<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

પતંગ સંગાથે ગળાકાપોત્‍સવ

અગાસી પર નેતાઓ ફોટા પડાવતા હતા અને માર્ગો પર લોકોના ગળા કપાતા હતા...જવાબદાર કોણ ?

 

  ગઇકાલે ગુજરાતભરમાં પતંગોત્‍સવ ધામધુમથી ઉજવાયો હતો. અગાસીઓ હાઉસફુલ હતી. આ પ્રસંગે રાજનીતિની પતંગબાજી પણ જોવા મળી હતી. કેન્‍દ્રિય પ્રધાનોથી માંડીને શેરીના ટાબરિયા જેવા નેતાઓ પતંગ ચગાવતા ફોટા-વિડીયા દ્વારા પ્રસિધ્‍ધિ લઇ રહ્યા હતાં. આ અવસરે પુરુષોતમભાઇ રૂપાલાથી માંડીને વિજયભાઇ રૂપાણી સુધીનાએ અમરેલી વિવાદ અંગે નિવેદનો કરીને પાટીદાર દીકરી સાથે થયેલા અન્‍યાય અંગે ચિંતા વ્‍યકત કરી હતી.

સત્તાધારી પક્ષના નેતાઓ સામાન્‍ય નાગરિકની ચિંતા કરે એ સારી બાબત ગણાય. જો કે અમરેલી વિવાદની ચિંતામાં રાજકીય પતંગબાજીની આશંકા રહેલી છે. અમરેલીના એક નાગરિકની ચિંતા ભાજપીઓને થાય છે, પણ ભાજપી નાના-મોટા નેતાઓ અગાસી પર ફોટા પડાવી રહ્યા હતા ત્‍યારે ગુજરાતભરમાં નિર્દોષ લોકોના ગળા કપાઇ રહ્યા હતા, તેની ચિંતા કોઇએ કરી ન હતી.

ગઇકાલે રાજકોટમાં પણ પતંગના દોરાથી અનેક લોકોના ગળા કપાયા હતા. મોતની ઘટના બની અને ગંભીરરૂપે ટુ વ્‍હીલર સવારો ઘાયલ પણ થયા. આવા લોહિયાળ તાંડવ સામે ભાજપનું એક પણ નેતું હરફ ઉચ્‍ચારતું નથી. અમરેલીમાં એક યુવતીને થયેલા અન્‍યાય સામે જીવ બાળનારા ભાજપીઓને અન્‍ય લોકોના જીવ જાય તો પણ કંઇ પડી નથી, એ દર્શાવે છે કે, ભાજપી ટોળીને યુવતીને ન્‍યાય અપાવવાને બદલે એ મુદ્‌્‌ે સ્‍વાર્થીણ રાજકીય ખેલ કરવામાં જ રસ છે.

મુખ્‍ય સવાલ એ છે કે, નિર્દોષ લોકોના ગળા કપાયા તેના માટે જવાબદાર કોણ? રાજયમાં ગળા કાપતી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે. આ અંગે તંત્રએ ઓપરેશનના નાટક કરીને પ્રસિધ્‍ધી પણ ખૂબ લીધી હતી. પ્રતિબંધિત દોરા પકડાયાના ફોટા-વિડીયા મિડિયામાં રીલીઝ કરાવ્‍યા હતાં. સવાલ એ છે કે, ઓપરેશનો થયા છતાં રાજયભરમાં જીવલેણ દોરા આવ્‍યા કયાંથી ? તંત્રએ માત્ર નાટક જ કર્યુ હતું કે, કાયદાનો અમલ કરાવવાની તેમની ત્રેવડ જ નથી...?

રાજકોટમાં ગઇકાલે બપોરે ૧ર વાગ્‍યા સુધીમાં જ ૧૦ લોકોના ગળા કપાઇ ચુકયા હતાં. આ સમાચારો સાથે એવા પણ સમાચાર આવ્‍યા હતા કે, તંત્રએ લોકોને બાઇક લઇને બહાર ન જવા અપીલ કરી છે..! આવી અપીલ કરતા તંત્રને શરમ પણ ન આવી.

માત્ર રાજકોટમાં જ નહિ, સમગ્ર ગુજરાતમાં આવી લોહિયાળ ઘટનાઓ બની હતી. જો કે મુખ્‍યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી તથા અન્‍ય પ્રધાનો-ધારાસભ્‍યો તથા નાના-મોટા નેતાઓ પતંગોત્‍સવની પ્રસિધ્‍ધિ લેવામાં વ્‍યસ્‍ત હતાં. ગળા કપાયેલા લોકો માટે નિવેદન પણ કરવાની તેમને જરૂરત લાગી નહિ.

મીડિયા જગત નાની-મોટી સાઇઝના નેતા-નેતીઓને પ્રસિધ્‍ધી આપવામાં વ્‍યસ્‍ત હતું. પતંગોત્‍સવથી ગળા કાપોત્‍સવ જેવા  બની ગયેલા ઉત્‍સવમાં અનેક પરિવારો નંદવાઇ ગયા છે. આવા સમાચારોને પણ રૂટીન ન્‍યૂઝ ગણી લેવામાં આવ્‍યા. ગુજરાતીઓએ પોતાના અસ્‍તિત્‍વ માટે ગંભીરતાથી ચિંતન કરવાનો આ સમય છે. સત્તાધીશો-તંત્રને સામાન્‍ય લોકોની કંઇ પડી નથી. કમોતે મરવું ન હોય તો...

(10:14 AM IST)