<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

થીગડાં મહોત્‍સવ : માર્ગ દિશાવીહિન !

ગેરેન્‍ટેડ માર્ગો તૂ્‌ટ્‍યા, પણ કોઇને સજા નહિ થાય : પ્રકરણોના ફિંડલા વળશે?

સમાચારો પ્રમાણે અધિકારીઓની બેઠકમાં મુખ્‍યમંત્રી ગરમ થયા અને ખખડાવી નાખતા પૂછ્‍યું કે, ‘‘ઉલ્લુ બનાવો છો...'' ગુજરાતના મતદારોએ રાજી એ બાબતે થવાનું કે, ચાર વર્ષે મુખ્‍યમંત્રીને એ તો ખબર પડી કે ટોળકી ઉલ્લુ બનાવે છે. ઉલ્લુ બન્‍યા બાદ પણ માત્ર ગરમી પકડી શકયા, નિર્ણાયક પગલા લઇ શકયા નથી.

ગુજરાતની ગાડી છેલ્લા બારેક વર્ષથી આડા પાટે ચાલે છે. સરકારમાં ગોઠવાઇ ગયેલા માથાં સેટિંગ નિષ્‍ણાત જેવા બની ગયા છે અને અધિકારીઓ મનફાવે તેવી મોજ કરે છે. જીવલેણ પ્રકરણોના પણ ફિંડલા વળી રહયા છે.

લોકોએ દરેક ઘટના પર ફોકસ રાખીને માર્કિંગ કરવું જરૂરી છે. જો કે આશ્‍ચર્ય છે કે, આ કાર્ય ગુજરાતનું મીડિયા જગત પણ નથી કરતું. આ કારણે સરકાર ઉલ્લુ બની ને પણ ગોૈરવ લીધા કરે છે.

હાલ ગુજરાતમાં ગામેગામ થીગડાં મહોત્‍સવ ધામધુમથી ઉજવાઇ રહયો છે. ચારેબાજુ માર્ગો તૂટી ગયા છે. ગેરન્‍ટીવાળા માર્ગોના બેહાલ થયા છે. પરંતુ ઉલ્લુ બનવાના શોખીનો તેનો શોખ પુરો કરવામાં વ્‍યસ્‍ત હોય તેમ લાગે છે. સમાચારો પ્રમાણે રાજકોટમાં ગેરન્‍ટીવાળા માર્ગો તૂટયા તે અંગે નોટિસ આપવામાં આવી છે.  આ કાર્યવાહી કરીને જાણે મીરમાર્યો હોય તેવો દેખાવ શાસકો કરે છે. નોટીસનો જવાબ મળ્‍યા બાદ મોટાભાગે પ્રકરણ પુરું થઇ જશે. બહુ હોબાળો થશે તો થોડો દંડ ફટકારાશે.

ગેરેન્‍ટીવાળા માર્ગો તૂટયા જીવલેણ અકસ્‍માતો થયા તેમાં કોઇને યાદગાર  સજા નહિ થાય? લોકોમાં ચર્ચાફ છે કે  નોટીસ આપનાર અને નોટીસના જવાબ આપનાર સાથે મળીને લોકોને ઉલ્લુ બનાવે છે.

માર્ગો પર થીગડાં લાગે છે. તેનું પણ નિરિક્ષણ કરીને અધિકારીઓ પ્રસિધ્‍ધિ મેળવે છે. મોટાભાગના થીગડાં વિચિત્ર પ્રકારના હોય છે. માર્ગો પર ટેકરા કર્યા હોય તેવો આભાસ કરનારા થીગડાં પણ અકસ્‍માતોનું જોખમ સર્જે છે. આ સ્‍થિતિ લાંબા સમયથી ચાલી રહી છે. પણ સેટિંગ હોવાથી કોઇને નિર્ણાયક સજા થતી નથી અને લોકોની પરેશાનીનો અંત આવતો નથી તેવું પણ ચર્ચાય છે.

રાજકોટના મુખ્‍યમાર્ગોને બાદ કરો તો આંતરિક વિસ્‍તારોમાં તીવ્ર ગંદકીનો પ્રશ્‍ન વિકરાળ બનીને ઉભર્યો છે. આ સ્‍થિતિ નજર સામે હોવા છતા આશ્‍ચર્ય એ છે કે, સ્‍વચ્‍છતામાં રાજકોટનો સમાવેશ ગુજરાતના પાંચ શહેરોમાં થયો છે. લાગે છે કે, સ્‍વચ્‍છતા સર્વેક્ષણમાં પણ ગંદકી જ ગોઠવાઇ ગઇ હશે?

અધિકારીઓ નેતાઓને ઉલ્લુ બનાવે છે. નેતાઓ લોકોને ઉલ્લુ બનાવે છે. ગુજરાત દિશાવીહિન બની ગયું છે. લોકો ઉલ્લુ બનતા રહેશે ત્‍યાં સુધી...  

(1:05 PM IST)