<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

પ્રચંડથી પતનની રાજકીય કહાની

ઇન્‍દિરાજીની પ્રંચડ રાજકીય સિધ્‍ધિ અને આજે એક-એક મત માટે કોંગ્રેસના ફાંફા

 

 આજનો દિવસ રાજકીય દૃષ્‍ટિએ ઐતિહાસિક છે. ૬ જાન્‍યુઆરી ૧૯૮૦ ના દિને સાતમી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્‍યું હતું. ઇન્‍દિરા ગાંધીના નેતૃત્‍વમાં કોંગ્રેસે પ્રચંડ રાજકીય સિધ્‍ધિ મેળવી હતી. ૩૫૩ બેઠકો કોંગ્રેસે એકલા હાથે જીતીને  ઇતિહાસ રચી દીધો હતો. વિપક્ષનું ધોવાણ થઇ ગયું હતું.

માનવામાં ન આવે તેવી બાબત એ છે કે, આ ચૂંટણીમાં ઇન્‍દિરા- કોંગ્રેસને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનો ટેકો મળ્‍યો હતો. પડદા પાછળની બાબત એ છે કે,  કટોકટી લાદવાના કારણે મુસ્‍લિમ સમુદાય કોંગ્રેસથી નારાજ હતો. આ કારણે સંઘે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ હતું. જો કે ચૂંટણી બાદ સંઘે આ બાબતનો સત્તાવાર ઇન્‍કાર કર્યો હતો.

ઇન્‍દિરા ગાંધીનું નેતૃત્‍વ ધુંઆધાર હતું. સંઘર્ષ કરીને સિધ્‍ધિ પ્રાપ્‍ત કરી હતી. માત્ર  વિરોધી પક્ષોને જ હરાવ્‍યા ન હતા, કોંગ્રેસમાં પણ સ્‍થાપિત થઇ ગયેલા નેતાઓ પર ઇન્‍દિરાજીએ  પોતાનું વર્ચસ્‍વ સ્‍થાપિત કર્યુ હતું. તેઓનું નેતૃત્‍વ નિર્ણાયક હતું. માત્ર લોકો પર જ નહિ, અન્‍ય પક્ષો પર પણ ધાક જમાવી હતી.

આઝાદી બાદ કોંગ્રેસનું શાસન લાંબાગાળા સુધી રહ્યું હતું. જેમાં નિર્ણાયક નેતૃત્‍વ ઇન્‍દિરા ગાંધીનું જ રહ્યું હતું. જો કે પોતાના અંગ રક્ષકો દ્વારા  ઇન્‍દિરાજીની કૃર હત્‍યા થઇ હતી. આ ઘટના બાદ રાજીવ ગાંધીના નેતૃત્‍વમાં કોંગ્રેસને પ્રચંડ બહુમતી મળી હતી, પણ તેમાં રાજીવની કમાલ ન હતી.

રાજીવ ગાંધીની હત્‍યા બાદ  પણ કોંગ્રેસનું શાસન રહ્યું, પણ કોંગ્રેસ અને નેહરુ-ગાંધી પરિવારનો પ્રભાવ સતત ઘટતો રહ્યો રાજીવ બાદ સોનિયાજીએ કુનેહથી પ્રભાવ જાળવ્‍યો હતો, પણ રાજીવ બાદ નેહરુ ખાનદાનને ખુરશી પ્રાપ્‍ત થઇ નથી. સોનીયાજીના પ્રભાવમાં રાહુલ ગાંધીનું નેતૃત્‍વ કોંગ્રેસમાં સ્‍થાપિત થાય તેવા સતત પ્રયાસો થયા. આ સમયે  કેન્‍દ્રમાં પણ કોંગ્રેસની જ સત્તા હતી. રાહુલ ગાંધી માટે ભરપુર તક હતી. જો કે સંઘર્ષ વગર પદ મળી ગયું હતું. પદ જાળવવા માટે પણ સંઘર્ષ કરવાનો ન હતો.

રાહુલ ગાંધી સર્વોચ્‍ચ નેતા બન્‍યા, પણ પદની વેલ્‍યુ, ગંભીરતા કે જવાબદારીનું ભાન ન હતું ક્રાંતિકારી-આક્રમક નિર્ણયો કે રણનીતિનો અભાવ રહયો. પ્રભાવહીન નેતૃત્‍વના કારણે કોંગ્રેસ સત્તાથી દુર થઇ ગઇ. એક સમયે પ્રચંડ બહુમતી ધરાવતી કોંગ્રેસ પતન તરફ  ધકેલાવા લાગી. વિપક્ષના નેતા પદ માટે પણ ટાંટિયા પહોચતા ન હતા. એક-એક મત માટે  કોંગ્રેસ ફાંફા મારવા લાગી.

આ સ્‍થિતિમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને લોન્‍ચ  કર્યા છે. તેમના વ્‍યકિતત્‍વમાં પણ આક્રમકતા-નિર્ણયાત્‍મકતાનો અભાવ દેખાઇ રહ્યો છે. ગઇકાલે ભાજપના એક નેતાએ પ્રિયંકાના ગાલ જેવા માર્ગો બનાવવાનુ નિવેદન  આપ્‍યું. કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે, પરંતુ આવા મામલે કોંગ્રેસમાં જરા પણ આક્રમકતા દેખાતી નથી. રાહુલ-પ્રિયંકા ભાજપ માટે આશીર્વાદરૂપ છે. 

(10:08 AM IST)