News of Wednesday, 16th April 2025
સોૈરાષ્ટ્રને સ્ટાલીનની જરૂર!
ફાલતુ અધિકારીઓ-નેતાઓ સોૈરાષ્ટ્ર પર ઠોકી બેસાડાય છેઃ અલગ સોૈરાષ્ટ્ર જરૂરી
પ્રાંતવાદ ભારતીય લોકશાહીનું ઝેર છે. પ્રાંતવાદથી રાષ્ટ્રભાવના ક્ષીણ થઇ જાય છે. જો કે કોઇ વિસ્તાર સતત અન્યાય સહેતો હોય તો અનિવાર્ય પણે પ્રાંતવાદ ચલાવવો પડે છે.
તામીલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીન હાલી નીકળા છે. તેઓ પ્રાંતવાદના હળાહળ ઝેરની રાજનીતિ ધમધમાવી રહયા છે. ભાષાથી માંડીને પરંપરાનું ઝેર ફેલાવી રહયા છે. ગઇકાલે સ્ટાલીન સરકારે તામીલનાડુને સ્વાયત રાજય બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સ્ટાલીન સરકાર ડીએમકેની છે. ડીએમકે પાસે કોઇ ગોૈરવવંતી સિધ્ધિ નથી. સ્ટાલીને રાજકીય મજબૂતી માટે પ્રાંતવાદનું ભયાવહ ગતકડું ચલાવ્યું છે. આ ગતકડામાં તમીલ લોકો ફસાય પણ જાય છે. વર્ષોથી તામીલનાડુમાં હળાહળ પ્રાંતવાદ ચાલે છે. આ રાજયમાં દેશથી અલગ થવાની વાતો પણ થાય છે.
આગળ કહયું તેમ પ્રાંતવાદ ઝેરી પ્રવૃતિ છે, પણ કોઇ વિસ્તારને સતત અન્યાય થતો હોય છે. વિસ્તારની અવગણના થતી હોય તો પ્રાંતવાદ અનિવાર્ય બની જાય છે.
આપણા સોૈરાષ્ટ્ર પર નજર કરો. આ વિસ્તારનો ગુજરાતમાં સમાવેશ થાય છે, પરંતુ વર્ષોથી અવગણિત વિસ્તાર બની ગયો છે. વધારાના ફાલતુ અધિકારીઓને સોૈરાષ્ટ્રમાં મોજ કરવા અને રોફ જમાવવા મોકલી દેવામાં઼ આવે છે. ગુજરાત સરકાર સોૈરાષ્ટ્ર પર ઉપકાર કરતી હોય તેમ કામ કરે છે. વર્તમાન ગૃહ પ્રધાનને તો સોૈરાષ્ટ્ર નામના વિસ્તારનો પણ ગુજરાતમાં સમાવેશ થાય છે. તેનો ખ્યાલ પણ નહિ હોય.
સોૈરાષ્ટ્રમાં કાયદાના ઠેકાણા નથી. અન્ય જીવલેણ પ્રશ્નો પણ વર્ષોથી લટકી રહયા છે. સોૈરાષ્ટ્રના વર્તમાન સાંસદો- ધારાસભ્યો તથા અન્ય નેતાગીરી માત્ર પક્ષનું કે ખુદનું હિત જુએ છે. ધારાસભામાં કે લોકસભામાં સોૈરાષ્ટ્રનું નેતુ સાવ ડલ પુરવાર થાય છે.
મત મેળવવા માટે અહીં નાના - મોટા નેતાઓના ટોળા ઉમટી પડે છે. અગ્નિકાંડ- પુલકાંડ થયા બાદ જે નેતા આવે છે એ ભીનું સંકેલવા આવે છે. દારૂ- ડ્રગ્સ વગેરેમાં સોૈરાષ્ટ્ર બરબાદ થઇ રહયું છે છતાં મુખ્યમંત્રી-ગૃહમંત્રી કે ડીજીપીને કંઇ પડી નથી. કોઇ ફરિયાદ પણ સાંભળતું નથી. વિકાસકાર્યોમાં પણ દાઠિયા દેવાય છે.
સોૈરાષ્ટ્રનો અવાજ ગાંધીનગરમાં સાંભળવાવાળું કોઇ નથી. સોૈરાષ્ટ્રને અલગ રાજય બનાવવા ભુતકાળમાં ઝૂંબેશ ચાલી હતી, પણ તેનું કંઇ ઉપજયું નથી. હવે નવેસરથી તાકાત સાથે ઝૂંબેશની જરૂર છે. ગાંધીનગરમાં મુજરા કરવાને બદલે તાંડવ કરવાની જરૂર છે.
ગુજરાતમાં ગોઠવાઇ ગયેલા નેતાઓને સોૈરાષ્ટ્રની કંઇ પડી નથી. સોૈરાષ્ટ્રને બરબાદ થતું અટકાવવા નવી નેતાગીરીની જરૂર છે. લોકોને સાથે રાખીને ગાંધીનગર જ નહિ, દિલ્હી પણ ખળભળી જાય તેવી ઝૂંબેશ ચલાવવા સ્ટાલીનની જરૂર છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
