News of Thursday, 10th April 2025
વિપક્ષઃ ગુલાબથી ગુલકંદ...
ગુજરાતમાં આપે ગુલાબસિંહને સહપ્રભારી બનાવ્યાઃકોંગ્રેસે અધિવેશનમાંઅનામતનો ગુલકંદ તૈયાર કર્યો...
તાલાલા ભાજપના પ્રમુખ ખુદ દારુ પીને ડીંગલ કરતા ઝડપાયા. ભાજપે રાજીનામું લેવું પડયું. થોડા દિવસ પૂર્વે ધોરાજી નગરપાલિકાના પ્રમુખપદે વરાયેલા સંગીતા બારોટનો બીયર પીને ગાંજો ફુંકતો વીડિયો જાહેર થતા રાજીનામું આપવું પડયું. વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સીલરના પતિએ એન્જીનીયરને જાહેરમાં લાફો ઝીંકી દીધો...
ગુજરાતમાં ભાજપ ખુદના વાડામાં જ દબાઇ ગયો છે. આ સ્થિતિ વિપક્ષ માટે સર્વોત્તમ ગણાય. વિપક્ષ સ્થિતિનો લાભ લેવાને બદલે વિચિત્ર રણનીતિ દાખવી રહ્યા છે. રાજયમાં વિપક્ષ સક્રિય બની રહ્યો છે, પરંતુ સક્રિયતા દીશાહીન જેવી છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ગુલાબસિંહ યાદવની સહ પ્રભારી તરીકે નિમણુક કરી છે. આ નેતા અનેક વિવાદોમાં ફસાયેલા છે. વિવાદી વ્યકિતત્વના કારણે પાર્ટીએ તેમની ધારાસભાની ટિકીટ રદ કરી હતી. આ વ્યકિતત્વને ગુજરાત પર ઠોકી બેસાડયું છે.
આપના ગુલાબ સામે કોંગ્રેસે અનામતનું ગુલકંદ બનાવ્યું છે. આમ આદમી પાર્ટી કરતા હાલ ગુજરાતમાં કોંગ્રેસને કંઇક કરી દેખાડવાની તક છે. જો કે તાજેતરના અધિવેશનમાં કોંગ્રેસે જે મુદ્્ા ઉઠાવ્યા તે ગુજરાતને અનુકુળ લાગે છે...? વકફ ખરડાની ચર્ચા વખતે રાહુલ-પ્રિયંકા - કોંગ્રેસ ગૃહમાં મૌન રહ્યા અને અધિવેશનમાં વકફ મુદ્્ે ભાજપ વિરોધી બેફામ ભાષણ રાહુલે આપ્યું. કોઇ રણનીતિ કોંગ્રેસ પાસે દેખાતી નથી. ગુજરાતમાં તો માહોલ જ અલગ છે. વકફની તરફેણ કરીને ગુજરાતીના મત મળે ? રાહુલ ગોટે ચઢેલા નેતા છે.
રાહુલે ભાષણમાં અનામતનું ગજબનું ગુલકંદ બનાવ્યું હતું. ઓબીસી વોટબેંક માટે રાહુલ ખૂબ પ્રયત્નો કરે છે. બંધારણને હાથમાં લઇને ફરતા રહે છે. જો કે આ ઝૂંબેશનો કોઇ પ્રભાવ મતદારો પર પડયો નથી. અધિવેશનમાં રાહુલે ગરમા-ગરમ ભાષણ આપીને અનામતનો મુદ્્ો ઉછાળ્યો હતો.
જો કે રાહુલ ભગા સ્પેશિયાલીસ્ટ નેતા છે. દલિતો માટેના ભાષણ બાદ રાહુલ-સોનિયા સોફા પર ગોઠવાયા હતા અને બાજુમાં સામાન્ય ખુરશી રાખીને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને બેસાડયા હતા. ભાજપે આ તક ઝડપી લીધી અને વીડિયો વાયરલ કરીને કહ્યું કે રાહુલ દલિત નેતાનું અપમાન કરે છે. કોંગ્રેસના પ્રવકતાઓ પણ આ મામલે ગેંગેફેફે થઇ ગયા હતાં.
ગુજરાતમાં વિપક્ષ માટે અપાર તક છે, પરંતુ અવાસ્તવિક, વિચિત્ર અને અપાજય મુદ્્ાઓ ઉઠાવીને વિપક્ષો પોતાની વેલ્યુ ઓછી કરે છે. કોંગ્રેસ માટે આ સમય કામ કરી દેખાડવાનો છે. તાકાતનું પ્રદર્શન કરવાનો છે. વિપક્ષથી શાસકો ફફડવા જોઇએ, પણ અધિવેશન બાદ કોંગ્રેસ ખુદ ખુલાસા કરતી નજરે પડી હતી.
કોંગ્રેસ વૈચારિક બકવાસ કરવાને બદલે ગુજરાતમાં માત્રને માત્ર લોકપ્રશ્નો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર જ ફોકસ કરે તો લાભ થાય તેમ છે. આ માટે રાહુલ-પ્રિયંકાની બૌધ્ધિકતા કે માર્ગદર્શનની પણ જરૂર નથી. ભાજપના વિચારનો વિરોધ કરવાને બદલે ભાજપને ઉઘાડો પાડવો સરળ છે. (પ-ર)
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
