News of Saturday, 12th July 2025
સૌરાષ્ટ્રમાં નવી સરકસ કંપની
ચેલેન્જના નાટક બંધ કરાવીને પોતાનાવિસ્તારમાં ત્રેવડ હોયતો દારૂબંધીનો ૧૦૦ ટકા અમલ કરાવી જૂઓ
સરકારી તંત્રના પાયે ગંભીરા બ્રિજ તૂટ્યો નિર્દોષ લોકો મર્યા. વડાપ્રધાને પણ સ્તબ્ધ બનીને દુઃખ વ્યકત કર્યુ છે. ગુજરાતમાં શોક જેવો માહોલ છે. મૃતકોના સ્વજનોના આંસુ સૂકાતા નથી. આ માહોલમાં સૌરાષ્ટ્રમાં બે ધારાસર્ભ્યોએ ચેલેન્જ આપવાના સરકસ જેવા ખેલ આદરીને વિચિત્ર માહોલ સર્જયો છે.
વિસાવદર ‘આપ'ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયા એક - બીજાને રાજીનામા આપીને ફરી ચૂંટણી લડવાની વિચિત્ર ચેલેન્જ આપીને પ્રસિધ્ધિનો મોહ પૂરો કરી રહયા છે. બંને પોતાને બહાદૂર અને લોકપ્રિય ગણાવવા હવાતિયા મારે છે.
અતિ નબળી નેતાગીરીના કારણે સૌરાષ્ટ્ર બરબાદીના આરે છે, લોકોએ ધારાસભ્યોને કામ કરી દેખાડવા મત આપ્યા છે. રાજીનામા આપવા એ ભાગેડુ વૃત્તિ ગણાય. આવા નાટક કરવાને બદલે ગોપાલભાઈ તથા કાનાભાઈએ પોતાના વિસ્તારમાં નેતાગીરીની તાકાત બતાવવાની ચેલેન્જ આપવી જોઈએ.
મોરબી અને વિસાવદરમાં દારૂનું એક પણ ટીપું નહી મળે, તેવો પડકાર ઝીલવા ગોપાલ-કાનાભાઈમાં ત્રેવડ છે? પોતાના વિસ્તારમાં ગુન્હાખોરી સદંતર બંધ કરવાની ત્રેવડ છે? ભ્રષ્ટ અધિકારીઓને ઉઘાડા પાડવાની ત્રેવડ છે? લોકોએ આવા કામ કરી દેખાડવા મત આપ્યા છે. બકવાસ કરવાને બદલે લોકોની પરેશાની દૂર કરવા ધંધે લાગો.
ગોપાલભાઈ તથા કાનાભાઈને લાગુ પડતી આ બાબતો દરેક ધારાસભ્યને લાગુ પડે છે. ધારાસભ્યોએ બોલબોલ કરવાને બદલે ત્રેવડ દેખાડીને પોતાના વિસ્તારમાં પરાક્રમો કરી દેખાડવા જોઈએ.
જગ જાહેર છે કે, સૌરાષ્ટ્રના કોઈ ભાજપી ધારાસભ્યનું ગાંધીનગરમાં કંઈ ઉપજતું નથી. ગામમાં મોટી-મોટી વાતો કરનારા નેતાઓ પોતાની સરકાર અને પક્ષ સામે મુજરા કરતા રહે છે. અધિકારીઓ ધારાસભ્યોને સાંભળવા પણ તૈયાર નથી. આ સ્થિતિ સૌરાષ્ટ્રની નેતાગીરી માટે શરમજનક ગણાય. વિચિત્રતાઓ છે કે, શરમાવાને બદલે ચેલેન્જના ગોકીરા કરે છે.
બીજી બાજુ વિસાવદરની બેઠક જીતીને આપતા નેતાઓની હાલત ઊંદરડીએ દારૂ પીધો હોય તેવી થઈ ગઈ છે. ગોપાલભાઈ પોતાના વિસ્તારમાં કામ કરી દેખાડવાને બદલે સૌરાષ્ટ્રભરમાં ઉછળકૂદ કરવા લાગ્યા છે. આવા સ્માર્ટવર્ક કરનાર કેજરીવાલને પણ લોકોએ ફગાવી દીધા છે. ગોપાલભાઈએ વિસાવદરમાં કામ કરી દેખાડીને ઈતિહાસ રચવો જોઈએ. કામઢા બનવાને બદલે માત્ર સ્માર્ટ બનવા મથતા રહેશે તો કેજરીવાલની જેમ રાજકીય બેકાર બનવું પડશે.
લોકોએ તક આપી છે તો કામ કરી દેખાડો, ચેલેન્જની વાતો કરીને સમસ્યારૂપ ન બનો. રાજકીય સરકસમાં આવા નેતાઓ બહાદૂર નહિ, જોકર ગણાય. (પ-ર)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
