તા. ૨૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૫ રવિવાર
News of Thursday, 13th March 2025
તું રંગાઇ જાને રંગમાં...
નકારાત્મકતાને ભસ્મિભૂત કરવાની જવાબદારી કોની?: સકારાત્મકતાનો રંગ ચઢાવો...
દરેક ઉત્સવો પાછળ વિશિષ્ટ ઉદ્્ેશ રહેલો હોય છે, સનાતન પરંપરાની આ વિશેષતા છે. હોળી-ધૂળેટી ઉત્સવ પાછળ ધાર્મિક-આધ્યાત્મિક, આરોગ્ય-આર્થિક વગેરે બહુવિધ ઉદ્્ેશો રહેલા છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્્ેશ નડતરૂપ-નકારાત્મક ઉર્જાઓને હોલિકામાં સ્વાહા કરીને બીજા દિવસે સકારાત્મકતા અને સમજદારીના રંગે રંગાઇ જવાનો છે.
હોલી ઉત્સવની ઉજવણી ધામધુમથી થાય છે, પરંતુ નડતરરૂપ ઉર્જાઓ-નકારાત્મકતા નષ્ટ થવાને બદલે વધતી જાય છે અને ધૂળેટીના રંગોમાં ખૂબ રંગાઇ જઇએ છીએ, પણ સમજદારોનો રંગ ચઢતો નથી. આ હકિકત છે.
સવાલ એ છે કે, નકારાત્મકતાને ભસ્મિભૂત કરવાની જવાબદારી કોની ? સમગ્ર સંસાર-સમાજને યોગ્ય માર્ગે વાળવાની જવાબદારી સૌપ્રથમ ધર્મસત્તાની છે. ધર્મ એટલે કે સમજના માર્ગે વાળવાનું મુખ્યકાર્ય ધર્મક્ષેત્રનું છે. આપણી કમનસીબીએ છે કે, ધર્મક્ષેત્ર જ સૌથી વધારે આડા માર્ગે ચાલી રહ્યું છે. અસમજ, કુવૃત્તિ, નકારાત્મકતા ધર્મમાં જ સૌથી વધારે હોય તેમ નથી લાગતું ? શુધ્ધ રહેવું હોય તો સંપ્રદાયો-સ્વામીઓ-કથાકારોથી દૂર રહેવું પડે તેવી સ્થિતિ નથી ?
કથાકારો-સ્વામીઓ દ્વારા હોળી-ધૂળેટી ઉત્સવોના આયોજનો થયા છે. આ ઉત્સવોમાં ટોળેટોળા ઉમટશે, પણ ઉત્સવનો મૂળ ઉદ્્ેશ સિધ્ધ કરવાનો પ્રયત્ન પણ થતો નથી. સ્વામીઓ-કથાકારો ભગવાનથી પણ મહાન બનીને ફરે છે, ધમકી આપીને કરાવે, ધમકીથી ડરી જાય છે. આવી ગોઠવાઇ ગયેલી વિભૂતિઓ કંઇ ઉકાળી ન શકે.
તો શું કરવું. ભારત લોકશાહી દેશ છે. લોકશાહીમાં શાસન પર બિરાજમાન શકિતશાળી ગણાય. તેની પાસે વિશેષ પાવર છે, વિશેષાધિકાર છે. નડતરરૂપ અને નકારાત્મક શકિતઓનો વધ કરવો એમની બંધારણીય ફરજ છે.
જો કે વાસ્તવિક સ્થિતિ વિચિત્ર છે. જે ભૂમિ પર દ્વારિકાધીશના રાજ હતા એ ભૂમિ પર કંસવૃત્તિ ધરાવતા શાસકો ગોઠવાઇ ગયા હોય તેમ નથી લાગતું ? ગુજરાતમાંથી નડતરરૂપ અને નકારાત્મક તાકાતો દૂર કરવાની જવાબદારી આ લોકોની હોય તો શાસકોએ ખુદે ખુદને મારવા પડે તેમ નથી લાગતું ? શાસકોની જ કુવૃત્તિના કારણે નકારાત્મકતા વધારે બળવતર બની છે, તેમની પાસે શુધ્ધિકરણની આશા રાખવી જ અસ્થાને છે.
તો કોણ શુધ્ધ કરશે ? મીડિયા...? સામાજિક ગંદકીનું કેન્દ્ર બિન્દુ જ મીડિયા બની ગયા છે, તેની પાસે અપેક્ષા રાખી ન શકાય. તો નકારાત્મકતા અને નડતર કોણ સ્વાહા કરશે...?
ભારત લોકશાહી દેશ છે. એક શબ્દ છે, જનતા જનાર્દન. જનાર્દન શબ્દનો અર્થ ખબર છે...? જનાર્દન એટલે વિષ્ણુ. સર્વશકિતમાન અને પુર્ણપુરૂષોત્તમ વિષ્ણુ. જનતા એટલે લોકો. જનતામાં પણ નકારાત્મકતા છે, પણ વિહંગાવલોકન કરો તો તેમજ અને સકારાત્મકતા અનેકગણી વધારે છે. વાસ્તવમાં એ જ જનાર્દન છે. ધર્મ લોકોના ટોળાના કારણે શકિતશાળી છે. સત્તાધીશો લોકોના મતથી ખુરશી પર છે. મીડિયા પણ ટીઆરીપીના જોરે વટ મારે છે. જનતા જનાર્દન આ ત્રણેયને સીધા દોર કરવા સક્ષમ છે. ત્રણે જવાબદારીથી સક્રિય બને તો નકારાત્મકતા સ્વાહા થાય.
જનાર્દને નિર્ણાયક હોળી ખેલવી જરૂરી છે. ગંદકી સ્વાહા કરીને રંગાઇ જઇશું રંગમાં....
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
