<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

ચોમાસુ આગાહીકારોની ગુજરી બજાર!

ગુજરાતના મીડિયામાં વિવિધ પ્રકારના વરસાદી નિષ્‍ણાતો ફૂટી નીકળ્‍યાઃ ગંભીરતાનો અભાવ

 

ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડાઇ ગયો છે. એક દાયકાના ચોમાસાનો અભ્‍યાસ કરો તો ખ્‍યાલ આવશે કે ગુજરાતમાં વાવાઝોડાનું પ્રમાણ વધી ગયુ છે. આ સામાન્‍ય બાબત નથી એક અનુમાન પ્રમાણે દરિયાઇ તાપમાનમાં બે ડીગ્રી જેટલો વધારો થયો છે તેથી વાવાઝોડા વધ્‍યા છે અને ઋતુચક્ર ડિસ્‍ટર્બ થયું છે. આ અંગે ઊંડાણથી અભ્‍યાસ થવો જોઇએ, પરંતુ નિષ્‍ઠાપૂર્વકના સંશોધનોનો પૂર્ણ અભાવ છે. હવામાન વિભાગમાં થોડો સુધારો થયો છે, પરંતુ પરપ્રાંતીય અધિકારીઓ વરુણદેવ જેવા બનીને ટીવી પડદે પ્રગટ થાય છે. અને સામાન્‍ય પ્રકારની આગાહીઓ બ્રહ્મજ્ઞાન આપતા હોય તેમ રજૂ કરે છે. શંશોધનો અને સટિક અનુમાનોનો અભાવ છે.

આ સામે ગુજરાતમાં ખાનગી આગાહીકારોના રાફડા ફાટ્‍યા છે. આ ક્ષેત્રે ગુજરી બજાર જેવી દશા બની ગઇ છે. રાજયસ્‍તરે એક-બે નિષ્‍ણાતો ને બાદ કરતા મોટાભાગના આગાહીકારો છીછરા જ્ઞાનમાં મોટા ધૂબાકા મારે છે.

આપણી પરંપરામાં અનેક પધ્‍ધતિઓથી વરસાદની આગાહીઓ થાય છે. આ મામલે શાસ્‍ત્રોનો ગહન અભ્‍યાસ જરૂરી હોય છે. અભ્‍યાસ કર્યા બાદ સચોટ અનુમાનો માટે સ્‍વઅનુભવ પણ લાંબા ગાળાનો હોવો જોઇએ. આટલું  કર્યા બાદ નિઃસ્‍વાર્થભાવથી  વ્‍યાપકહિતમાં આગાહી કરવાની હોય. હાલના મોટાભાગના આગાહીકારો છીછરું જ્ઞાન ધરાવે છે. પ્રસિધ્‍ધિના મુખ્‍ય ઉદ્‌ેશ સાથે આગાહી કરે છે.

ન્‍યૂઝ સેન્‍સ વગરના ગુજરાતી મીડિયા આવા આગાહીકારો ને મહાન હીરા બનાવી દે છે. થયેલી આગાહીને અતિશયોકિત સાથે પડદા પર રજૂ કરી દે છે. તાજેતરમાં થયેલી આગાહીઓના હેડિંગની ઝલક જુઓ.

‘‘ગુજરાત આખું તણાઇ જશે'' ‘‘ગુજરાતમાં વાવાઝોડું વિનાશ વેરી દેશે.'' ‘‘ગુજરાતે કયારેય ન જોયું હોય તેવું વાવાઝોડું ત્રાટકશે.'' આવા શબ્‍દો કે વાત આગાહીકારોની હોતી નથી. સ્‍ટુડિયોમા ગોઠવાઇ ગયેલા કહેવાતા કરમવીરો દોઢા થઇ ને અઢી ગણી આગાહી રજૂ કરી દે છે. ટીઆરપીની લ્‍હાયમાં ફાલતું આગાહીકારોને મહાન દેખાડવા લાગે છે.

આ ક્ષેત્રે ગંભીરતાનો દુકાળ પ્રવર્તે છે. છેલ્‍લા બે પાંચ વર્ષમાં ગલીએ- ગલીએ આગાહીકારો પ્રગટી ગયા છે. અને એકાદ મીડિયામાં ગોઠવાઇ જાય છે. સ્‍થિતિ વખાણવા જેવી નથી.

ગુજરાત ગમે તેટલી ઓૈધોગિક પ્રગતિ કરે, પણ અર્થતંત્રનો મુખ્‍ય આધાર કૃષિ જ છે. કૃષિનો આધાર વરસાદ પર છે. આગાહીની વેલ્‍યુ ખુબ હોય છે. અનુમાનો પ્રમાણે વર્ષનું આયોજન થતું હોય છે. આ કારણે આગાહી ગંભીરતાથી અને જવાબદારીપૂર્વક થવી જોઇએ.

એકાદ આગાહી સાચી પડે તો મીડિયા અને આગાહીકાર જસ લેવા ઉછળકુદ કરવા લાગે છે. કયારેક  આગાહીકાર અને મીડિયાની ખોટી પડેલી આગાહીઓનું  લીસ્‍ટ પણ પડદા પરથી રજૂ થવું જોઇએ. આટલા આગાહીકારો ઓછા હોય તેમ બાબા વેંગાના નામે પણ મીડિયા હાલી નીકળ્‍યા છે. આગાહીઓના ઘુઘવતા ઘોડાપુર અંગે નિયમો- કાયદા જરૂરી છે. મીડિયામાં પણ ન્‍યૂઝ સેન્‍સ આવે તેવી પ્રાર્થના.

(10:14 AM IST)