News of Tuesday, 15th July 2025
જલેબી વિલન, પિત્ઝા-બર્ગર..
ભારતમાં મગજનું દહીં કરવાને બદલે મગજનો ઉપયોગ કરવો જરૂરી છેઃ દેશને શ્રમ પ્રધાન બનાવો
‘‘ જલેબી અને સમોસા તમને અદોદારા- ભારેખમ કરી દે છે.'' આવા ચેતવણીના બોર્ડ ભારતભરમાં મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારમાં કોઇક એવું ગોઠવાઇ ગયું છે કે, જે દેશના મગજના દહીં થઇ જાય તેવા નિર્ણયો કરે છે પરંપરાગત ખોરાક જલેબી- લાડુ વગેરેમાં સરકારને વિલન દેખાય છે અને સિમેન્ટના રોટલા જેવા પિત્ઝા અને રબ્બરની રોટલી જેવી નાન થાળીમાં ઘુસી ગઇ તેની સામે સરકારને કંઇ જ વાંધો નથી. જલેબી- સમોસા-લાડુ-મીઠાઇ સદીઓથી ખવાતી વાનગી છે એમના દ્વારા પોષણ-ઉર્જા મળે છે. જલેબીનું આયુર્વેદમાં પણ મહત્વ છે. આધાશીશી તથા મહિલાઓની સમસ્યાઓની તે દવા છે.
લાડુ હજારો પ્રકારના બને છે. જે દવા તરીકે પણ ખૂબ ઉપયોગી છે. સ્થૂળતા વર્તમાન સમયની ભારેખમ સમસ્યા જ છે. સવાલ એ થાય છે કે લાડુ, જલેબી વગેરેથી અત્યારસુધી વાંધો ન હતો. હવે તે નડવા લાગ્યા?
સ્થૂળતાનું મુખ્ય કારણ ભારતીયો શ્રમથી દુર ભાગવા લાગ્યા તે છે. આપણી પરંપરા છપ્પનભોગ અને શ્રમ પ્રધાન જીવન છે. સ્થૂળતાનું બીજું કારણ ભારતીય થાળીમાં ઘુસી ગયેલા પિત્ઝા-બર્ગર-મેગી વગેરે છે. જે ભારતીયના DNA ને અનુકુળ નથી. સ્થૂળતાનું ત્રીજુ કારણ ભેળસેળિયા તથા પેકેજ્ડ ફૂડ છે. સ્થૂળતાનું ચોથું કારણ આધુનિક સારવારના નામે આડેધડ અપાતી-તીવ્ર આડઅસર ધરાવતી દવાઓ છે.
આ ચાર મુખ્ય કારણોમાંથી એક પણ કારણનો સચોટ ઉકેલ લાવ્યા વગર જલેબી-સમોસા-લાડુ ને વિલન બનાવી દેવાયા. સરકારમાં ગોઠવાઇ ગયેલા આવા ગતકડાખોરોના કારણે દેશ આડાપાટે ચઢે છે. મોદીજી જાડા ધાન્યનો પ્રચાર કરે છે. અને તેની સરકાર લાડુનો વિરોધ કરે છે.
જલેબી- લાડુમાં સ્થૂળતા દેખાય છે. તે સરકારી વિભાગને પ્રિઝર્વેટીવ- કલર- કેમિકલથી ભરપૂર રેડી-ટુ-ઇટ, રેડી-ટુ- ફૂડ દેખાતું નથી ? સ્થૂળતા માટે નોનવેજ પણ ખતરનાક ગણાય છે. નોનવેજમાં સરકારને જોખમ દેખાતું નથી? ભેળસેળિયા ઘી અને તેલમાં ઝેર દેખાતા નથી ?
ભારતીય પરંપરામાં એક ઉકિત છે. પચાવવાની ત્રેવડ હોય તો પાણા પણ પચી જાય... ભારતીયોની પચાવવાની ત્રેવડ ઘટવા લાગી છે. આ કારણે રોગો થાય છે. પાચનશકિત ઘટવાનું મુખ્ય કારણ શ્રમ ગાયબ થઇ ગયો એ છે. સરકારે પ્રચાર એવો કરવો જોઇએ કે, ખૂબ શ્રમ કરો અને કિલો એક જલેબી- લાડુ દાબો.
ભોજન અન્નકોષ શરીરની મુખ્ય એનર્જી છે. તેનાથી પોષણ અને સક્ષમ જીવન પ્રાપ્ત થાય છે. ભોજન અને પરંપરાગત વાનગીઓ પ્રત્યે ભારતીયોને નકારાત્મક બનાવો સરકારમાં ત્રેવડ હોય તો ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ સદંતર બ્રેક મારવી જોઇએ. ભેળસેળિયા સાથે સેટિંગ બંધ કરીને ભેળસેળ બદલ ફાંસીની સજા થવી જોઇએ. ભારતના પરંપરાગત ફૂડમાં અપાર વૈવિધ્ય છે. પારાવાર પોષણ છે. તેને દુનિયાભરમાં પ્રચલિત કરવા જોઇએ. કંઇ ન કરી શકો તો મગજનું દહીં કરવાનું પણ બંધ કરો. (૩.૨)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
