<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

કોંગ્રેસની મિસાઇલ ઘરમાં જ ફૂટી!

ઓપરેશન સિંદૂર મુદ્‌ે અંદરોઅંદર બઘડાટીઃ શશિભાઇનો વૈચારિક બળવો

અસંખ્‍ય રાષ્‍ટ્રીય સમસ્‍યાઓ પડતી મૂકીને કોંગ્રેસને જ નુકસાન થાય તેવા મુદ્‌ા ઉઠાવવાની રાહુલ ગાંધીની ટેવ પક્ષ માટે ઘાતક બની ગઇ છે. દેશ ભવિષ્‍ય માટે ગંભીર બન્‍યો છે ત્‍યારે રાહુલભાઇ ભુતકાળના ચકરડામાં જાણી જોઇને અટવાઇ રહયા છે. સાવકરનો વિરોધ કરીને વિલન બન્‍યા બાદ આ પ્રકરણ બંધ કરવામાં સક્રિય થવાને બદલે રાહુલે સાવરકર સાથે ગોડસે અને મુસ્‍લિમોને જોડીને કોંગ્રેસ માટે વધારે મુશ્‍કેલ સર્જી દીધી છે.

રાષ્‍ટ્રીય-રાજકીય પ્રવાહો ને ઓળખવામાં રાહુલ અને કોંગ્રેસ સતત થાપ ખાઇ રહયા છે. ઓપરેશન સિંદૂર મામલે પણ પક્ષની આવી જ દશા છે. આ મુદો જેટલો ચગે તેટલો ભાજપના રાજકીય લાભ થાય. કોંગ્રેસે રાજકીય સલુકાઇથી  સિંદૂર મુદાને ટાળવો જોઇએ.

આશ્‍ચર્ય એ છે કે, ઓપરેશન સિંદૂર મુદાને કોંગ્રેસ જ હવા ભરી રહી છે. ઓપરેશન મામલે મોદી સરકારને ભીડવી દેવાના પ્રયાસમાં કોંગ્રેસ અને રાહુલ સૈન્‍ય અને દેશ વિરોધી સાબિત થઇ રહયા છે.

કોંગ્રેસ રાજકીય આપઘાતના માર્ગે હોય તેવું સ્‍પષ્‍ટ લાગી રહયું છે. ઓપરેશન સિંદૂર મુદ્‌ે તો પક્ષની ગજબ દશા થઇ છે. કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા શશિ થરૂરે  વૈચારિક બળવો કરીને મોદી સરકાર અને સૈન્‍યની ખુલ્લેઆમ સરાહના કરી છે. કોંગ્રેસ ઓપરેશન સિંદૂર સામે સતત સવાલો ઉઠાવે છે અને શશિભાઇ તેના સટીક જવાબો આપે છે. 

મિસાઇલ વિરોધીઓ પર ફૂટવી જોઇએ, કોંગ્રેસની મિસાઇલ ઘરમાં જ ફૂટી રહી છે. પક્ષના ફૂરચા ઉડી રહયા છે. કોંગ્રેસના પ્રવકતાઓ શશિ થરૂર સામે જ બેફામ બનવા લાગ્‍યા છે. એક કોંગી પ્રવકતાઓ તો શશિભાઇને ભાજપના સુપર પ્રવકતા તરીકે સંબોધવા લાગ્‍યા છે.

કોંગ્રેસની દશા વિચિત્ર બની ગઇ છે. રાહુલ ગાંધીના કારણે પક્ષ સતત સામા પ્રવાહે ચાલવા મજબુર બન્‍યો છે. હિન્‍દુત્‍વ, કાશ્‍મીર મુદ્‌ો, વકફથી માંડીને રામમંદિર- ઓપરેશન સિંદૂર વગેરે રાષ્‍ટ્રીય પ્રવાહોના સ્‍ટ્રોંગ મુદ્‌ાઓ છે. આ મુદાઓ સાથે પક્ષ સહમત ન હોય તો પણ આ સ્‍ટ્રોંગ મુદે વિરોધ અભિયાન ન ચલાવાય. પક્ષને નુકસાન થાય એ સામાન્‍ય માણસ પણ સમજી  શકે તેવી બાબત છે. કોંગ્રેસ ધરાર અભિયાન ચલાવે છે. આ કારણે પક્ષનો જનાધાર સતત ઘટતો જાય છે.

છેલ્લા દોઢ દાયકાથી રાહુલ ગાંધી ફૂલ પાવર સાથે રાજનીતિમાં છે. તેમનું વ્‍યકિતત્‍વ ઉભરી શકયું નથી. મોદીજી સાથે તુલના તો બહુ દુરની બાબત છે, પ્રાદેશિક પક્ષોના મમતા, અખિલેશ, શરદ પવાર, વગેરે પણ રાહુલ કરતા વધારે પાવરમાં હોય તેમ લાગવા માંડયું છે.

શશિ થરૂરને કોંગ્રેસ ભાજપના સુપર પ્રવકતા ગણાવી રહયા છે, પરંતુ એવું લાગી રહયું છે કે, ભાજપને વધારેમાં વધારે મજબૂત બનાવવા માટે જાણતા- અજાણતા રાહુલ ગાંધી મોટું યોગદાન આપી રહયા છે.

(11:56 AM IST)