તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 4th February 2025
ભાજપ મેદસ્વી બની ગયો !
પોતાનું ‘વજન' પોતે ખમી શકતો નથીઃ વિપક્ષનો પડકાર નજીવો, ખુદના જ મોટો પડકાર....
રાષ્ટ્રીયસ્તરે વકફ મુદ્્ો ચકચારી બન્યો છે. આ વૈચારિક મામલો છે. આવા મુદ્્ાથી રાષ્ટ્રીયસ્તરે ભાજપ ખૂબ મજબૂત બને છે. મોદી સરકાર વિચારધારાને અનુરૂપ કામ કરીને પક્ષને મજબૂતી આપી રહી છે. આવા કામ કરી દેખાડવા એ સામાન્ય નથી. લોકસભામાં પક્ષ પાસે પુર્ણ બહુમતી નથી. છતાં વકફ જેવા અત્યંત કપરા મુદ્્ા આંતરિક તાકાતના જોરે ઉકેલે છે આવી સરકાર વિરોધી પાર્ટીઓ માટે પણ પ્રેરણા લેવા જેવી ગણાય. જો કે ભાજપમાં વૈદ્યના જ ખાટલે હોય તેવી સ્થિતિ છે.
મોદીજીના ગુજરાતમાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે. ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. કેન્દ્રમાં પણ ભાજપ જ છે. ગુજરાતમાં વિપક્ષ જેવું કંઇ નથી. રાજયમાં ભાજપી શાસકો માટે તમામ પ્રકારની અનુકુળતા છે, પરંતુ ભાજપી શાસકો કંઇ ઉકાળી શકતા નથી. વિચારધારા પર કામ કરવું તો દુરની બાબત છે, પક્ષ ખુદ હાસ્યાસ્પદ કાર્ટૂન જેવો બની રહ્યો છે.
આયુર્વેદ પ્રમાણે મેદસ્વીતા એવી સમસ્યા છે, જેનાથી અનેક શારીરિક-માનસિક સમસ્યાઓ જન્મે છે. ચરબીના થર રોગોનું મૂળ છે. આરોગ્ય માટેનો આ નિયમ રાજકીય પક્ષના આરોગ્યને પણ લાગુ પડે છે. ગુજરાત ભાજપ ખુદ મેદસ્વી બની ગયો છે. પોતાનું વજન પોતે ઉપાડી શકતો નથી. નેતાઓની ક્ષમતા કરતા વધારે વજનદાર સત્તા મળી. નેતાઓને ખુદના વજન કરતા પણ વધારે વજનના પદ મળી ગયા. આટલું અધુરું હોય તેમ ભાજપે અન્ય પક્ષોની ગંદકી ભાજપમાં ઘાલી દીધી. આવા તમામ પ્રકારના વજનથી ભાજપ મેદસ્વી અને હાસ્યાસ્પદ બની ગયો છે.
વિપક્ષમાં વિરોધ કરવાની ત્રેવડ રહી નથી, પરંતુ ભાજપમાં જ એટલા બધાં જૂથો થઇ ગયા છે કે, પક્ષની પથારી ફેરવવા માટે આ જૂથવાદ સક્ષમ છે. આ માટે વિપક્ષની જરૂર નથી મીડિયા પર દૃષ્ટિ કરો તો હાલ ભાજપમાં પત્ર ઝૂંબેશ ચાલે છે. નનામા પત્ર વાયરલ કરીને પક્ષના અસંતુષ્ટો પોતાના જ નેતાની પથારી ફેરવવાનું મહત્વનું કામ કરે છે.
ગુજરાતમાં ઉપરથી નીચે સુધી આવા વિખવાદો ચાલે છે. પક્ષ ધણી-ધોરી વગરનો બની ગયો હોય તેવું નથી લાગતું? ગુજરાત સરકાર એક પણ સમસ્યા વટથી ઉકેલી શકતી નથી, છતાં દાદાની સરકાર કહીને અમુક મીડિયામાં પ્રસિધ્ધ લીધે રાખે છે.
મોદીજી રાષ્ટ્રીયસ્તરે સામા પૂરે તરીને વિચારધારા પ્રમાણેના ઐતિહાસિક કાર્યો કરી દેખાડે છે. ગુજરાતમાં ભાજપ પાસે અનુકુળતા છે છતાં વિચારધારને બદલે ચૂંટણીમાં મત મેળવવા વિધર્મી અસામાજિકો સામે મુજરા કરે છે. આટલી રાજકીય શકિત હોવા છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વટથી લડવાને બદલે ભાજપીઓ સેટિંગ કે તોડફોડ કરતા રહે છે.
ગુજરાતમાં શરમજનક રાજકીય સ્થિતિ સર્જાઇ ગઇ છે. સરકાર મંદિરોમાં- સમારોહમાં હડિયું કાઢે છે. પક્ષ આંતરિક બઘડાટીમાં વ્યસ્ત છે. અસામાજિકો ગુંડાતત્વો મસ્ત છે. લોકો ભગવાનના ભરોસે છે... ભાજપને ચરબી ચઢી ગઇ છે, ગુજરાતીઓએ ‘‘સરવાર'' કરવી પડશે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
