<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

કોઇ શરીફ નથી..

પાકિસ્‍તાનના શરીફ ખાનદાનમાં જ ગરબડઃ એક ભાઇ ધમકી આપે અને બીજો સમાધાન કરવા કહે!

 યુધ્‍ધની સ્‍થિતિમાં લાગણીવેળા અને વ્‍યકિતગત ફાયદા-નુકસાનને  કોઇ સ્‍થાન હોતું નથી. આવા બધાં ભાવોથી ઉપર ઉઠીને રાષ્‍ટ્રવાદ જ હાવી હોવો જોઇએ. પાકિસ્‍તાન સાથે સર્જાયેલી તનાવની સ્‍થિતિ બાદ બંને દેશો વચ્‍ચે વ્‍યાપાર સ્‍થગિત થઇ ગયો છે. આ સ્‍થિતિમાં ભારતમાં અમુક તત્‍વો વિચિત્ર વાતો કરી રહ્યા છે. મીડિયામાં અહેવાલો આવે છે કે,વ્‍યાપાર બંધ થતા સુકામેવા મોંઘા થવા લાગ્‍યા. મીઠાઇ પણ મોંઘી થશે. આવા અહેવાલથી દેશની માનસિકતા નબળી પડે છે. આવા તત્‍વોને પૂછવું જોઇએ કે દેશની સુરક્ષા મહત્‍વની છે કે, મીઠાઇ?

યુધ્‍ધની સ્‍થિતિમાં અસર આડઅસર બંને તરફ તીવ્ર પણે થવાની જ હોય છે, રાષ્‍ટ્ર માટે સહન કરવા તૈયારી ન હોય એ સમુદાયને ઉત્તમ રાષ્‍ટ્ર કયારેય પ્રાપ્‍ત ન થાય.

ભારત સાથે તનાવનો માહોલ સર્જાતા પાકિસ્‍તાન તો રીતસર ફફડી ગયું છે. પાકિસ્‍તાન સરકાર તેના નાગરિકોનું પેટ ભરવા પણ સક્ષમ નથી અને યુધ્‍ધ ખેલવાના ગોકીરા કરી રહી છે. જગજાહેર છે કે, પાકિસ્‍તાનમાં નેતાઓ માત્ર મોહરા જ છે, ત્‍યાંનું શાસન સૈન્‍ય અને ત્રાસવાદી ટોળકીઓના હાથમાં છે.

પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેના પ્રધાનો ભારત વિરૂધ્‍ધ બેફામ નિવેદનો આપે છે. અણુ હુમલાની ધમકીઓ પણ આપવા લાગ્‍યા છે. દેશ ભૂખે તરસે મરે છે. અને નેતાઓ બેજવાબદાર  બનીને લવારા કરે છે. શાહબાઝ શરીફના મોટાભાઇ પાક. ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આ સ્‍થિતિ જોઇને દોઢ ડાહયા થયા છે.

નવાઝ શરીફે પાક. સરકારને સલાહ આપી છે કે, ભારત સામે તનાવ ન સર્જો સુલેહથી વિવાદો ઉકેલો. શરીફ દેખાતા તત્‍વો  વાસ્‍તવમાં કેટલા શરીફ હોય છે? નવાઝ શરીફ પાકના વડાપ્રધાન હતા ત્‍યારે ભારતમાં લોહિયાળ આતંકી હુમલા થતા હતા. બંને દેશો વચ્‍ચે તનાવ પરાકાષ્‍ઠાએ પહોંચી ગયો હતો. આ સમયે નવાઝ શરીફ પણ પાક સૈન્‍યની કઠપૂતળી બનીને નાચતા હતા. હવે દોઢ ડાહયા થવા પ્રયાસ કરે છે. આ પણ એક ટ્રીક છે. શરીફ ખાનદાન આંતરરાષ્‍ટ્રીય વ્‍યવસાયી જૂથ છે. વ્‍યવસાયી લાભ માટે યુધ્‍ધથી માંડીને આજીજી કરવાના ખેલ કરી નાખવા તૈયાર હોય છે.

ભારત સામે સ્‍વમાન અને સુરક્ષાનો સવાલ હોય ત્‍યારે આવી એક પણ ટ્રીકમાં સરકાર કે નાગરિકોએ ફસાવું  ન જોઇએ. ભારતે તેના ધ્‍યેયમાં નક્કર રહેવું જોઇએ. કોઇ શરીફ નથી, તેમ માનીને દુશ્‍મનોના દાંત ખાટા કરી નાખવા જોઇએ.

મીઠાઇ  મોંઘી થશે, સુકો મેવો નહી મળે, મસાલા મોંઘા થશે... આવી વાતો રાષ્‍ટ્રવાદ સામે વેવલાઇ ગણાય. જવાનો દેશ માટે શહીદી વહોરવા તૈયાર હોય છે, નાગરિકો દેશ માટે અમુક વસ્‍તુ થોડો સમય ત્‍યાગી ન શકે?  (૩.૨)

(9:56 AM IST)