News of Thursday, 3rd July 2025
આપ સ્માર્ટ નહિ, પરિશ્રમી બને
આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો અભિયાનઃ ભાજપ- કોંગ્રેસ લોકોને ‘મામા' બનાવે છે, કેજરીવાલ ટીમ લોકોનો અવાજ બને
રાજકોટમાં સામાન્ય વરસાદમાં નવે નવો રોડ તણાઇ ગયો. ભ્રષ્ટ અને નાલાયક શાસનની આ સાબિતી ગણાય. રોડ તણાયો તે અંગે ઝાટકણી નીકળવાની હોય ત્યારે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કરોડોના ખર્ચે રાજકોટમાં નવા માર્ગો બનાવાની પ્રસિધ્ધ લઇને ધોવાયેલા રોડ નો મુદ્ો દાબી દીધો.
મીડિયા જગતે પણ સેટિંગના ભાગરૂપે હોય કે ગમે તે કારણ હોય, મહાપાલિકાને તૂટેલા માર્ગો અંગે ઝાટકવાને બદલે નવા માર્ગો બનશે તેની પ્રસિધ્ધ આપી.
ભાજપીઓ સ્માર્ટનેસ દ્વારા લોકોને મામા બનાવવાના માસ્ટર બની ગયા છે. કામ કરવાને બદલે દેખાડા-સેટિંગનું પ્રમાણ વધી ગયું છે. આ સામે ત્રીસ વર્ષમાં કોંગ્રેસ કંઇ ઉકાળી શકી નથી.
ગુજરાતમાં લોકોનો અવાજ બનનાર નેતાઓ પક્ષોનો દુષ્કાળ પડયો છે. તાજેતરમાં ધારાસભાની પેટા ચૂંટણીમાં એક બેઠક પર આપનો વિજય ઘણું જ સૂચવી જાય છે.
આ બેઠક જીત્યાબાદ રાજકીય બેકાર અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં રાજકીય રોજગારી શોધવા આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાન શરૂ કર્યુ છે. અરવિંદભાઇ ગુજરાતમાં ભાજપ- કોંગ્રેસના સેટિંગનો પ્રચાર કરે છે.
ભાજપીઓની સ્માર્ટનેસ, કોંગ્રેસી નેતાઓના નિવેદનિયે વિરોધથી ગુજરાત કંટાળી ગયું છે. ટીમ કેજરીવાલ પણ આ માર્ગે ચાલતી હોય તેમ લાગે છે. ખુદ અરવિંદભાઇ અને તેની ટીમના નિવેદનો સ્માર્ટનેસ માંથી જન્મે છે.
ગુજરાતીઓને લોકહિતના પરિશ્રમી નેતાઓની જરૂર છે. કાયદો-વ્યવસ્થાથી માંડીને જાહેર ક્ષેત્રોની સમસ્યાઓથી ગુજરાતીઓ ત્રાહીમામ છે. સ્થાનિકથી માંડીને રાજયસ્તરને ભાજપ- કોંગ્રેસના નેતાઓ દમ વગરના સાબિત થયા છે. લોકોના અવાજને કોઇ વાચા આપતું નથી. મીડિયા જગત પણ વિશેષ કંઇ ઉકાળી શકતું નથી.
આ સ્થિતિ આમ આદમી પાર્ટી માટે ઉત્તમ ગણાય. પાર્ટીના નેતાઓએ સ્માર્ટનેસને તડકે મૂકીને લોકોની સમસ્યાઓને નિર્ણાયકરૂપે રજૂ કરીને લોકોને વિશ્વાસ જીતવો જોઇએ માત્ર ને માત્ર આક્ષેપો- નિવેદનો કરવાથી કંઇ વળે તેમ નથી. કેજરીવાલે ભાજપ- કોંગ્રેસ ને પડતા મુકીને લોકો કેન્દ્રિત બનવું પડે. લોકોને મામા બનાવીને મત લેવાની વૃતિ છોડીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને લોકો નો પ્રેમ જીતવાની રણનીતિ બનાવવી જોઇએ.
કેજરીવાલે જોડો ગુજરાત યાત્રામાં નિર્ધારિત રુટ છોડીને આડા અવળા માર્ગે જઇને ગુજરાતની અવદશા દેશ સામે રજૂ કરવી જોઇએ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગામે-ગામ ચાલતા બેફામ દારૂકાંડ જાહેર કરવા સરળ છે. ઇસુદાનો અને ગોપાલભાઇઓને પણ લોકહિત માટે શેરીઓમાં ફરતા કરવા પડશે.
માત્ર સ્માર્ટનેસ અને બેફામ આક્ષેપોથી ગુજરાતમાં ‘આપ' નું કલ્યાણ નહિ થાય. ગુજરાતીઓ માટે કંઇક કરી છૂટશે તો જ કેજરીવાલની રાજકીય બેકારી દુર થશે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
