<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

સહન ન કરો, સવાલો ઉઠાવો

ટોલ ટેકસ અને ટ્રાફિક નિયમોના નામે સરકારી લૂટફાટઃ તીવ્ર આક્રોશ જરૂરી

કેન્‍દ્રિય પ્રધાન નીતિન ગડકરી પોતાના અન્‍ય નેતાની જમાત કરતા અલગ દેખાડવા વિવાદી નિવેદનો કરતા રહે છે. જો કે ગડકરી પોતે જ અન્‍ય નેતાઓ કરતા વધારે બેફામ હોય તેમ લાગે છે. માર્ગ - મકાનના નામે દેશભરમાં સરકાર દ્વારા બેફામ ઉઘરાણા ચાલે છે. લોકો મુંગા   અધધ ટોલ ટેકસ ચુકવી દે છે. આ સામે અસંખ્‍ય સ્‍થાને હાઇવેની દશા સારી નથી. અકસ્‍માતોમાં હજારો લોકોના જીવ જાય છે. આ અંગે ગડકરી અને તેનું તંત્ર કંઇ જ ઉકાળતું નથી.

જાહેર થયેલા આંક પ્રમાણે સરકારે પાંચ વર્ષમાં રૂા. બે લાખ કરોડ તો માત્ર ને માત્ર હાઇવેના ટોલ ટેકસ તરીકે વસુલ્‍યા છે. બેફામ ઉઘરાણાને કોઇ બ્રેક નથી આ ઉઘરાણામાં ગુજરાતના ટોલનાકાના સિંહફાળા રહ્યા છે.

માત્ર ગુજરાતના જ દૃષ્‍ટિકોણથી વિચારીએ તો સોૈથી વધારે ટોલ ટેકસ ચુકવવામાં ગુજરાત બીજા સ્‍થાને છે. હજુ પણ તોતીંગ ટોલ ટેકસ ચુકવે જ છે. ટોલ અંગેના સરકારના નિયમોનું પાલન ગુજરાતીઓ ડાહયા ડમરા થઇ ને કરે છે. સવાલ એ છે કે, ગુજરાતીઓને શ્રેષ્‍ઠતમ હાઇવે સુવિધા પ્રાપ્‍ત છે? તૂટેલા માર્ગો, હાઇવે પર રખડતા ઢોર, ટોલનાકે પણ દાદાગીરી જેવું વર્તન, તથા અસંખ્‍ય જીવલેણ અકસ્‍માત.. આ બધું રોકવા સરકારે શું કર્યુ? કંઇ નહી.

આ ઉપરાંત ગુજરાતના શહેરોમાં પણ ટ્રાફિક વ્‍યવસ્‍થાના ઠેકાણા નથી. દરરોજ અસંખ્‍ય અકસ્‍માતો થાય છે. ચારેબાજુ ટ્રાફિક જામ લાગે છે. ટ્રાફિક તંત્ર ભ્રષ્‍ટાચારમાં લથબથ છે. લોકો ત્રાહીમામ છે. આ બધુ સુધારવાને બદલે ટ્રાફિક  વ્‍યવસ્‍થાને નામે વાહન ચાલકો પાસેથી માત્ર ને માત્ર કરોડો રૂપિયાના દંડ ઉઘરાવવામાં આવે છે. ટ્રાફિક શ્રેષ્‍ઠ બને તે માટે ગુજરાતના એક પણ શહેરમાં શ્રેષ્‍ઠતમ કાર્ય થયું નથી.

આવા તંત્રને સરકારની લૂટવૃતિને સહન કરવાનો કોઇ મતલબ નથી. ગડકરીથી માંડીને ભૂપેન્‍દ્રભાઇ સરકાર સુધીનાને લોકોએ સ્‍પષ્‍ટ ચેતવણી આપવી જોઇએ કે ગુજરાતીઓ  રૂપિયાથી ધરવી દેવામાં પાછા નહી પડે, શ્રેષ્‍ઠ માર્ર્ગો અને શ્રેષ્‍ઠ ટ્રાફિક વ્‍યવસ્‍થાઓ આપે! 

હાઇવેથી માંડીને શહેરની ટ્રાફિક દશા ન સુધરે ત્‍યાં સુધી ગુજરાતમાં ટોલટેકસ અને ટ્રાફિક નિયમોના તમામ પ્રકારના દંડનો બહિષ્‍કાર થવો  જોઇએ  સરકાર કેટલા સામે પગલા લઇ શકશે? વર્તમાન નેતાઓમાં હિંમત નથી. લોકો મેદાનમાં આવે એટલે નેતાગીરી બેન્‍ડ વળી જશે.

હાલ તો ગુજરાતીઓ મુરખ બની રહ્યા છે. સોૈથી વધારે ટોલટેકસ- ટ્રાફિક દંડ આપીને ટ્રાફિકની- માર્ગોની ભયાનક અસુવિધા ભોગવે છે. વધારે પૈસા આપે છે અને માર્ગો પર જિંદગી પડીકા વળી જાય છે. નેતાઓને સહન કરવાનું બંધ કરો ચમત્‍કાર વગર નમસ્‍કાર નથી. લોક આક્રોશ જ સરકાર અને તંત્ર ને જવાબદાર બનાવી શકશે.

(10:46 AM IST)