News of Monday, 17th February 2025
મોતમાં પણ રાજનૈતિક લાભનો દૃષ્ટિકોણ
દરેક પક્ષોની વૃત્તિ ગીધ જેવીઃ સમસ્યા ઉકેલવાને બદલે તેનો લાભ લેવાના જ ખેલ...
‘ યે મહાકુંભ ફાલતુ હૈ, ઇસ કા કોઇ મતલબ નહિ.' લાલુપ્રસાદ યાદવે બેધડક નિવેદન આપ્યું. ૧૦૦ કરોડ હિન્દુઓમાંથી ૮૦ કરોડ જેટલા મહાકુંભમાં આસ્થા ધરાવતા હશે, પચાસેક કરોડ લોકોએ તો કુંભમાં ડુબકી લગાવી છે. આટલી પ્રચંડ વસ્તીની લાગણીની નોંધ લીધા વગર બેફામ નિવેદનો કરે એ યોગ્ય છે ? મહાકુંભને ફાલતુ ગણાવી દેવો એ સનાતનું અપમાન છે. હિન્દુ સમાજ કટ્ટર નથી એ બાબત સકારાત્મક છે, પરંતુ સકારાત્મકતાનો ગેરલાભ લેવાઇ રહ્યો છે.
કુંભમેળામાં જઇ રહેલા લોકો દિલ્હી રેલ્વે સ્ટેશન પર ધકકામુકીમાં પરેશાન થયા. ર૦ જેટલા મોત થયા. આ તીવ્ર આઘાતજનક ઘટના ગણાય. ઘટના બન્યા બાદ શું થયું ? હિન્દુ સમાજ ટેવ કે કુટેવ પ્રમાણે મૌન જ રહ્યો. સનાતનીઓએ રેલ્વે સામે સવાલો પણ ન કર્યા. મોદી સરકારને કોઇ કંઇ પૂછતું નથી.
ધકકામૂકી ઘટના બાદ રાજકીય પક્ષો ગીધડા બનીને ઘટના પર મંડાઇ ગયા. ભાજપ ઘટનાની ઠોસ વિગતો આપવાને બદલે બચાવની ભૂમિકામાં આવી ગયો. જે સમાજના મત લઇને મોટાભા બન્યા છો, એ સમાજના લોકો કમોતે મરે તે સામાન્ય બાબત નથી, પણ આવી ઘટનાઓ ભૂલવી દેવા ભાજપ અને તેની સરકારો ધંધે લાગી જાય છે. મોટાભાગની ઘટનાઓમાં જવાબદારોને સજા પણ થતી નથી.
વિપક્ષ શું કરે છે ? આવી ઘટનાઓ બને ત્યારે તેનામાં ગીધવૃત્ત્િ પ્રગટી જાય છે. મોતની ઘટના મહા સમસ્યા છે, આવી સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે મતદારોને ભડકાવીને રાજકીય લાભ લેવાની જ રણનીતિ હોય છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીની ઘટના બાદ જે સ્ટેન્ડ લીધું છે તેમાં ધકકામૂકીની સમસ્યા કેન્દ્રમાં નથી. લોકો ભાજપ સામે ભડકે તેવા દૃષ્ટિકોણથી જ નિવેદનો આપ્યા હતાં.
સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવના મગજમાં કુંભની ધકકામૂકી હોય કે દિલ્હીની, સરકાર સંખ્યા છૂપાવે છે તેવી કેસેટ ફીટ થઇ ગઇ છે. ખરેખર સરકાર મોતની સંખ્યા છૂપાવતી હોય તો અતિ ગંભીર ગણાય. જો કે અખિલેશ ભ્રમની સ્થિતિ સર્જવાના ઇરાદેથી જ આવા ભયાવહ નિવેદનો કરતા હોય તેમ લાગે છે. સંખ્યા છૂપાવ્યાના કોઇ નકકર પુરાવા કે તર્ક કયારેય રજૂ કર્યા નથી. આવા નિવેદનોનો કોઇ અર્થ ખરો...?
માત્ર ભાજપ-કોંગ્રેસ-સપા જ નહિ, દરેક પક્ષો-નેતાઓ ગીધવૃત્તિ ધરાવે છે. અખિલેશ સરકાર હોય અને દુર્ઘટના બને તો ભાજપ ગીધ બની જાય અને ભાજપના શાસનમાં ઘટના બની તો અન્ય પક્ષો-વિપક્ષો ગીધ બની ગયા.
તારણ એ નીકળે છે કે, સનાતનીઓની મુખ્ય સમસ્યાઓ કે લાગણીની નોંધ કોઇ લેતું નથી. રાજકીય લાભ માટે જ પક્ષો ધંધે લાગ્યા રહે છે. આવા ગીધડાને સંદેશ મળવો જોઇએ કે સનાતનીઓ કટ્ટર નથી એ તેમની લાચારી નહિ, વિશેષતા છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
