તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 13th June 2025
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વિમાન દુર્ઘટનાઃ ૨૬૮ જિદંગી સ્વાહાઃ અલવિદા, વિજયભાઇ..
પ્રચંડ આઘાત, સ્તબ્ધતા, આંસુ, આક્રંદ અને કાળ સામે લાચાર દશા.. ગઇકાલે ગુજરાતની આવી સ્થિતિ બની હતી. અમદાવાદથી લંડન જવા ઉપડેલું પ્લેન ટેક ઓફ થતા જ રહસ્યમય રીતે અમદાવાદમાં જ તૂટી પડયું...
ક્ષણવારમાં જ આગનો ગોળો બન્યું અને અનેક જિંદગીઓ આંખના પલકારામાં જ ભસ્મ બની ગઇ. મેડિકલ છાત્રોની હોસ્ટેલ અને તબીબી નિવાસ પર આ વિમાન તૂટી પડયું હતું. વિમાન મોત બનીને આવ્યું હતું. ચારેબાજુ આગ-કાટમાળ-કણસતી જિંદગી અને મોતનું તાંડવ.
કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય તેવી આ ઘટના હતી. વિચાર કરો, ઘટનાના ભોગ બનેલાની અંતિમ ક્ષણ કેવી હશે? અકલ્પનીય દુર્ઘટનાએ ભારત ને ખળખળાવી દીધું છે. વિમાની સેવાઓ પર સવાલો સર્જાવા લાગ્યા છે. ગઇકાલની દુર્ઘટનામાં અનેક મહાનુભાવોથી માંડીને બાળકો-વડીલોની જિંદગી સ્વાહા થઇ ગઇ છે. દુર્ઘટના એટલી કૃર હતી કે, વિમાનમાં સવાર કમનસીબ લોકોના શરીર પણ ઓળખવા મુશ્કેલ બન્યા છે.
સમગ્ર દુર્ઘટનાની તપાસના આદેશો અપાયા છે. રિપોર્ટ આવતા સમય લાગશે, પણ કરુણતા એ છે કે,DNA ટેસ્ટ દ્વારા મૃત કોની ઓળખ કરવી પડશે, જેમાં પણ ત્રણ-ચાર દિવસ થઇ જશે.
વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પંજાબ ભાજપના પ્રભારી અને રાજકોટના આદરપાત્ર નેતા વિજયભાઇ રૂપાણીનું પણ નિધન થયું છે. આ ઘટના પૂરી ન શકાય તેટલી મોટી ખોટ છે. વિજયભાઇનું સરળ-સાલસ-અનુભવી અને સોૈમ્ય વ્યકિતત્વ નજર સમક્ષ તરવરતું રહે છે. સતત સંઘર્ષ કરીને તેઓએ સામાન્યથી અસામાન્ય તરફ ગતિ કરી હતી. મુખ્યમંત્રી પદ સુધી પહોંચીને સામાન્ય કાર્યકરો માટે તેઓ પ્રેરક બન્યા હતા.
ગુજરાતમાં રૂપાણી સરકાર રચાયા બાદ રાજકોટમાં ધમધોકાર વિકાસકાર્યો થયા હતા. સોૈરાષ્ટ્રનું નેતૃત્વ વજનદાર બન્યું હતું. તેઓના નેતૃત્વમાં વિકાસ કાર્યોનો ઇતિહાસ રચાયો હતો. રાજનીતિના ચઢાવ ઉતારમાં વિજયભાઇ રૂપાણી સતત પાર્ટી લાઇનમાં જ રહયા હતા મોટા પદ પર બિરાજમાન થયા બાદ પણ નાના માણસને ભૂલ્યા ન હતા. આ તેમના નેતૃત્વની વિશેષતા હતી.
વિજયભાઇ આપણી વચ્ચે નથી, તે વાત મન હજુ માનવા તૈયાર નથી, તેમના નામની આગળ સ્વ. શબ્દ લખવાની હિંમત થતી નથી. રાજકોટ-સોૈરાષ્ટ્ર ને મોટું રાજકીય નુકસાન થયું છે.
શોકનો માહોલ છે. દુર્ઘટના અંગે સમીક્ષા કરવાનો સમય નથી. હજુ તપાસ બાદ કારણો જાહેર થશે. સામાન્ય સ્તરથી થોડા ઉપર ઉઠીને વિચારો તો કાળની ગતિ સામે માણસ અને તેની ટેકનોલોજી લાચાર જ હોય. જે બન્યુ તે અતિ દુઃખદ છે, પણ કાળની ગતિ અટકાવવા આપણે સક્ષમ નથી. મૃતકોના આત્માને શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાથના ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
