-પૈસા માટે બાખડતા રહે છે. આવા તત્વોનો બહિષ્કાર કરવાને બદલે ભકતો પણ કહેવાતા ત્યાગીઓના વિવિધ જૂથોના સમર્થક બનીને બઘડાટી બોલાવે છે.
ધર્મ-સંપ્રદાય આવા હોય ? સનાતન આપણું ગૌરવ છે. યોગ-ધ્યાન-મંત્રો-વિવિધ સાધનાઓ દિવ્ય ગિફટ છે. આ અંગે આપણે વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરીએ છીએ. પણ અફસોસ એ છે કે, આ બધુ આપણે પચાવી શકયા નથી. ધર્મ-અધ્યાત્મક્ષેત્રમાં જ સૌથી વધારે અંધા ધુંધી ચાલે છે. આપણું વૈશ્વિક ગૌરવ જ આપણી વૈશ્વિક શરમ બની ગઇ હોય તેમ નથી લાગતું...?
વિશ્વને ઢોલ પીટીએ કહી એ છીએ કે યોગ-ધ્યાન-આયુર્વેદથી તન-મન-ભાવનાત્મક સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે છે. બીજી બાજુ આ તમામ પ્રકારના દર્દીઓની મહાફોજ ભારતમાં જ કણસી રહી છે. આપણા બાબાઓ-સ્વામીઓ-યોગગુરૂઓ દુનિયાભરમાં પ્રચાર-પ્રસાર કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે, દેશમાં જ આપણા દિવ્ય વારસા અંગે પૂરતી સમજ નથી.
આヘર્યજનક સ્થિતિ પણ બની છે. ભારતની આધ્યાત્મિક માર્કેટમાં વિવિધ બ્રાન્ડના ધ્યાન-યોગ ધમધમે છે. આ દિવ્ય વારસાને બાપુજીનો બગીચો માનીએ ઘણાં મહાત્માઓએ ખુદની બ્રાન્ડના ધ્યાન-યોગ લોન્ચ કરી દીધા છે. આવી દુકાનો ચલાવનારા મહાત્માઓ વ્યકિત પૂજા કરાવવામાં ઓતપ્રોત થઇ ગયા છે. તેના ભકતોને પણ નશો ચઢ્યો હોય તેમ ભગવાનને ભૂલીને મહાત્મા પાછળ પાગલ થઇ ગયા છે. ગુરૂનો આદર હોય, પણ ગુરૂ માત્ર માર્ગ છે, મંઝીલ નથી. આ બાબત યાદ રહેવી જોઇએ. જો કે મોટાભાગના ગુરૂઓ જ પોતે જ મંઝીલ હોવાનું બ્રાન્ડિંગ કરાવે છે અને ભકતો બ્રાન્ડિંગથી અંજાઇ જાય છે.
ગજબની વિચિત્રતા છે. ધર્મ-અધ્યાત્મ જાગૃત થવાનો માર્ગ છે, આ માર્ગમાં આવનારા મોટાભાગનાં બેભાન જેવા બની જાય છે. ધ્યાન તો બ્રહ્માંડીય ઉર્જા સાથે સીધો સંપર્ક કરાવવા સક્ષમ છે, સંસ્થા-સંપ્રદાયની સંકુચિતતાનું વલય તૂટતું નથી. ધ્યાનથી મોટો ફાયદો એ પણ છે કે, ધ્યાન કરનાર ખૂણામાં બેસી રહે છે. નડતરૂપ નથી થતાં. ધ્યાનના પ્રચાર કો-ગુરૂઓ આવું કરે તો અધ્યાત્મક ક્ષેત્રની ૪૦ ટકા જેટલી સમસ્યા આપોઆપ ઉકેલી જાય...!
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
