<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ઇફતારઃ રાજકીય છપ્‍પન ભોગ!

બિહારમાં નીતિશની ઇફતાર પાર્ટીનો બહિષ્‍કારઃ દરેક પક્ષોના મુજરાઃ ભાજપ પણ ...

બિનસાંપ્રદાયિક શબ્‍દ રાજનીતિમાંથી ગાયબ થઇ ગયો છે. અત્‍યાર સુધી આ શબ્‍દ હેઠળ હિન્‍દુ સમુદાયને અન્‍યાય અને લઘુમતીઓને મોજે દરિયા હતા. રાષ્‍ટ્રીયસ્‍તરે મોદી યુગ શરૂ થતા બિનસાંપ્રદાયિક શબ્‍દ રાજનીતિમાંથી લગભગ ગુજરી ગયો  છે.

જો કે આ શબ્‍દ વગર પણ લઘુમતીઓ સમક્ષ મુજરા બંધ થયા નથી. હાલ ઇફતાર પાર્ટીનો વિવાદ સપાટી પર આવી ગયો છે. બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર દ્વારા આયોજિત ઇફતાર પાટીનો બહિષ્‍કાર ઇસ્‍લામિક સંસ્‍થા ઓએ કર્યો છે. વિગતો એવી મળે છે કે, વકફ બોર્ડમાં સંશોધન કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે. એન. ડી. એ. ના સાથીદાર હોવાના નાતે નીતિશકુમારે પણ કેન્‍દ્રના નિર્ણયને  સમર્થન કર્યુ છે. આ કારણે ઇસ્‍લામિક સંસ્‍થાઓએ નીતિશકુમારની ઇફતાર પાર્ટીનો બહિષ્‍કાર કર્યો છે.

ઇફતાર ધાર્મિક પરંપરા છે. રોજા રાખનારા લોકોને સાંજ બાદ ભોજન કરાવવામાં આવે છે હિન્‍દુ - જૈન ધર્મોમાં ઉપવાસ બાદ પારણા કરાવીને પુણ્‍ય મેળવવામાં આવે છે, તેમ આ ઇફતાર પાર્ટીનો ભાવ છે. જો કે કટ્ટરવાદીઓના કબ્‍જાના કારણે ઇફતાર પાર્ટીઓ વર્ષોથી રાજકીય છપ્‍પનભોગ જેવી બની ગઇ છે. આવી પાર્ટીઓમાં ધાર્મિકતા જેવું તત્‍વ દેખાતું નથી.

રાજકીય પક્ષોને પણ આવો માહોલ ફાવે છે. લોકહિત તથા રાષ્‍ટ્રહિતના કામ કરીને લોકોના દિલ જીતવાની ત્રેવડ કોઇ પક્ષની રહી નથી. આ કારણ ઇફતાર જેવા મુજરા કરીને રાજકીય પક્ષો મત મેળવવાનો પ્રયાસ કરે છે. ઇસ્‍લામિક નેતાઓ પણ  રાજકીય ઇફતારમાં ઉપકાર કરતા હોય તેવા ભાવથી આવે છે.

ભારતમાં રાજકીય પક્ષો તથા સરકારો દ્વારા ઇફતાર પાર્ટી યોજવાની પરંપરા થઇ ગઇ છે. આવી પાર્ટીઓિમાં સેટિંગ થતા હોય છે. એક ભાજપ- શિવસેના જેવા પક્ષો આવી પાર્ટીઓનો બેફામ વિરોધ કરતા હતા. હવે અન્‍ય પક્ષોની જેમ ભાજપ પણ પડદા પાછળ મુજરા કરવા લાગ્‍યો છે.

જો કે હવે જાગૃતિનો સમય છે. જ્ઞાતિ - ધર્મ કે પ્રાંતના નામે મતદારોના ટોળા ઓછા ઉભરાય છે. કોઇ એક નેતાના હાથમાં પાવર રહ્યો નથી. એક નેતુ બોલે અને લાખો લોકો ઉમટી પડે તેવી ઘટના અપવાદ બની ગઇ છે. આ કારણે એકાદ ધાર્મિક નેતુ સાચવી લેવાથી કામ બનતું નથી. જો કે રાજકારણીઓ કે સરકારો પોતાના ખર્ચે ઇફતાર કરતા નથી. તેઓ માટે તો લાગ્‍યું તો બાણ, નહિ તો થોથા જેવી માનસિકતા હોય છે.

વાસ્‍તવિકતા એ છે કે ધર્મનું કામ રાજનીતિને પણ નૈતિકતા અને ધર્મ શીખવવાનું છે. ધર્મના નામે રાજકીય ઇફતારો થાય અને તેનો બહિષ્‍કાર પણ રાજકીય દૃષ્‍ટિકોણથી થાય છે. આ બધું વિચિત્ર નથી? દેશના સમાજના તમામ ક્ષેત્રોના શુધ્‍ધિકરણની જવાબદારી અને તાકાત ધર્મક્ષેત્ર પાસે છે, પણ આ ક્ષેત્ર ખુદ બગડી ગયું હોય તો તેને કોણ શુધ્‍ધ કરશે? ધર્મક્ષેત્રના શુધ્‍ધિકરણની તાકાત જે તે ધર્મના અનુયાયીઓ ફોલોઅર્સમાં હોય છે. રાજકીય નેતા જેવા બની ગયેલા ધર્મના ઠેકેદારોના બહિષ્‍કાર થવા જરૂરી છે. આવુ થશે તો જ ધર્મ શુધ્‍ધ થશે.

(11:45 AM IST)