News of Monday, 16th June 2025
અંતઃ અસ્તિ પ્રારંભ
અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, મહારાષ્ટ્રમાં પુલ તૂટ્યો...
આજે રાજકોટમાં કરુણાનો માહોલ છે. પૂર્વ મુખ્યમંત્રી અને આદરણીય નેતા વિજયભાઇ રૂપાણીને રાજકોટ શ્રધ્ધાંજલી આપી રહયું છે. વિજયભાઇના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. રાજનેતાઓ તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ વિજયભાઇને અંતિમ વિદાય આપી રહયા છે.
અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં વિજયભાઇ રૂપાણી સહિત અંદાજે ૨૯૦ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ લાગેલી આગ એટલી ભયાવહ હતી કે, મૃતકોના દેહની ઓળખ પણ મુશ્કેલ બની છે. હજુ ઘણા કમનસીબ મૃતકોના DNA મેચ થયા નથી.
ગુજરાતથી લંડન જતું એરઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ મિનિટોમાં અમદાવાદ પર તૂટી પડવાની ઘટનાથી દેશ-દુનિયામાં ખળખળાટ ફેલાયો છે. આ દુર્ઘટના અંગે દેશ-દુનિયામાંથી પ્રતિક્રિયા આવી રહી છે.
આ દુર્ઘટના અંગે વિવિધ એજન્સીઓ દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી તપાસ ચાલી રહી છે. આ એજન્સીઓના રિપોર્ટ આવશે ત્યારે ખ્યાલ આવશે. જો કે ગુજરાતમાં રાજકોટના બે અગ્નિકાંડો, મોરબીનો ઝુલતા પુલકાંડ, વડોદરાનો નાવકાંડ વગેરેમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ તપાસના ફિડંલા વળી ગયા છે અને રહસ્યમરૂપે કાંડો ‘‘ પેક'' થઇ ગયા છે. અમદાવાદ પ્લેન ક્રેશનું આ રીતે ફિંડલું ન વળે તેવી અપેક્ષા છે.
આ બધી બાબતોથી થોડા દુર જઇ ને વિચારો તો અગોચર વિશ્વના જાણકારો આગાહી કરે છે કે, વર્તમાન સમય વિશ્વ માટે ભારે છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ ગઇકાલે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું મહારાષ્ટ્રના પુણેમાં ઇન્દ્રાણી નદી પરનો પુલ તૂટ્યો. આ ઉપરાંત વિશ્વમાં પણ અશાંતિનો માહોલ છે. ઇરાન અને ઇઝરાઇલ વચ્ચે ભયાવહ ભડકો થયો છે. પડદા પાછળ અમેરિકા-ચીન સામ-સામા આવી ગયા છે.
ઘટનાઓ ગંભીર બની રહી છે. આ સમય અંગે ઘણા જાણકારો અને જાણકાર હોવાના નાટક કરનારા નાટકિયા બાબાઓ ભય પ્રસરેતેવી આગાહીઓ કરે છે. અને મીડિયા જગત મગજ તડકે મૂકીને આવા બાબાઓને ચગાવે છે. વાસ્તવમાં સમયને કોઇ સમજી શકતા નથી, સમયને કોઇ રોકી શકતા નથી. તે અંગે ચિંતા કરવાની જરૂર નથી.
ભારતીય-સનાતનની અધ્યાત્મ શાસ્ત્રનું વાક્્ય છે. ાાઅંતઃઅસ્તિ પ્રારંભ ાા અંત જ નવી શરૂઆત છે. યુગો-યુગોથી બ્રહ્માંડ અને જિંદગીઓ ધબકે છે. નાની-મોટી ઘટનાઓ નિરંતર બનતી રહે છે. આવું ચિંતન કરીને સામાન્ય માણસ પાસે ટેન્શન ફ્રી થવાનો કોઇ અન્ય વિકલ્પ દેખાતો નથી.
પ્લેન દુર્ઘટના અને વિજયભાઇની વિદાય આપણા માટે અસહય છે. જીવ ગુમાવનારા અન્ય લોકો પ્રત્યે પણ કરુણભાવ પ્રગટે છે. પરમાત્મા તમામ ને શાંતિ પ્રદાન કરે, તેમના સ્વજનોને હિંમત આપે તેવી પરમાત્માને પ્રાર્થના (૩.૨)
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
