<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ધારાસભ્‍યો ગોપાલભાઇ જેવું બોલી દેખાડે

ભાજપી ધારાસભ્‍યો લોક પ્રશ્‍નોને વાચા પણ આપતા નથી : લોકોએ નોંધ લેવી જરૂરી

 વિસાવદરમાં આખો ભાજપ અને તેની સરકાર ઊંધા માથે થઇ છતાં નવોદિત ગોપાલ ઇટાલિયાને હરાવી ન શકી. મોદીજી-શાહના ગુજરાતમાં ભાજપીઓને આ મોટી ચેતવણી ગણાય. ગુજરાત ભાજપ માટે તો શરમની વાત ગણાય. પ્રચંડ તાકાત છતાં રાજકીય બેકારી ભોગવતા કેજરીવાલ ડાન્‍સ કરી ગયા...

ગુજરાત ભાજપ પાસે પોતાની આભા બદલીને આબરૂ બચાવી શકાય છે. મોડું નથી થયું, પણ ખોટા બકવાસ કરવાને બદલે ગુજરાત ભાજપ અને ગુજરાત સરકારે કાર્યો કરી દેખાડવા જરૂરી છે.

ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી જીત્‍યા બાદ લોકોને કહયું ‘‘ કે સરકારી કચેરીઓમાં હવે તમારે ધક્કા ખાવા નહિ પડે. તમારા અધિકારો માટે હું લડત આપતો રહીશ.'' વિપક્ષમાં રહીને આવું બોલવું સરળ છે. કરી દેખાડવું અઘરું છે. ગોપાલભાઇના નિવેદનો રાજકીય પ્રકારના છે. આમઆદમી પાર્ટીના કેજરીવાલથી માંડીને સામાન્‍ય કાર્યક્રરોથી મોટી-મોટી વાતો કરવામાં પાવરધા છે. આ પરંપરા પ્રકારના નિવેદનો ગોપાલભાઇના છે. એકલ-દોકલ ધારાસભ્‍યો ધરાવતી વિપક્ષ પાર્ટી વિશેષ કંઇ ઉકાળી ન શકે એ સમજાય તેવી વાત છે. પરંતુ એક ધારાસભ્‍ય તરીકે લોકો માટે લડતા રહેવાની વાત કરીને ગોપાલભાઇએ જવાબદાર લોક પ્રતિનિધિની ભૂમિકા પસંદ કરી છે એ પ્રેરક બાબત છે.

ભાજપ માટે ગુજરાતમાં ચોમેરે ત્રિપલ એન્‍જીન સરકાર છે. પંચાયતથી  મહાપાલિકા અને રાજયથી કેન્‍દ્ર.. બધે જ ભાજપ શાસન છે. આવા શકિત શાળી પક્ષના ધારાસભ્‍ય લોકહિત માટે ધાર્યા કાર્યો કરાવવાની ક્ષમતા ધરાવનારા ગણાય.  ભાજપના ધારાસભ્‍ય લોકહિત માટે લડત આપવાથી તો ᅠજોજન દુર છે,ગોપાલ ઇટાલિયા જેવું બોલી પણ શકતા નથી. આને જવાબદારી વગરની નેતાગીરી ન ગણાય?

ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ, દારૂ-ડ્રગ્‍સના અડ્ડાઓ , બેફામ ભ્રષ્‍ટાચાર, લોકો માટે તંત્રનું અન્‍યાયી વલણ આ સ્‍થિતિ ગુજરાતના દરેક વિસ્‍તારોની છે. ભાજપના ધારાસભ્‍યએ પોતાના મત વિસ્‍તાર માટે અવાજ પણ ઉઠાવે નહિ, એ વિચિત્ર બાબત નથી? ગાંધીનગરમાં પક્ષ અને સરકાર સામે મુજરા કરવા લોકોએ  મત નથી આપ્‍યા. ધારાસભ્‍યો-સાંસદો પોતાના મત વિસ્‍તારની સમસ્‍યાઓ રાજય કેન્‍દ્ર સ્‍તરે રજૂ કરીને તેનો ઉકેલ લાવે તે તેમનું મુખ્‍ય કાર્ય છે. ગુજરાત ભાજપના ધારાસભ્‍યો સતત ચુપ રહે છે. એ લોકોની કમનસીબી ગણાય. આવા નેતાઓને સહન કરવાના ન હોય.

ગોપાલ ઇટાલિયા ભલે વિશેષ કંઇ કરી ન શકે, પરંતુ લોકોના અધિકાર મુદે લડવાની ઇચ્‍છા રાખી એ પણ આવકાર્ય છે. ભાજપના ધારાસભ્‍યોએ જ નહિ. ગુજરાતના ગૃહ પ્રધાન-મુખ્‍યપ્રધાને પણ તેના માંથી પ્રેરણા લઇને લોકહિત માટે મેદાનમાં આવવું જોઇએ. ‘‘ ઉપરવાળા'' ને ખુશ રાખવા મુજરા કરવાની જરૂર નથી.

(11:39 AM IST)