<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજનીતિઃ મફતની મોજીલી ફેશન

ચૂંટણી બની રાજકીય દુકાનોનો સેલ... ફ્રી-ફ્રી-ફ્રીઃ મતદારોને ‘‘મામા'' બનાવવાના પ્રયોગ

 મુંબઇના નેતા સંજય નિરુપમે મસ્‍ત પ્રશ્ન ઉઠાવ્‍યો છે. સૈફ અલીખાન પર આટલી સર્જરીઓ થઇ છતાં પાંચ દિવસમાં સ્‍વસ્‍થ થઇને કેવી રીતે ચાલવા લાગ્‍યો? આ પ્રશ્નમાં છરીના ઘા મારવાની ઘટના પ્રત્‍યે આશંકા સ્‍પષ્‍ટ તરવરે છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. જો કે અનેક તપાસોના અનુભવો પરથી કહી શકાય કે, તંત્ર અને સરકાર  તપાસમાં જે તારણ લાવવું હોય તે જ લાવે છે. ઘણી ઘટનાઓના રહસ્‍યો ધરબાઇ ગયેલા હશે.

દરેક બાબતોમાં રાજકીય હિતોને જ પ્રાધાન્‍ય આપવાની સ્‍પર્ધામાં શાસક-વિપક્ષ ધંધે લાગ્‍યા છે. રાજકીય પક્ષો ખુદ રહસ્‍યમય બની ગયા છે. ચૂંટણી વખતે પક્ષો દાતાની ભૂમિકામાં આવી જાય છે. અને ચૂંટણી બાદ લોકોને લુંટવાની પ્રક્રિયા શરૂ કરી દે છે.

કેજરીવાલ એક સમયે ક્રાંતિકારી રાજનેતા લાગતા હતા. પરંતુ સમય જતા ક્રાંતિકારીને બદલે રાજનીતિની ગુજરી બજારના દુકાનદાર જ સાબિત થયા સર્વોત્તમ શાસન આપીને લોકોનો વિશ્વાસ જીતવાને બદલે કેજરીવાલ ટોળકીએ સ્‍માર્ટ બનીને લોકોને લલચાવવાના જ ખેલ આદર્યા છે. લોકોને વિવિધ સુવિધાઓ ફ્રી-ફ્રી-ફ્રી આપવાની ઘોષણા કરીને મફતનો નશો ચઢાવવાની પહેલ આમ આદમી પાર્ટીએ કરી  હતી.  હાલની દિલ્‍હીની ચૂંટણીમાં ફ્રીના વચનોની મનમૂકીને લ્‍હાણી કરી રહયા છે.

ભાજપ પોતાને સૌથી મોટો અને મજબૂત પક્ષ ગણાવે છે, પરંતુ આ પક્ષ  પણ ફ્રી મુદે્‌ કેજરીવાલ પાછળ ઢસડવા લાગ્‍યો છે. ગુજરાતમાં ૩૦ વર્ષના શાસનમાં ભાજપ આપી શકયા નથી એ દિલ્‍હીમાં આપવાના  વચનો ભાજપીઓ આપી રહયા છે. દિલ્‍હીના મતદારોના દિલ જીતવા ભાજપીઓ રીતસર કથ્‍થક કરી રહયા છે. આ દૃશ્‍યો જોતા લાગે કે, ગુજરાતી મતદારો ખૂબ ભોળા છે,  વિચારધારાના નામે ભાજપને આસાનીથી સત્તા આપી દે છે. ગુજરાતીઓ ભાજપને થોડો ભીડવે તો આ પક્ષનું ઓરીજીનલ સ્‍વરૂપ સામે આવી જાય.

રાજનીતિમાં હાલ ફ્રીની ફેશન ચાલી રહી છે. દેશનું  અર્થતંત્ર જાણે ફાધરનું ગાર્ડન હોય તેમ નેતાઓ-પક્ષો મનફાવે તેવી ઘોષણા કરી રહયા છે. દિલ્‍હીની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ તો ફ્રી-ફ્રીની દુકાન જ ખોલી નાખી છે. અહી કોંગ્રેસ લડે છે, પણ લાંબા સમયથી એમની દુકાને મહામંદીએ ભરડો લીધો છે, તેથી તેમની દુકાનની કોઇ ગંભીરતાથી રસ લેતું નથી.

ફ્રીનો વિચાર માનવમન માટે ઘાતક છે. મફતનું લેવાની લાલચ વ્‍યાપક અને દૃઢ બનાવે છે.  આ ઉપરાંત ફ્રીની પ્રવૃતિ અર્થતંત્રની પથારી ફેરવવા પણ સક્ષમ છે. જો કે લોકોની કે અર્થતંત્રની નેતાઓને પડી નથી. ફ્રીના નામે મત લઇને મોજે દરિયા કરવાની જ દોડમાં છે.  ભારતીય લોકશાહીમાં લોકો જાગૃત નહિ થાય ત્‍યાં સુધી ગુજરીબજાર જેવી જ રાજનીતિનો અનુભવ કરતા રહેવો પડશે.

(10:40 AM IST)